બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવિયા આપજી ૧/૧

બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવિયા આપજી;
	દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માય ને બાપજી...બોલો૦ ૦૧
બાળપણામાં બટુક તમે, કેમ લીધો વૈરાગ્યજી;
	સગાં ને સંબંધી તણો તમે, કહો કેમ કર્યો ત્યાગજી...બોલો૦ ૦૨
માતપિતાએ પ્રેમે કરી, ન લડાવ્યા શું લાડજી;
	કે ભાઈ ને ભોજાઈથી, રિસાયા કરી રાડજી...બોલો૦ ૦૩
કાયા તમારી છે કોમળી, પાદુકા નથી પાયજી;
	વાટમાં કાંટા ને કાંકરા, તેમાં કેમ ચલાયજી...બોલો૦ ૦૪
ટાઢ ને તડકો બહુ પડે, કેમ સહન કરાયજી;
	ઝડીઓ પડે રે વરસાદની, કહો કેમ ખમાયજી...બોલો૦ ૦૫
પૃથ્વી ઉર પોઢતા હશો, પાથર્યો નહિ પલંગજી;
	ખરેખરું ખૂંચતું હશે, આવે કોમળ અંગજી...બોલો૦ ૦૬
કોણ સેવા કરતા હશે, સાચો રાખી સ્નેહજી;
	ભૂખ તરસ વેઠતા હશો, દીસે દુર્બળ દેહજી...બોલો૦ ૦૭
કમળ કે પુષ્પ ગુલાબનું, એવું શોભે શરીરજી;
	દેખી દયા અમને ઊપજે, આવે નયનમાં નીરજી...બોલો૦ ૦૮
ચંદ્ર કે ઇન્દ્ર દિનેશ છો, કે શું શંભુ સ્વરૂપજી;
	કાં તો અક્ષરપતિ આપ છો, કોટિ ભુવનના ભૂપજી...બોલો૦ ૦૯
છત્ર ચમર ધરવા યોગ્ય છો, ભાગ્યવંત છો ભ્રાતજી;
	તે જોગી થઈ જગમાં ફરો, એ તો આશ્ચર્ય વાતજી...બોલો૦ ૧૦
હાથી ઘોડા રથ પાલખી, તમને વાહન હોયજી;
	તે તમે વિચરો છો એકલા, કેમ કળી શકે કોયજી...બોલો૦ ૧૧
જે તન ઉપર જોઈએ, હીરા મોતીના હારજી;
	તે તન ઢાંક્યું મૃગચર્મથી, નથી સજ્યા શણગારજી...બોલો૦ ૧૨
જે શિર ઉપર જોઈએ, મણિ જડીત મુગટજી;
	તે શિર ઉપર જણાય છે, જોતાં આજ જટાજુટજી...બોલો૦ ૧૩
કંચન કેરી કટોરીએ, જળ પીવાને જોગજી;
	તે તમે રાખી છે તૂંબડી, તેવા ભોગવો ભોગજી...બોલો૦ ૧૪
વર્ણી લાગો છો વહાલા ઘણા, આવો અમારે ઘેરજી;
	જુગતે કરીને જમાડીએ, રસોઈઓ રૂડી પેરજી...બોલો૦ ૧૫
આશિષ અમને આપીએ, ધરી ઉરમાં વહાલજી;
	નિત્ય અમારું રક્ષણ કરો, વિશ્વવિહારીલાલજી...બોલો૦ ૧૬
 

મૂળ પદ

બોલો બોલો રે જોગી બાલુડા

મળતા રાગ

જંગલો ઢાળ : જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી