શામરે મેરી સુધ હરી લીની.૧/૪

શામરે મેરી સુધ હરી લીની. શામ રે.
હોરી ખેલત ભયે ચતુર શામરો, કેશુર રંગ મેં રસબસ કોની. શામ રે.૧
અબીર ગુલાલ ધૂમ મચાવત, ગ્રહી પિચકારી હાથ નવીની. શામ રે.૨
એક ઓર શ્રી ઘનશ્યામ સલૂણો, એક ઓર સબહી સખી રંગભીની. શામ રે.૩
મંજુકેશાનંદ કે પ્રીતમ, દરશ પર્સસે મગન કરી દીની. શામ રે.૪

મૂળ પદ

શામરે મેરી સુધ હરી લીની.

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ઉત્પત્તિ

હુતાશનીનો ઉત્સવ કરવા માટે એકવાર શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા. મહારાજે નરનારાયણદેવના સાન્નિધ્યમાં હુતાશનીનો ઉત્સવ ઉજવ્યો. ધુળેટીના દિવસે વડોદરાના નાથભક્તે ઘેબરની રસોઈ કરાવી હતી તે સંતોને જમાડીને શ્રીજી સભા મંડપમાં પાટ ઉપર બિરાજ્યાં; ત્યાં સંતો રંગના ભરેલા પાત્રો લાવ્યા. શ્રીહરિએ એમાંથી રંગ ઉડાડી સભામાં સર્વને આનંદ રસ પમાડી રંગમાં રસબસ કરી દીધા. સંત હરિભક્તોએ પણ શ્રીજી ઉપર રંગ ઉડાડ્યો, પછી રંગભીના વસ્ત્ર સહિત મહારાજ અશ્વ ઉપર બેસી સંતો સાથે સાબરમતી નદીમાં સ્નાન કરવા ચાલ્યા. કાછીયાવાડીમાં ઘાટ બાંધેલો હતો ત્યાં પ્રભુ સખાસાહિત પધાર્યા ને ત્યાં સ્નાન કરવા ઊતર્યા . મહારાજ જ્યાં સ્નાન કરતાં ત્યાં સ્નાન કરવાનો મહિમા ભક્તોમાં ખુબ વધી જતો. મહારાજ નહાતા હતા એટલામાં ત્યાં એક જુવાન સાધુ બાંધેલા ઘાટ ઉપર આવી કૂદીને નદીમાં પડ્યો. મહારાજે આ જોયું. એમણે સાધુનું આ અઘટિત વર્તન ન રુચ્યું; એટલે એ સંતને બોલાવડાવી ઠપકો આપતા કહ્યું: ‘સાધુરામ ! આમ અમારી અને વયોવૃદ્ધ સંતોની મર્યાદા મૂકીને અઘટિત રીતે કેમ નહાવા પડ્યા ?’ સાધુ કં‌ઇ જવાબ આપે એ પહેલા ત્યાં ઊભેલા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા: ‘મહારાજ ! એ તો બહુ પ્રેમને લીધે મર્યાદાનું ભાન ન રહ્યું . કવિજનો પ્રેમમાં મર્યાદા માનતા નથી .’એ જુવાન સાધુ કવિ હતા ને શ્રીહરિ પ્રત્યેના પ્રગાઢ પ્રેમના આવેગમાં મર્યાદા મૂકી એ પ્રભુના ચરણામૃતનું પાન કરવાના શુભાશાથી પડ્યા હતા . બ્રહ્મમુનિના વચન સાંભળી શ્રીજી હસ્યા ને પછે એ પ્રેમી સંતને પોતાની પાસે બોલાવી કહ્યું”\: ‘સ્વામી ! અમે તો લોકની રીતે કહ્યું, લોક પ્રેમ દેખતા નથી. માટે લોકમાં અપકીર્તિ થાય એવું કામ પ્રેમના આવેગમાં પણ ક્યારેય ન કરવું.’ એ સંત કવિએ શ્રીજી આજ્ઞા શિરોમાન્ય ગણી જીવનપર્યન્ત એનું પાલન કર્યું. મહારાજના પ્રેમાળ ઠપકા સાથે એમનાં અમૂલ્ય આશિષ પામનાર એ પ્રેમી સંત કવિ હતા સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય અષ્ટકવિઓ પૈકીના એક કવિ શ્રી મંજ્કેશાનંદ સ્વામી. *( શ્રીહરિચારિત્રામૃતસાગર ( પૃ ૨૮ , તરંગ ૧૦૭ )) શ્રી મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સોરઠ જીલ્લાના માણાવદર ગામમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમના માતા પિતાનું નામ જેતબાઈ અને વાલાભાઈ પટેલ હતું . વાલાભાઈ અને જેતબાઈ બન્ને સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત હતા. સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ ભક્તચિંતામણિ‌’ માં એમનો ઉલ્લેખ કરતાં લખ્યું છે: “બાળ જોબન વૃદ્ધ સમિ‌ષ્ઠ સરવે જન સમાધિનિષ્ઠ . ભાવી ભક્ત વાલો જેતબાઈ .............’ (ભા. ચિં. પ્ર . ૧૧૩ ) મંજુકેશાનંદ સ્વામીનાં મોટાભાઈનું નામ ભીમભાઈ હતું. તેઓ પણ શ્રીહરિના પરમ ભક્ત ને મહામુક્ત હતા. મંજુકેશાનંદનું પૂર્વાશ્રમનું નામ જાણી શકાયું નથી. જેતબાઈને પોતાના નાના બાળમુક્ત ઉપર વિશેષ પ્રેમ હતો. શાંત વૃતિ, નિર્મળ સ્વભાવ, ઊંચી સમજણ તથા આજ્ઞાકારીત્વ વગેરે ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત પુત્રને જોઇને માં હરખાતી . એ મનોમન વિચારતી કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ ગામે ગામે વિચરણ કરી એકાંતિક ધર્મનું સ્થાપન કરી રહ્યા છે, મારો આ નાનો બાળ પણ જો પ્રભુની સેવામાં જોડાઈ એમનાં એ દિવ્ય કાર્યમાં સહાયરૂપ થાય તો એનું ને અમારું જીવન ધન્ય બની જાય. જેતબાઈએ આવા જ શુભાશાયથી પુત્રમાં બાળપણથી જ સત્સંગના ઉચ્ચ સંસ્કાર રેડ્યા હતા. છેક બલ્યકાળથી જ ઇશ્વરાભિમુખ વૃતિ સાથે ઉછરેલો એ મુમુક્ષુ યુવાન હંમેશા સંત પુરુષોના સત્સંગ સમાગમ અને પ્રગટ પ્રભુના દર્શન માટે આતુર રહેતો. જેને જેવું ગમતું હોય છે, એને એવું જ વાતાવરણ મળી રહેતું હોય છે ! બન્યું એવું કે સ. ગુ. સ્વયંપ્રકાશાનંદ સ્વામી સોરઠ પ્રદેશમાં વિચરણ કરતા કરતા એકવાર માણાવદરમાં આવી પહોંચ્યા. આવા સમર્થ સંત પધારે એટલે સત્સંગી હરિભક્તોની ભીડ જામે એ તો સ્વાભાવિક છે, પણ ભક્તોની ભારે ભીડમાં એક ખૂણામાં બેસીને એકાગ્ર ચિત્તે સંતવાણી સંભાળતા તેજસ્વી યુવાનની મુખની આભા જોઇને સ્વામી પારખી ગયા કે આ તો ચીંથરે વીંટાયેલુ રત્ન છે. સ્વામીએ એને પાસે બોલાવી થોડા પ્રશ્નો પૂછી એની મુમુક્ષુતા તપાસી. હૃદયને ઠારતી ને સંકલ્પોને શાંત કરતી સ્વામીની વાતો સાંભળી યુવાનની વૈરાગ્યવૃત્તિ પ્રબળ બની, એણે સ્વામીને પગ પકડીને આજીજી કરી કે ‘ સ્વામી ! હવે તો હૈયું હાથ નથી રહેતું , કૃપા કરી મને આપની પાસે રાખો ને પ્રગટ પ્રભુના દર્શન કરાવો .’ જેતબાઈએ પણ હસતે મુખે અનુજ્ઞા આપી એટલે સ્વયંપ્રકાશાનંદ સ્વામી એ મુમુક્ષુ યુવાનને પોતાની સાથે લઈ ગઢડા આવ્યા ને શ્રીજીમહારાજ પાસે એને મહાદીક્ષા અપાવી સાધુ કરાવી ‘ મંજુકેશાનંદ’ નામ રખાવ્યું. શ્રી મંજુકેશાનંદ સ્વામી સ.ગુ. સ્વયંપ્રકાશાનંદ સ્વામીના મંડળમાં હતા. એ મંડળમાં ૬૦ (સાઠ) સંતો હતા તેથી એ ‘સાઠી મંડળ કહેવાતું. શ્રી મંજુકેશાનંદ સ્વામીને ગુજરાતી ભાષાનું પ્રાથમિક શિક્ષણ માણાવદરમાં જ મળ્યું હતું અને મહાદીક્ષા લીધા પછી વિદ્વત્વર્ય. સ. ગુ. નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ભણવા રહ્યા. તેમણે ખાસ કરીને વ્યાકરણ , કાવ્ય, પુરાણો અને મહાભારત વગેરેનો અભ્યાસ કર્યો. તે પછી ગોસ્વામી તુલસીદાસજી અને સૂરદાસજી આદિ ભક્ત કવિઓના સાહિત્યનુ અધ્યયન કરીને હિન્દી ભાષામાં પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આ જ રીતે મરાઠી ભાષામાં પણ કુશળતા મેળવી, પ્રખર બુદ્ધિમત્તા, સૂક્ષ્મ ગ્રહણશીલતા , સતત વા‌ચન-મનન જેવા ઉચ્ચ ગુણોને લીધે થોડા જ સમયમાં સ્વામીશ્રીએ એક પ્રૌઢ પંડિત અને મેઘાવી કવિ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. સ.ગુ. શ્રી મંજુકેશાનંદ સ્વામી શ્રેઠ વિદ્વાન ,ઉત્તમ કવિ, કુશળ વક્તા, સત્સંગનો ઉત્કર્ષ સાધવામાં ઉત્સાહી, નિ:સ્વાર્થી અને પરોપકારપરાયણ એક આદર્શ સંતપુરુષ હતા. ‘નંદનામમાળા ‘ નામની તેમની એક પુસ્તિકામાં સ્વામીએ પોતાના વ્યક્તિત્વને સુચારુ શબ્દોમાં અભિવ્યક્ત કરતાં લખ્યું છે. “મંજુકેશાનંદ તે પંડિત, રૂડા ગુણે કરી મંડિત; જેણે કીધા છે ભાષાના ગ્રંથ, કીધો કીર્તન મોક્ષનો પંથ ” સ્વામીએ ધર્મપ્રકાશ, નંદનામમાળા ઐશ્વર્યપ્રકાશ, હરિ‌ગીતા, એકાદશી માહાત્મ્ય ઈત્યાદી લઘુ ગ્રંથો રચ્યા છે. શ્રી મંજુકેશાનંદ સ્વામીનાં પદોની સંખ્યા ૪૦૦૦ની કહેવાય છે. તેમનું મુખ્ય અંગ વૈરાગ્યનું છે. સંસારની અસારતા બતાવી, વૈરાગ્યનો ઉપદેશ આપનારી તેમની વાણી જોમવાળી પણ સાદી છે. તેમની લેખન પદ્ધતિ ઉપદેશકને વધારે મળતી આવે છે અને શૈલી પોતે વાંચનાર સાથે કે સાંભળનાર સાથે પ્રત્યક્ષ વાત કરતાં હોય તે પ્રકારની હોઈ ઘણી જ સરળ છે, કાવ્યદોહનકાર સ્વ.ઈચ્છારામ દેસાઈ કહે છે કે ‘ દુ:ખિયાને દુઃખ વેળા ધૈર્ય પ્રેરવામાં તેમના પદોની શક્તિ અજબ છે .’ *( અ.નિ. ઈશ્વરલાલ મશરૂવાલા) સં. ૧૮૭૨મા શ્રીહરિએ વડતાલમાં ફૂલડોલોત્સવ ખૂબ ધામધૂમથી ઊજવ્યો હતો. એનું આબેહૂબ વર્ણન “ એક સમે શ્રીહરિ આવિયા, વડતાલે સુખકંદ “ એ પદમાં મંજુકેશાનંદે બહુ ખૂબીથી કર્યું છે. શ્રીજીમહારાજે પંચાળ‌ા‌માં રાસોત્સવ કરેલો એ લીલાનું રસિક નિરૂપણ બ્રહ્માનંદ, પ્રેમાનંદ, દેવાનંદ ઇત્યાદિ સંત કવિઓએ એમનાં કાવ્યોમાં કર્યું છે, એનાથી અનોખી ભાત પાડતું લીલાત્મક નિરૂપણ મંજુકેશાનંદે ‘ સખી દુર્ગનગરને ચોક રમે ઘનશ્યામ ‘ એ પદમાં ગઢપુરમાં શ્રીજીએ ખેલેલી રાસ લીલાનું રસિક બ્યાન આપી કર્યું છે. ગઢડામાં દાદાખાચરના દરબારમાં મહારાજ ઘણીવાર વસંતોત્સવ તેમજ હુતાશનીના ઉત્સવ પ્રસંગે રંગલીલા રમેલા, એવી જ એક રંગલીલાનું અત્યંત મધુર બાનીમાં ગાન મંજુકેશાનંદે “ઘનશ્યામ” છબીરો હોરી ખેલત હો. ખેલત રે ગઢપુરમાં શ્રી ગોપાલ ,’ એ પદમાં પ્રગલ્ભપણે કર્યું છે. આવા તો હોળીના કેટકેટલાય પદ કવિએ પ્રસંગે પ્રસંગે પ્રગટ પ્રભુ પાસેથી પ્રેરણા પામીને રચ્યા છે. એવું જ એક મંજુકેશાનંદની પ્રાસાદિક કલમના ઉત્તમ કસબ સમું પદ કવિએ રંગોત્સવ પ્રસંગે રચેલું ને સંધ્યાકાળના ઘેર ગુલાબમય વાતાવરણમાં શ્રીહરિના રંગમાં રસબસ થઈને પંચમસૂરે પ્રાણ પૂરતા આલાપેલું : “ઘનશ્યામ રે મેરી સૂધ હરિ લીની”

વિવેચન

આસ્વાદ: ‘હોળી’ના પ્રસ્તુત પદમાં સંત કવિ શ્રી મંજુકેશાનંદે હોળી ખેલન ક્રીડાનો ઉલ્લાસ, ગતિ-સ્ફૂર્તિ તેમજ સલુણા ઘનશ્યામ શ્રી સહજાનંદના રૂપવર્ણનનું અંકન સમુલ્લાસભેર કર્યું છે. કાવ્યનો ઉપાડ આકર્ષક છે. પ્રેમની પરાકાષ્ઠાએ આવિર્ભાવ પામતી ઉપાલંભયુક્ત ફરિયાદથી એનો પ્રારંભ થાય છે. વળી ખૂબીની વાત એ છે કે એ જ કડી કાવ્યની ધ્રુવ યાને ટેક પંક્તિ બને છે. કાવ્ય રચનાનો મધ્યવર્તી સચોટ વિચાર કે ભાવ એની ટેક પંક્તિમાં ઝિલાય છે. અહીં‌ જે ટેક પંક્તિ છે- ‘ઘનશ્યામ રે મેરી સૂધ હરિ લિની’ એની ચારુતા હૃદયસ્પર્શી છે. કાવ્યની આ મહત્વપૂર્ણ ને આકર્ષક ધ્રુવપંક્તિની સુશ્લિષ્ટ રચનામાં કવિએ આત્માનુભૂત ઊર્મિના ઘુંટાણનું આવિષ્કરણ કર્યું છે. એમાં પણ ‘રે’ જેવા તાલ પ્રેરક અને ગીત પોષક શબ્દનો યથાસ્થાને પ્રયોગ કરીને કવિએ ભાવનું તીવ્ર સ્પંદન પ્રગટાવ્યું છે. સહજાનંદ સ્વામીની રંગોત્સવ લીલાનું દર્શન શ્રાવણ –મનન ભાવુક હૃદયને જગતના પ્રપંચથી અલિપ્ત કરી એમનાં દિવ્ય તેજોમય સ્વરૂપમાં આકૃષ્ટ કરે છે. એક વાર પણ જેની હૃદય – આંખે એ રસિક રંગ-લીલા નીરખી છે, એ આંખો પછી ક્યારેય જગતના પ્રલોભનોમાં નથી લોભાતી. દિવ્ય રંગલીલા કરીને જગતના જાત જાતના રાગ પ્રત્યેની મનની અભિમુખતા પ્રભુ હરી લે છે. પછી મન સાંસારિક ભાન ગુમાવે છે. સચરાચર વિશ્વમાં; પછી તો એ આંખો પ્રભુની દિવ્ય રંગલીલા જ નિહાળે છે. તેથી જ કવિ વારંવાર એક જ ભાવને ઘૂંટતા ગાય છે કે ‘ઘનશ્યામ રે મેરી સૂધ હરિ લીની’ કવિની એ ફરિયાદમાં રોષ કરતા હૃદયનાં વિશુદ્ધ પ્રેમનો પમરાટ વિશેષ છે. કાવ્યની શેષ પંક્તિઓમાં શ્રીહરિએ કેવી રીતે સૂધબૂધ હરિ લીધી તેના કારણ પરત્વે કવિ શ્રીહરિની રંગોત્સવ લીલાનું વર્ણન કરે છે. હોળી ખેલતો શામળિયો કવિને ચતુર લાગે છે, કારણ કે સંત-હરિભક્તોના વિશાળ સમૂહ સામે શ્રીજી એકલા હોવા છતાં એવી ચાતુરીથી રમે છે કે સર્વને કેસરવર્ણા કેસૂડાના રંગમાં રંગીને રસબસ કરી નાખે છે. અબીલ ગુલાલની ધૂમ મચી છે. નવી‌ જ પિચકારી લઈને પ્રભુ સર્વેને રંગી રહ્યા છે. અવતારના અવતારી પહેલી જ વાર બ્રહ્માંડમાં પધાર્યા હોય ત્યારે એમની ભક્તોને વશ કરવાની રીત ને સાધન નીત નવા ને નિરાળા જ હોય ને ! એક બાજુ સ્વયં પ્રભુ શ્રી ઘનશ્યામ છે ને બીજી બાજુ શ્રીજીના રંગે રંગીને રસબસ થઇ ગયેલા સંતો છે ને રંગોત્સવની ધૂમ મચી છે. મંજુકેશાનંદનું ભાવુક હૃદય મહારાજની આ રસિક લીલા નિહાળીને આનંદ મગ્ન બની નાચી ઉઠે છે અને તન-મનની સૂધબૂધ ખોઈ બેસી શ્રીજીના સ્વરૂપમાં લીન થઇ જાય છે. પદ સુગેય છે, કાફી હોરી રાગમાં એની તાજ બાંધી કવિએ ગાયું છે. વૈરાગ્યપ્રેરક કવિ મંજુકેશાનંદે માહાત્મ્યજ્ઞાનેયુક્ત ભક્તિ-ભાવવાળા કાવ્યો પણ બહુ સુંદર રચ્યા છે, એનું આ પદ એક ઉજ્જવળ દ્રષ્ટાંત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી