વિવેચન:
આસ્વાદ
આ કીર્તનમાં પ્રેમ અને શરણાગતિનો અનુપમ સંગમ છે.
આ કીર્તનમાં એક બાજુ વિરહીની વેદના અને અને બીજી બાજુ શરણાગતીની દીનતા છે.
ભગવાન સ્વામિનારાયણની પૃથ્વી ઉપરથી છેલ્લી વિદાયની વાત હોવા છતાં આ પદ શોકની ગમગીનીથી ભરેલું સોગિયું પદ નથી. પણ વિરહની વેદનાસભર ભક્તિનું પદ છે.
જગતમાં કોઈની કાયમી વિદાય થાય ત્યારે સ્નેહીજનો ભારે ઉદાસ અને શોકાતુર થાય છે. શ્રીહરિની આ વિદાય કાયમી જણાય છે છતાં એ વિદાય દુન્યવી જેવી કાયમી નથી. કારણ કે પરમાત્મા શાશ્વત છે. એને જન્મ-મરણ નથી. એટલે તો શાસ્ત્રો એમના જન્મ માટે ‘પ્રાગ્ટ્ય’ અને વિદાય માટે ‘અંતર્ધાન’ શબ્દોનો પ્રયોગ કરે છે.
શ્રીહરિ નટવર છે. એ ક્યારેક પડદા પાછળ રહે છે તો ક્યારેક રંગભૂમિ ઉપર પ્રગટ થાય છે. ‘પ્રાગટ્ય’ અને ‘અંતર્ધાન’ એ તો નટવરની લીલા માત્ર છે. માટે ભક્તિમાર્ગમાં વિરહની વેદના અવશ્ય હોય છે. પરંતુ એમાં શોકની સ્મશાનમયી ગમગીની નથી હોતી.
‘બીસર ન જાજો મેરે મિત’
આ કીર્તન સંભવિત વિરહની વેદનામાંથી પ્રગટ્યું છે. કૃષ્ણ મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ જે રીતે રડી છે તે જ રીતે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ જવા તૈયાર થયા ત્યારે પ્રેમાનંદ સ્વામી ચોધાર આંસુએ રડ્યા છે.
પૃથ્વી પરથી વિદાય વેળાએ શ્રીહરિએ પરમ પ્રેમભરી દ્રષ્ટિથી પ્રેમાનંદ સ્વામી સામે જોયું.
શ્રીહરિના મનમાં ચિંતા હતી કે ‘મારા વિરહમાં આ પ્રેમી સંતનું શું થશે?’
શ્રીહરિ બોલ્યા, ‘સ્વામી! આ તો દેહથી જુદા પડવાનું છે. આપણાં ચૈતન્ય ક્યારેય અલગ થઈ શકે તેમ નથી.’ સર્વવ્યાપકભાવે અમે કાયમ તમારે સાથે છીએ.
આટલું સાંભળતાં તો પ્રેમાનંદ સ્વામી ચોધાર આંસુડે રડવા લાગ્યા. શ્રીહરિના આ શબ્દોથી સ્વામીને સાંત્વના ન મળી.
પ્રેમીઓ અને જ્ઞાનીઓના સ્વભાવમાં એક પાયાનો તફાવત હોય છે. નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપી બ્રહ્મતત્વની વાતોથી જ્ઞાનીઓને સંતોષ થઈ શકે છે પણ પ્રેમીઓને નહીં.
ગોપીઓ અને ઉદ્ધવનો પ્રસંગ એનો સાક્ષી છે. કૃષ્ણવિરહમાં ઝૂરતી ગોપીઓને ઉદ્ધવ લાખ પ્રકારે સમજાવે છે, પણ ગોપીઓ માનતી નથી.
ઉદ્ધવજી કહે, ‘તમે શોક ના કરો, કૃષ્ણ સાધારણ નથી, એ તો નિર્ગુણ નિરાકાર છે.’
તો ગોપીઓએ સામે પ્રશ્ન પૂછ્યો –
નિર્ગુણ કૌન દેશ કો વાસી કૌન માત અરુ તાત
સાંભળીને ઉદ્ધવજી બાધા જેવા બની સામે જોઈ રહ્યા. એના મનમાં થયું ‘આ ગોપીઓ તો કાંઈ ગાંડી થઈ છે! નિર્ગુણ નિરાકારનાં કોઈ માબાપ હોતાં હશે! સર્વવ્યાપીનાં તે કાંઈ દેશ કે ગામ હોતાં હશે!’ આમ વિચારતા ઉદ્ધવ બોલ્યા, ‘ગોપીઓ, તમે નકામી રડો છો. કૃષ્ણ મથુરા ગયા છે એ તો તમારી મનની ભ્રમણા છે. કૃષ્ણ તો સર્વવ્યાપી છે.
અત્ર તત્ર સર્વત્ર વ્રજના કણેકણમાં એ વસે છે.
આ જમુનાની ધારીએ એ જ વહે છે.
આ કદમ્બનું વૃક્ષ એનો જ વિસ્તાર છે.
આ હંસો અને કોકિલોમાં એ જ વિરાજે છે.
આ કમળોનાં ફૂળોમાં એનો જ વિકાસ છે.
સર્વવ્યાપક પરમાત્માને ક્યાંય આવવા-જવાનું હોતું નથી. માટે તમે એ સર્વવ્યાપીને સંભારશો તો કૃષ્ણ તમને દૂર નહીં ભાસે. સગુણ સાકારને છોડો અને નિર્ગુણનું ધ્યાન કરો.’
આટલી વાત સાંભળતાં તો ગોપીઓનું રડવું થંભી ગયું અને સઘળી ગોપીઓ જાણે પાગલ બની ગઈ હોય તેમ એકસામટી હસવા લાગી. ઉદ્ધવ વળી બાઘાની જેમ જોઈ રહ્યા.
ગોપીઓ બોલી, ‘ઉદ્ધવ! અમે સાંભળ્યું હતું કે તું અને તારા સ્વામી ભારે બુદ્ધિવાળા છો. પણ તારી વાત સાંભળતાં લાગે છે કે તારામાં અને તારા સ્વામીમાં અક્કલનો છાંટોય નથી! હે ઉદ્ધવ! જો કૃષ્ણ સર્વવ્યાપી હોય તો તારે એનો સંદેશ લઈને મથુરાથી અહીં શા માટે આવવું પડે? જો કૃષ્ણ સર્વવ્યાપી હોય તો એણે આવો સંદેશો મોકલવાની શી જરૂર હતી? આટલી સીધી સાદી વાત પોતાની જાતને ડાહી માનતા માણસોને કેમ સમજાણી નહીં?’
‘ઉદ્ધવ! તમે નિર્ગુણ નિરાકારના ધ્યાનની વાત કરો છો પણ એ વાત અમારે ગળે ઊતરે તેમ નથી. કારણ કે ધ્યાન કરવા માટે તો મન જોઈએ. અમારી પાસે મન તો છે નહીં, એક મન હતું તે તો કૃષ્ણે હરિ લીધું છે. અમારી પાસે બીજું મન તો છે નહીં, હવે ધ્યાન કેમ કરવું?’
ઉધો મન ન ભયે દશ વીસ
એક હુતો સો ગયો શ્યામ સંગ, અબ કો આરાધે ઈશ.
‘બીજું સાંભળી લ્યો ઉદ્ધવ! આ ધ્યાન અને જોગ આહીરની સ્ત્રીઓને ન ફાવે અને ગમે પણ નહીં.’
‘જેનું મન હોય રોગી તે ફરે છે થઈને જોગી.
અમે તો ભૂધરના ભોગી રે,
ઓધાજી અમને શ્યામ વિના સુખ ન આવે રે.
ઉદ્ધવ અમારે મનથી ધ્યાન ધરી શકાય એવા સર્વવ્યાપી શ્યામની જરૂર નથી. અમારે તો અમારી આંખો સામે રમે, જે અમને બોલાવે, હસાવે, પાલવ પકડે, મટકી ફોડે, કપડાં હરે એવો કાન જોઈએ. એ સિવાય બીજા કોઈ કાનની વાત અમારે ગળે ન ઊતરે. અમને ભોળી વ્રજનારીઓને ભરમાવવાની વાત રહેવા દ્યો.’
‘ઉદ્ધવ! કદાચ તમારી વાતથી અમારું મન માની જશે પણ અમારી આંખો નહીં માને કારણ કે અમારી આંખોને કૃષ્ણ દર્શનની આદત પડી છે અને એ આદત હવે છૂટવી કઠણ છે.’
‘અંખિયાં દુખિયાં નહીં માનતી હૈ.’
‘ઉદ્ધવ! અમારી આંખોની આદત પાસે અમે મજબૂર છીએ. કૃષ્ણદર્શન વગર એને સંતોષ થાય તેમ નથી.’
‘ઉદ્ધવ! તમારો નિર્ગુણ નિરાકાર કૃષ્ણ અમને ભોળા વ્રજવાસીઓને ન પોષાય. અમારે તો અમારી આંખો આગળ નાચે એવો સગુણ સાકાર કાનુડો જોઈએ.’
ગોપીઓના પ્રેમની પાસે ઉદ્ધવનું જ્ઞાન નમી ગયું. ઉદ્ધવજીના જ્ઞાને ગોપીઓ પાસેથી પ્રેમની દીક્ષા લીધી.
પ્રેમસખીની વાત પણ ગોપીઓ જેવી છે. શ્રીહરિની જ્ઞાનભરી વાતો એના ગળે ઊતરે એમ નથી. લાખ પ્રયાસ છતાં એનું મન માને તેમ નથી. શ્રીહરિ આ વાત બરાબર સમજે છે કે ‘તત્વજ્ઞાનભરી દેહ અને ચૈતન્યની વાતો આ પ્રેમ ભરેલા હૈયાને સાંત્વના આપી નહીં શકે. આને તો જીવવા માટે કોઈ આધાર જોઈએ.’
શ્રીહરિ બોલ્યા, ‘પ્રેમસખી બોલો તમારે શું જોઈએ છે? માગો તે આપું?
જવાબમાં પ્રેમસખીના અંતરમાંથી પંક્તિ ઊઠી છે,
‘બીસર ન જાજો મેરે મિત, યહ વર માગું હું નિત.’
પ્રેમસખી કહે છે કે ‘મહારાજ! આપ અંતર્યામી જાણો છો મારા અંતરમાં તમારા સિવાય કોઈ ઝંખના નથી. તમે જ મારું સર્વસ્વ છો. તમારી મૂર્તિ વિના મારે કાંઈ ખપતું નથી.’
પ્રેમાનંદ સ્વામીનું એક કીર્તન છે, ‘તમારી મૂર્તિ વિના મારા નાથ, બીજું મને આપશો મા.’
મહારાજ! તમારી મૂર્તિ સવાય બીજી ઇચ્છા થાય તો પણ આપશો નહીં.
નાનાં બાળકો રડે, પણ એના રડવા-રડવામાં ભેદ હોય છે.
એક બાળક રમકડાં માટે રડે છે. એક બાળક માત્ર મા માટે રડે છે.
રમકડાં માટે રડતા બાળકને મા રમકડાં આપે એટલે શાંત થઈ જાય પણ મા માટે રડતું બાળક રમકડાંથી રાજી ન થાય. એને તો મા ગોદમાં લ્યે ત્યારે જ શાંતિ થાય.
પ્રેમાનંદ સ્વામી કહે છે, ‘મહારાજ! શું માગું? મારે ભાંગી-તૂટી જાય તેવાં વિષય-વૈભવનાં રમકડાં નથી જોઈતાં. મારા માટે માતા-પિતા-બંધુ જે ગણો તે સર્વસ્વ આપ છો અને આપે તો અમારાથી જુદા પડવાનો સંકલ્પ કરી લીધો છે. આ વિદાયની વાતે અમારે કાળજે કરવત મેલાય છે. રોકવાની બળજબરી કરીએ તો અમારો પ્રેમ લજવાય છે! આવી અમારા પ્રેમની કસોટીની પળે પ્રભો અમારી એક જ માગણી છે –
‘બીસર ન જાજો મેરે મિત’
અહીં સ્વામી શ્રીહરિને ‘મિત’ કહીને સંબોધે છે, ‘હે પ્રભો! તમે તો અમારા જનમોજનમના સખા છો. તમે હરપાલ જીવને જાળવો છો. આ તમારા સ્વભાવને યાદ રાખી તમે અમને ભૂલશો નહીં. અમે તમારું સ્મરણ કરીએ એથી શું વળે? પ્રભો! તમે અમને સંભારજો.
આપણે શ્રીહરિનું સ્મરણ કરીએ એ પૂતતું નથી પણ આપણું સ્મરણ એવી પરાકાષ્ઠાએ પહોંચે કે શ્રીહરિને આપણું સ્મરણ કરવાનું દિલ થાય.
જ્યારે ભગવાન રામચંદ્ર શબરીના આશ્રમમાં પધાર્યા ત્યારે શબરી બોલ્યાં, ‘પ્રભો! હું તો અભણ ભીલડી મને તમારી ભક્તિ-સ્તુતિ આવડતી નથી.’
ત્યારે પ્રભુએ હસીને કહ્યું ‘મા! મારી નવ પ્રકારની ભક્તિમાંથી એક પણ પ્રગટે તો હું તેને આધીન બની જાઉં. જ્યારે તમે તો મારી નવધાભક્તિનું મૂર્તિમંત રૂપ છો એટલે હવે સ્તવન આપને ન કરવાનું હોય. સ્તવન તો હવે મારે કરવાનું હોય!’
આપણું સ્મરણ ત્યારે જ સનાથ બને જ્યારે સામેથી આપણો સ્વામી એનો સ્વીકાર કરે.
સંસારીઓમાં સગાઈ પ્રસંગે કન્યા તરફથી વરને શ્રીફળ અને સવા રૂપિયો મોકલવામાં આવે. સામે વર તેનો સ્વીકાર કરી ચૂંદડી મોકલે ત્યારે સગાઈ પાકી થઈ ગણાય.
હરિવર સાથેના સગપણમાં પણ આવું જ છે, આપણે તો શ્રીફળ મોકલીએ પણ સામે શ્રીહરિ સ્વીકાર કરે તો જ સગપણ પાકું થાય છે. અહીં શ્રીફળ મોકલવાનો અર્થ છે – ‘મસ્તક શ્રીહરિના ચરણે ધરવું.’
સ્વામીએ અદ્ભુત વરદાન માગ્યું: ‘તમે અમને વિસરતા નહીં.’
અહીં એક બીજો મર્મ છે, સ્વામી એવું કહેવા માગે છે કે ‘મહારાજ, અમે તો સંસારમાં વરતા સામાન્ય જીવો છીએ. અનેક ઉપાધીઓમાં, કદાચ અમે તમને વિસરી જઈએ તો પણ હે મારા જનમજનમના મિત્ર! તમે અમને વિસરતા નહીં.’
જોકે પ્રેમાનંદ સ્વામી સાધારણ જીવ જેવા નથી. એમને રાત દિવસ અખંડ મૂર્તિનું અનુસંધાન છે. એ શ્રીહરિને ભૂલી જાય એવી કોઈ સંભાવના જ નથી. પણ આમ કહેવું એ એમની દીનતા છે, જે શરણાગતનો પરમ ધર્મ છે.
પ્રેમાનંદ સ્વામી પ્રેમનો ધજાગરો કરતા નથી. એમણે પોતાના પ્રેમની મૂડીને દીનતાના વાઘામાં ગુપ્ત રીતે સાચવી છે. એટલે કહે છે –
‘અમે કદાચ ભૂલી જઈએ પણ તમે ભૂલશો મા.’
‘મૈં મતિમંદ કછુ નહીં જાનું, નહીં કછુ તુમસે હિત.
આ પંક્તિ પ્રેમાનંદ સ્વામીના પારદર્શક હૈયાનો નિખાલસ એકરાર છે.
જીવ પ્રાણીમાત્ર પોતાની જાતને પરમ બુદ્ધિમાન સમજે છે અને આખો દિવસ જેના તેના ન્યાય તોળતા ફરે છે, જ્યારે સ્વામી કહે છે –
મૈં મતિમંદ કછું નહી જાનું.
પ્રેમનો મારગ મતિમંતોનો માર્ગ નથી, મતિમંદોનો માર્ગ છે.
અહીં તો જે મતિમંદ બને તે જીતે, મતિમંત બને તે હારે.
મતિ અને રતિને બનતું નથી. રતિના સાગરમાં મતિ તો મીઠાની કાંકરીની જેમ ઓગળી જાય છે.
વિચારી વિચારીને કરે એથી વેપાર થાય પણ પ્રેમ ન થાય. મતિને કોરે મૂકી, યા હોમ કરીને ઝુકાવી શકે એ જ પ્રેમ કરી શકે.
આઇન્સ્ટાઇન કહે છે કે પ્રકાશની ઝડપે સમયની ગતિ મંદ પડી જાય છે. એ જ રીતે પ્રેમની પૂર ઝડપે મતિની ગતિ મંદ પડી જાય છે.
ભલભલા જ્ઞાનીઓ-યોગીઓને જેની ઝલક મળે નહી એવા પરમાત્મા પ્રેમાનંદ સ્વામીને વશ વર્તે છે છતાં સ્વામી કહે છે-
‘મૈં મતિમંદ કછું નહીં જાનું.’
પ્રેમ અતિ નજાકત ભરેલો છે. કાચના વાસણને જાળવવું સહેલું છે પણ ફૂલની નજાકતને જાળવવી અઘરી છે. આપણા શ્વાસની ગરમ હવા પણ ફૂલોને કરમાવી શકે છે. આપણા કર્કશ હાથોનો સ્પર્શ ફૂલોને મ્લાન બનાવી શકે છે. એ જ રીતે કદાચ પ્રેમની વાતો કરવી એ જ પ્રેમની ક્રુર મજાક બની જાય છે. એટલે તો પ્રેમને અનિર્વચનીય કહ્યો છે.
લોકસાહિત્યમાં કહે છે, ‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો.’
પ્રેમની વાત અદ્ભુતછે. અહીં લવિંગની લાકડીના માર વસમા લાગે છે. ફૂલોની પાંખડીઓ કાંટાની જેમ ખુંચે છે.
પ્રેમ આવો નજાકતભર્યો છે. સ્વામી કહે છે, ‘હે પ્રભો! આવા પ્રેમની અનેરી રીતમાં અમે મતિમંદ લોકો શું સમજીએ?’
સ્નેહગીતમાં ગોપીઓ કહે છે –
‘બાઈ! અસન અતિ જડમતિ, તેતો શું સમઝીએ સ્નેહને,
જાડા બોલી પાલવ ખોલી, તેણે કરી ન ગમી તેહને.’
‘હે કૃષ્ણ! તમે અમારો ત્યાગ કર્યો તેમાં વાંક તમારો નથી, વાંક અમારો છે. અમને પ્રેમ કરતા નથી આવડ્યું. અમે આહીરો કપડે જાડા, બોલીએ જાડા, વર્તને જાડા. અમને જાડા અને જડ માણસોને ઝીણા પ્રેમની રીતમાં શી ગતાગમ પડે? શહેરની ચતુર નારીઓ જેવી મીઠી અમારી બોલી નથી. શહેરની નાજુક રમણીઓ જેવાં અમારાં અંગ નથી. શહેરની રમણીય સ્ત્રીઓ જેવા અમારા શૃંગાર નથી. શહેરની ઊજળી નારીઓ જેવી અમે સુંદર નથી. અમારામાં પ્રેમ કરવા જેવું કશું નથી. છતાં હે કૃષ્ણ! તમે અમને પ્રેમ કર્યો, એ તો તમારી મોટાઈ છે.’
જ્યાં આ ગોપીઓ જેટલી નિખાલસતા પ્રગટે ત્યાં જ પ્રેમ પાંગરી શકે છે.
ચલચિત્રના પડદાઓ ઉપર આડંબરના અંચળાઓ ઓઢીને પ્રેમનાં નાટક થઈ શકે પણ સાચો પ્રેમ ન થઈ શકે.
‘મહારાજ, અમે મતિમંદ છીએ. કેમ પ્રેમ કરવો? શું બોલવું? શું ન બોલવું? શું માગવું? શું ન માગવું? એનું અમને કાંઈ ભાન નથી. વળી માગવાનો અમારો કોઈ અધિકાર પણ નથી, કારણ કે,
‘નહીં કછું તુમસે હિત’.
હિતનો અર્થ છે – હિતસાધકતા, ઉપયોગિતા.
સ્વામી કહે છે, ‘પ્રભો! અમે તુચ્છ જીવો છીએ. તમને ઉપયોગમાં આવીએ એવી કોઈ લાયકાત અમારામાં નથી. દુનિયામાં પણ કર્યા વગર કંઈ મળતું નથી. કોઈનું થોડુંઘણું પણ કંઈક કામ કર્યું હોય તો એને માગવાનો અધિકાર છે. હે પ્રભો! અમે તમને કોઈ ઉપયોગમાં આવ્યા નથી. તમે પૂર્ણકામ છો તેથી તમારે કોઈની જરૂર પણ નથી. તો અમે ક્યા અધિકારથી તમારી પાસે માગીએ?’
કીર્તનની આ કડીમાં પાઠભેદથી ‘હિત’ને બદલે ‘પ્રીત’ શબ્દ વપરાયો છે
‘નહીં કછું તુમસે પ્રીત’
જેના અંતરમાં પ્રેમનો મહાસાગર રેલાય છે એવા સંત કહે છે –
‘નહીં કછું તુમસે પ્રીત’
‘હે પ્રભુ! હું મતિમંદ શું પ્રેમ કરી શકું? હું તો પ્રેમનો એકડો પણ નથી જાણતો.’
પ્રેમની પરાકાષ્ઠાએ ‘પ્રેમ નથી’ એમ કહેવું તે પાછળ મર્મ છે.
‘સંતોષ’ મોટામાં મોટા સદ્ગુણ છે પણ ભગવદ્પાદ રામાનુજાચાર્યજીએ ભક્તિમાર્ગમાં સંતોષને દુર્ગુણ કહ્યો છે.
ધનસંપત્તિમાં સંતોષ રાખવો શોભે પણ ભક્તિમાર્ગમાં સંતોષ ન પાલવે. એમાં તો અસંતોષની આગ સદા પ્રજ્વલતી રહેવી જોઈએ તેથી સ્વામી કહે છે, ‘ના કછુ તુમસે પ્રીત’.
આગળ સ્વામી કહે છે,
‘બાંય ગ્રહેકી લાજ હે તુમકું , તુમ સંગ મેરી જીત.’
આ કડીમાં પ્રેમાનંદ સ્વામીના અંતરનો આત્મવિશ્વાસ ભારોભાર ભર્યો છે. સ્વામી કહે છે, ‘ભલે હું મતિમંદ છું. હું પ્રેમની રીતમાં સમજતો નથી. પૂર્ણકામ અને આત્મારામ એવા આપને મારી કોઈ જરૂર પણ ન હોઈ શકે. પણ, હે પ્રભો! મને તમારા એક વ્રતની બરાબર ખબર છે.
‘તમે જેનો હાથ પકડો છો તેને ક્યારેય તરછોડતા નથી.’
‘તમે મારો હાથ હેતથી પકડ્યો છે. મને ભરોંસો છે કે તમે મારો હાથ હવે છોડવાના નથી. એટલે આખરે જીત તો મારી જ રહેવાની છે.’
‘તુમ સંગ મેરી જીત’
એક બાળકને પોતાની મા ઉપર પૂર્ણ ભરોંસો હોય છે. બાળક મા પાસે રડે, માંગે, હઠ કરે. મા આ નાદાન બાળકને લાડ કરે, વઢે, ધખે, ના પાડે. પણ બાળકને અંતરમાં અચળ ભરોંસો હોય છે કે આખરે મા મારી પાસે ઝૂકવાની જ છે. બાળકને જ્યાં પોતાની જીતની સંભાવના ન લાગે ત્યાં બહુ ખેલ નહીં કરે, બહુ લાડ નહી કરે. જેમકે બાપા પાસે. કારણ કે બાળકને ખબર છે કે આ પથ્થર પીગળે એમ નથી!
માની વાત નોખી છે. મા માખણના પિંડા જેવી છે, એ પીગળ્યા સિવાય રહેતી નથી.
પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં આવા બાળક જેવો જ અચળ ભરોંસો નીતરે છે.
‘તુમ સંગ મેરી જીત.’ આ શબ્દોમાં શરણાગતિના રહસ્યની કેટલી મોટી ઘોષણા છે! કેટલા આત્મવિશ્વાસ અને અધિકારપૂર્વક સ્વામી ઘોષણા કરે છે,
‘તુમ સંગ મેરી જીત.’
ભાગવતજીની પ્રસિદ્ધ કથા છે :
પૂતના પ્રભુને મારવા આવી. હળાહળ વિષ ભરેલાં સ્તનો કનૈયાના મુખમાં મૂક્યાં, ભગવાને પણ મસ્તીથી પ્રથમ વિષપાન કર્યું, પછી માસીબાના દૂધનું પાન કર્યું અને પછી પ્રાણોનું પાન કરવા લાગ્યા. હવે પૂતના માટે પરિસ્થિતિ વણસી. વીજળીનો કરંટ લાગે તેવી દશા થઈ. નાડી-પ્રાણ ખેંચાવા લાગ્યાં. આંખો ચકળવકળ થવા માંડી, રાડો પાડવા લાગી. मुज्च मुज्च - ‘છોકરા! છોડી દે, છોડી દે.’
કનૈયાએ કહ્યું, ‘માસીબા, મને મારી માએ પકડતાં જ શીખવ્યું છે, છોડતાં શીખવ્યું જ નથી. હવે છોડે તે બીજા!’ મારવા આવેલી પૂતનાને પ્રભુએ તારી દીધી. કારણ,
‘બાંય ગ્રહેકી લાજ’
આવો જ પ્રસંગ રામાયણનો છે :
સીતાની શોધ કરતા પ્રભુ જ્યારે ઋષ્યમૂક પર્વત પાસે પધાર્યા, સુગ્રીવને ભય લાગ્યો કે આ કોણ હશે? એણે હનુમાનજીને સામે મોકલ્યા. હનુમાનજી પ્રભુને ઓળખી ગયા અને સુગ્રીવ સાથે મિત્રતા બાંધતા વિનંતી કરી.
પ્રભુએ કહ્યું, ‘ભલે, સુગ્રીવને બોલાવો. અમે એની સાથે મિત્રતા બાંધીશું.’
ચતુર હનુમાનજીએ કહ્યું, ‘મહારાજ! એમ નહીં, આપ પર્વત ઉપર પધારો અને મિત્રતા માટે પ્રથમ આપ હાથ લંબાવો અને સુગ્રીવનો હાથ પકડો.’
મંદ મંદ હસીને પ્રભુએ પૂછ્યું, ‘પણ મારુતિ! મિત્રતા જ બાંધવી છે તો એ પ્રથમ હાથ લંબાવે કે હું લંબાવું શો ફરક પડે?’
હનુમાનજી કહે, ‘મહારાજ! માફ કરજો, આપ તો સર્વજ્ઞ છો. આપ સાથે વાદ ન થાય પણ ફરક બહુ મોટો પડે. સુગ્રીવ પ્રથમ હાથ લંબાવે તો મિત્રતાનો આરંભ એણે કર્યો કહેવાય. પણ સુગ્રીવ તો જીવ છે. જીવની વાતનો ભરોંસો ન થઈ શકે. એ તો આજ હાથ લંબાવે અને કાલ હાથ પાછો પણ ખેંચે. પરંતુ મારા નાથ! તમે તો ભગવાન છો. જો તમે પ્રથમ હાથ લંબાવશો તો પછી કોઈ પણ પરિસ્થિતિમાં તમે હાથ પાછો નહીં ખેંચો એવો મને ભારોભાર ભરોંસો છે.’
બાંય ગ્રહેકી લાજ હે તુમકું, તુમ સંગ મેરી જીત.
આગળ સ્વામી કહે છે,
તુમ રીઝો એસો ગુન નાહીં, અવગુન કી હું ભીંત.
સામાન્ય રીતે જીવ અવગુણની ખાણ હોવા છતાં એને પોતાના અવગુણ સુઝતા નથી. જીવ પોતાના અલ્પ ગુણોના અભિમાનમાં દેડકાની જેમ ફુલાતા ફરે છે.
જ્યારે સંતોની વાત ન્યારી છે. તેઓ સદ્ગુણના સાગર હોવા છતાં પરમાત્માની અનંત મોટાઈ સામે તેઓ પોતાને હંમેશાં અલ્પ અને નગણ્ય ગણે છે. પરિણામે એમના અંતરમાં અહંકાર અંકુર ફૂટી શકતા નથી.
પોતાની ખામીઓને યેનકેન પ્રકારેણ ઢાંકવી એ જીવનો સ્વભાવ છે.
પોતાની ખામીઓનો નિખાલસ એકરાર કરવો તે સંતોનો સ્વભાવ છે.
પ્રેમાનંદ સ્વામી અહંકારશૂન્ય ભૂમિકાએથી નિખાલસ એકરાર કરે છે.
તુમ રીઝો એસો ગુન નાહીં, અવગુનકી હું ભીંત
હે પ્રભો! તમને રીઝવી શકું એવો કોઈ ગુણ મારામાં નથી. જાડી દીવાલ જેવા અવગુણનાં આવરણોથી હું વિંટળાયેલો છું. તમે મારા ઉપર રાજીપો વરસાવો છો એ તો તમારા દરિયાદિલનો મહિમા છે. મારો નહીં.’
મુક્તાનંદ સ્વામી પણ આવી જ વાત કીર્તનમાં કહે છે –
હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે,
તમે ગુણ સાગર ગોપાલ દેવ મુરારી રે.
સૂરદાસ કહે છે – ૦
પ્રભુજી, મોરે અવગુન ચિત્ત ન ધરો.
તુલસીદાસ કહે છે –
મૌ સમ કૌન કુટિલ ખલ કામી.
ભક્તોનાં હૃદય સરળ અને નિષ્કપટ હોય છે.
આડંબરને અને અધ્યાત્મને બનતું નથી. નિખાલસ અને સરળ હૃદય જ પરમાત્માની કૃપા અને પ્રેમને ઝીલવાનું પાત્ર બને છે.
જે પોતાનામાં ગુણ માની ગર્વિષ્ઠ બને છે તેના જેવો કોઈ મૂર્ખ નથી.
પરમાત્માના મહિમાના અસીમ અનંત સાગર પાસે આપણા માની લીધેલા સદ્ગુણો પાણીના એક બુંદ જેવા નગણ્ય છે પરંતુ અલ્પ જીવને અભિમાન છૂટતું નથી. પછી તે સાધુ હોય તોય ભલે અને સંસારી હોય તોય ભલે!
સંસારીઓને સત્તા, સંપત્તિ અને સૌંદર્યનાં અભિમાન હોય છે.
સાધુઓને ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન અને ધર્મપાલનાં અભિમાન હોય છે.
સંસારીઓના અહંકાર ઓળખી શકાય છે પણ સાધુઓના અહંકાર તો સદ્ગુણોની આડમાં પાંગરતી વિષવેલીઓ જેવા છે. જેને ઓળખાવા પણ કઠણ છે અને છોડવા તો એથી પણ વધારે કઠણ છે.
કોઈ ધીરગંભીર મુમુક્ષુ શુદ્ધ હૃદયથી આત્મખોજ કરે તો જ ખ્યાલ આવે કે આપણે આપણા ગુણોનું અભિમાન કરવા જેવું નથી.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ‘આપણને ત્યાગીઓને સંસાર છોડ્યાનું ભારે અભિમાન હોય છે પણ ઊંડો વિચાર કરો તો ખ્યાલ આવે કે આપણો ત્યાગ કેવો છે? પૂર્વાશ્રમમાં હતા ત્યારે રહેવા માટે નાનીસૂની ઝૂંપડીઓ જેવાં ઘર હતાં. ત્યાગાશ્રમ લીધા પછી બંગલાઓને શરમાવે એવા આશ્રમો મળ્યા! જમવા માટે જુવાર-બાજરાના રોટલા હતા. સાધુ થયા પછી લાડુઓની નિત નવી રસોઈઓ મળે છે! આહા! શું આપણો ત્યાગ! આવા ત્યાગનો ગર્વ શું કરવો?’
એક ખૂબ જ રમૂજી હરિભક્ત રજોગુણી સાધુઓને જુએ એટલે કહેતા, ‘આ સ્વામિનારાયણના ત્યાગી છે એણે ઘરબાર તો છોડ્યાં, સાથે સાથે સ્વામિનારાયણને ય છોડી દીધા છે.’
ઘણાને થોડું શાસ્ત્રોનું જ્ઞાન હોય, થોડા શ્લોકો કઠે હોય, કથાવાર્તા-પ્રવચનો કરતો હોય, શ્રોતાઓને ડોલાવે એવો રૂડો રાગ હોય તો તેનો પણ અંતરમાં ગર્વ હોય.
આપણામાં વિલસતા અજ્ઞાનના અગાધ સાગર પાસે આપણું જ્ઞાન તો માત્ર એક ટીપાં જેટલું છે. આવા જ્ઞાનનો ગર્વ તો કોઈ પાગલ માણસ જ કરી શકે.
આપણા કંઠ કરતાંય કોયલનો કંઠ વધારે કામણગારો છે. આપણા કંઠનો ગર્વ શું કરવો?
ઘણાને મનમાં એમ હોય છે કે અમારા જેવો કોઈ સદાચારી નથી. ધર્મપાલક નથી. પણ પરમાત્માએ ઘડેલા ઋતુચક્રની સામે જોઈને વિચાર કરીએ તો ધર્મપાલનો અહંકાર ઓગળી જાય તેવો છે.
પરમાત્માએ સર્જેલા ઋત અને સત્યના બંધનથી સમસ્ત વિશ્વ બંધાયેલું છે.
સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો પરમાત્માએ બાંધેલી મર્યાદામાંથી તસુભાર આઘાંપાછાં થતા નથી. સાગરની ભરતી અને ઓટની સમયસારણી બનાવી શકાય છે. જ્યારે આપણી ધાર્મિકતાનો રંગ તો પળે પળે પલટાયા કરે છે! આપણે અજવાળામાં ધાર્મિક છીએ અને અંધારામાં કોઈ ઓળખી ન શકે એવા દુરાચારી છીએ!
આટલી આટલી અલ્પતા અને પામરતા હોવા છતાં આપણે આપણી જાતને સર્વોપરી માનીએ છીએ.
જ્યારે પ્રેમાનંદ સ્વામી સર્વ રીતે મહાન હોવા છતાં પોતાની જાતને અલ્પ માને છે.
‘તુમ રીઝો ઐસો ગુન નાહી’
આગળ સ્વામી કહે છે –
અવગુણ જાની બિસારોગે જીવન, હોવહું બહુત ફજીત.
‘હે શ્રીહરિ! તમે એક વાર મારો હાથ પકડ્યો છે હવે મારા અવગુણ સામે જોઈને મારો ત્યાગ કરશો તો મારી ફજેતીનો પાર નહીં રહે. પ્રભુ! મારી ફજેતી થાય એમાં મારે તો કાંઈ નાહવા નિચોવવાનું નથી. આમેય દેવાળિયાને કાંઈ લાજશરમ હોતી નથી પણ મારી ફજેતી એ તમારી ફજેતી હશે. તમારા બિરુદની ફજેતી હશે.’
ભગવાનનો એક બીજો સ્વભાવ છે. ભગવાન પોતાની ફજેતી સહન કરી શકે છે પરંતુ પોતાના ભક્તોની નહીં. મહાભારતના યુદ્ધ પ્રસંગે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ રથચક્ર લઈને ભીષ્મને મારવા દોડ્યા ત્યારે ભીષ્મે પૂછ્યું, ‘પ્રભો! હથિયાર ધારણ નહીં કરવાની આપની પ્રતિજ્ઞાને આપે કેમ તોડી?’
કૃષ્ણે કહ્યું, ‘દાદા! તમારી પ્રતિજ્ઞા હતી, મને હથિયાર ધારણ કરાવવાની. મેં વિચાર કર્યો કે મારી પ્રતિજ્ઞા તૂટી તો ભલે તૂટી પણ મારા ભક્તની પ્રતિજ્ઞા ન તૂટવી જોઈએ! મારી પ્રતિજ્ઞા તૂટે એની મને ચિંતા નથી. બહુ બહુ તો લોકો મને જૂઠાબોલો કહેશે. આવા મેણાં તો હું નાનપણથી સાંભળતો આવ્યો છું અને સહન કરતો આવ્યો છું. પરંતુ ભવિષ્યમાં કોઈ એમ કહે કે “ભીષ્મ જેવા શ્રેષ્ઠ ક્ષત્રિય પોતાની પ્રતિજ્ઞા પાળી ન શક્યા.” આ વાત મારાથી સહન નહીં થાય. મારા ભક્તના અપયશને સાંભળવા મારા કાન ટેવાયેલા નથી. મારા ભક્તની ફજેતી મારાથી સહન થઈ ન શકે.’
પ્રેમાનંદ સ્વામી કહે છે, ‘પ્રભો, મારી ફજેતી એ તમારી ફજેતી છે. લોકોની આંખે તમે ઊણા ઊતરશો. લોકો એમ કહેશે કે જેનો હાથ પકડ્યો એને તરછોડી દીધો. જગત તો તરછોડે પણ જગદીશ્વરે પણ છોડી દીધો. પણ મને વિશ્વાસ છે, તમે એવું નહીં કરો.’
મેરે દ્રઢ ભરોંસો જીયમેં, તજી હોં ન મોહન પ્રીત
જન અવગુણ પ્રભુ માનત નાહીં, યેહી પૂરવ કી રીત
પ્રેમાનંદ સ્વામીની આ પંક્તિઓમાં વિરહની વેદનાની સાથોસાથ ભારોભાર ભરોંસો છલકે છે.
સ્વામી કહેવા માગે છે, ‘અમે તો માયાના જીવ. રજોગુણ-તમોગુણના વેગે કરીને અમારા પ્રીતિના પ્રવાહ પાતળા થઈ શકે છે પણ પરમાત્માની પ્રીતિનો પ્રવાહ ક્યારેય પાતળો થતો નથી.’
અરે! આ દુનિયામાં ઘણા અનાડી લોકો પરમાત્માને ગાળો દે છે. એનો દ્રોહ કરે છે છતાં પરમાત્મા એમના માટે પવન, પાણી અને પ્રકાશ બંધ નથી કરતા તો એમના ભક્તની તો વાત જ જુદી છે.
સ્વામી કહેવા માગે છે કે ‘ભગવાન પ્રેમ અને કરુણાના સાગર છે. પૃથ્વી પરના સાગરમાં ભરતી અને ઓટ બન્ને હોય છે. પણ પરમાત્માના પ્રેમસાગરમાં બારેમાસ ભરતી ને ભરતી જ રહે છે ત્યાં ઓટની સંભાવના નથી.’
પરમાત્માનો એક સ્વભાવ છે, એક વખત જેનો હાથ પકડ્યો તેને છોડવો નહીં. પરમાત્માનો બીજો સ્વભાવ છે, શરણાગતના અવગુણ કાને ધરવા નહીં.
દીનાનાથ ભટ્ટ કહે છે –
शरणगत पापपर्वतं गणयित्वान् तदीय सद्गुणम् I
अणुमप्यतुलं हि मन्यते सहजानंदगुरुं भजे सदा II
‘હે ભગવન, તમે શરણાગતોના પહાડ જેવા દુર્ગુણોને ગણકારતા નથી અને રાઈ જેવડા સદ્ગુણને મેરુ પર્વત જેવો અતોલ ગણો છો.’
શરણાગતના અવગુણોને અવગણી ‘અભયદાન’ દેવાનો ભગવાનનો સ્વભાવ છે.
સમુદ્રને કિનારે જ્યારે વિભીષણ ભગવાનને શરણે આવ્યા ત્યારે સુગ્રીવે રધુનાથજીને ચેતવ્યા, ‘મહારાજ! આ તો આપણા શત્રુનો ભાઈ છે. રાક્ષસ કુળનો એનો ભરોંસો ન કરાય.’
ત્યારે ભગવાન રામચંદ્રજીએ પોતાના શરણાગત વત્સલપણાની સનાતન ઘોષણા કરતાં કહ્યું –
सकृदेव प्रपन्नो यः तवास्मीति याचते I
अभयं सर्वभूतेभ्यः ददाम्येतद् व्रतं मम II
‘કોઈ જીવ એક વાર મારે શરણે આવે અને પ્રાર્થના કરે કે “હે પ્રભો! હું આપનો છું. મારો સ્વીકાર કરો” તો એ જીવને સર્વ ભૂત પ્રાણી થકી અભયદાન દેવાનું મારું વ્રત છે.’
દીનબંધુ અતિ મૃદુલા સુભાઉં, ગાઉં મૈં નિશદિન ગીત
પ્રેમસખી સમજું નહીં ઊંડી, એક ભરોંસો ચિત્ત
‘હે પ્રભો, તમે દીનબંધુ છો. તો મારા જેવો કોઈ દીન નથી.’
‘દીનબંધુ’ શબ્દ બોલતાં બોલતાં પ્રેમાનંદ સ્વામીને પોતાનો સંપૂર્ણ ઇતિહાસ નજર સામે તરવર્યો હશે! કેવી રીતે એમનો જન્મ થયો? કેવી રીતે એ સંત ઊછર્યા? કેવી રીતે શ્રીહરિએ એમનો સ્વીકાર કર્યો? કેવી રીતે એમને સાધુ કર્યા? કેવી રીતે એમના ઉપર શ્રીહરિએ અવિરત હેતવર્ષા કરી? વગેરે વગેરે.
આ ‘દીનબંધુ’ શબ્દ પ્રેમાનંદ સ્વામીના હોઠેથી નહીં, હૈયેથી ઊઠ્યો છે. શ્રીહરિના આ અનુપમ વિશેષણનો મહિમા એ સ્વયં અનુભવી ચૂક્યા છે.
‘હે હરિ! તમારો સ્વભાવ અત્યંત કોમળ છે. દીન જનોનાં દુ:ખો તમે સહી શકતા નથી.’
‘હે પ્રભો! મારી પાસે તમને પ્રસન્ન કરવાનાં કોઈ સાધનો નથી. હું નથી કવિ, નથી કલાધર! નથી યોગી, નથી તપસ્વી! નથી જ્ઞાની, નથી વૈરાગી! હું તો માત્ર તમારા દિવ્ય માનુષી ગુણોને યાદ કરી કરીને ગીત ગાયે રાખું છું. હું કોઈ પણ વાતમાં ઝાઝું જાણતો નથી. એક તમારે ભરોંસે મારી જીવનનૌકા ચાલી રહી છે. આ નૌકાને કઈ બાજુ હંકારવી એ હવે તમારા હાથમાં છે. અમારી તો એક જ પ્રાર્થના છે,
‘બીસર ન જાજો મેરે મિત’
પ્રેમાનંદ સ્વામીના આ પદમાં ભક્તિ અને શરણાગતિનો સદ્ભુત સંગમ છે.
આ પદમાંથી એક બાજુ વિરહની વાદળીઓ વરસે છે તો બીજી બાજુ એમાં ભારોભાર દીનતા ભરી છે.
આ પદ વાસ્તવમાં સમજવું હોય તો પ્રેમાનંદ સ્વામી જેવું જ પ્રેમ ભરેલું દિલ જોઈએ. આપણા શબ્દોના વાઘા કદાચ આ પદના ભાવપ્રવાહને ઝાંખો બનાવે.
એક પ્રેમી સંતના હૃદયમાંથી ઊઠેલા આર્તનાદે કીર્તનનું રૂપ ધર્યું છે. આ કીર્તનની કડીએ કડીએ પ્રેમનું અનુપમ રસાયણ ભર્યું છે. આ પદને વાગોળીએ તો આપણો પણ કાયાકલ્પ કરી નાંખે તેવું આ પદ છે.
અનિર્વચનીય પ્રેમધારા
આ કીર્તનમાં વહેતી અલૌકિક પ્રેમધારા શંકરાચાર્યજીના બ્રહ્મ કરતાં પણ અનિર્વચનીય છે.
પ્રેમ અને ભક્તિ વચ્ચે ભેદ કરવો અશક્ય છે. છતાં પ્રેમ અને ભક્તિ વચ્ચે ભારે ભેદ છે.
પ્રેમ બીજ છે, જેને સાહિત્યકારો ‘રતિ’ કહે છે. ભક્તિ એ રતિમાંથી પ્રગટેલું વૃક્ષ છે. વૃક્ષનાં એક એક પર્ણ, ફૂલ અને ફળમાં બીજ બેઠું છે. આપણી આંખો પાંદડાંઓને, પુષ્પોને કે ફળોને જોઈ શકે છે પણ બીજાને નહીં. ભક્તિ મૂર્ત તત્વ છે, પ્રેમ અમૂર્ત તત્વ છે, અગોચર છે જે માત્ર અનુભવી શકાય છે. આપણે વાયુની લહેરખીએ કંપતા વૃક્ષને જોઈ શકીએ છીએ પણ વાયુને નહીં. એજ રીતે આપણે ભક્તિનાં નર્તન નીરખી શકીએ છીએ પણ એ નર્તનની ભીતર જે અમૂર્ત પ્રેમપ્રવાહ વહે છે તેને આપણે નીરખી શકતા નથી. તે પ્રેમત્વ માત્ર અનુભવી શકાય છે.
નારદજીએ કહ્યું, ‘अथातो भक्ति जिज्ञासा I’
‘હવે ભક્તિની જિજ્ઞાસા કરવી.’
નારદજીને પૂછવામાં આવ્યું કે ભક્તિ કોને કહેવાય? તો નારદજીએ કહ્યું, ‘सा च परमप्रेमस्वरूपा I ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ છે.’
નારદજીને ફરી પૂછવામાં આવ્યું, પ્રેમ કોને કહેવાય?
નારદજીએ કહ્યું, ‘यथा व्रजगोपिकानाम् I’
‘પ્રેમ શુ છે? તે સમજવા માટે ગોપીઓનાં જીવન જોઈ લ્યો.’ નારદજીએ પ્રેમની વ્યાખ્યા ન કરી. પરંતુ ગોપીઓનું ઉદાહરણ મૂકી કુશળતાપૂર્વક વાત પૂરી કરી દીધી. ગોપીઓની પ્રત્યેક કથા પાછળ પ્રેરક બળ પ્રેમ છે. ગોપીઓની પ્રત્યેક ક્રિયામાંથી પ્રેમ વરસે છે.
આચાર્યોએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરી –
भजधातुस्तुसेवायाम् क्तिन प्रत्यस्तु स्नेहः I
‘અર્થાત્ પ્રેમપૂર્વક ભગવત્સેવા એ જ ભક્તિ.’
આ તો ભક્તિની વ્યાખ્યા થઈ. પણ પ્રેમ શું? તો મોટે ભાગે આચાર્યો સમજીને મૌન રહે છે.
કારણ કે પ્રેમ અનીર્વચનીય છે જે માત્ર અનુભવથી જ સમજાય છે.
ભગવાન સ્વામિનારાયણના સંતકવિ નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી અનેક રચનાઓમાં બે સુંદર ગ્રંથો છે. એકનું નામ ‘ભક્તિનિધિ’ છે. બીજાનું નામ ‘સ્નેહગીતા’ છે.
મારા મનમાં ઘણા સમય સુધી જિજ્ઞાસા રહી કે આ એકસરખી જણાતી બે રચના પાછળ સ્વામી નો શો આશય હશે?
સમય જતાં સમજાયું કે ભક્તિનિધિ એ કોઈ અલૌકિક સુંદર વૃક્ષ છે. જ્યારે સ્નેહગીતા એ વૃક્ષની નસેનસમાં વહેતો રસ છે.
ભક્તિનિધિમાં ભક્તિનું સ્વરૂપ અને ભક્તિના ભાતભાતના ભેદનું વર્ણન છે. જ્યારે સ્નેહગીતા માત્ર ગોપીઓની આંખનાં આંસુડાંની ધારાઓથી લખાણી છે.
ભક્તિનિધિમાં જેવું ભક્તિતત્વનું વર્ણન છે એવું કોઈ વર્ણન સ્નેહગીતામાં નથી. એમાં છે માત્ર કૃષ્ણની વિદાયનો પ્રસંગ, ગોપીઓનો વિરહ, ઉદ્ધવ અને ગોપીઓનો સુમધુર સંવાદ!
ફૂલોમાંથી મકરંદ ઝરે તેમ આ સ્નેહગીતાની કડીએ-કડીએથી પ્રેમરસ વરસે છે.
પ્રેમસખીનું આ કીર્તન સ્નેહગીતાનો સાર છે.
ઉપસંહાર
પ્રેમ કઈ રીતે પ્રગટે? એની વાત કરતાં મુક્તાનંદ સ્વામી કહે છે,
પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે,
પ્રેમના પાસંગમાં જે આવે, તે જન પ્રેમી થાય રે.
પ્રેમતત્વ દેશવિદેશે નીપજતું નથી.
પ્રેમતત્વ હાટ-બજારે વેચાતું નથી.
આજે દુનીયામાં મોટા ભાગે પ્રેમના નામે વેપાર ચાલે છે. પ્રેમને નામે વેવલાઓનાં ટોળાં ગુજરીબજારોમાં ઊભરાય છે.
આજની દુનીયાનો કહેવાતો પ્રેમ ભૂખાળવો છે. અર્થાત્ જે મળે અને જ્યાં મળે ત્યાં ખાઈ લેવાની સ્વાર્થી વૃત્તિથી ભરેલો છે.
આજના પ્રેમીઓની સામે જુઓ તો એમાં મોટાભાગે વળતર રળવા સિવાયની વાત નથી. ક્યાંક દેહના વેપાર ચાલે છે, ક્યાંક લાગણીઓના વેપાર ચાલે છે. ‘અમે તમારા માટે આટલું કર્યું. તમારે અમારે માટે આટલું કરવું જોઈએ.’ આમ લે-વેચ થયા જ કરે છે.
આવા લોકો ભક્તિના માર્ગે વળે તો એની ભક્તિ, ભક્તિ ન રહેતાં ભક્તિની ભવાઈ બની જાય છે. પહેલાં દુનિયા સાથે સોદાબાજી કરી. હવે ભગવાન સાથે સોદાબાજી શરૂ થાય છે.
દુન્યવી પ્રેમમાં અકરાંતિયાપણું છે. જે મળે તે ઉદરમાં પધરાવવાની વૃત્તિ છે. જ્યારે સાચા પ્રેમમાં તો નૈવેદ્ય બની કોઈને સમર્પિત થઈ જવાની વાત છે.
સાચા પ્રેમીઓના જોગ વિના પ્રેમતત્વ પાંગરતું નથી. જેના રોમરોમમાં પ્રેમનું અમૃત રમે છે, એવા એકાંતિક સત્પુરુષોનો સમાગમ થાય ત્યારે જ પ્રેમતત્વ પાંગરે છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, ‘પ્રેમ આત્માને સજાતીય છે.’
આત્મા જેવો નિર્વિકાર છે, પ્રેમ તેવો જ નિર્વિકાર છે.
આત્મા જેવો અમૂર્ત છે, પ્રેમ તેવો જ અમૂર્ત છે.
આત્મા જેવો અગમ અગોચર છે, પ્રેમ તેવો જ અગમ અગોચર છે.
આત્મા જેવો નિર્દોષ અને નિર્મળ છે, પ્રેમ તેવો જ નિર્દોષ અને નિર્મળ છે.
આત્મા જેટલો શાશ્વત છે, પ્રેમ તેટલો જ શાશ્વત છે.
આત્મા જેટલો આનંદભર્યો છે, પ્રેમ તેટલો જ આનંદસ્વરુપ છે.
બીજમાંથી વૃક્ષ પ્રગટે તેમ પ્રેમના સનાતન બીજમાંથી ભક્તિનો છોડ પાંગરે છે એની શાખાઓમાં, પર્ણો અને ફૂલો બેસે છે. ભક્તિની નસે નસમાં વહેતો પ્રેમરસ ફળોરૂપે પરિણમે છે. ફળો આખરે પ્રિયતમના ચરણમાં સમર્પિત બને છે.
ભક્તિ કલેવર છે, પ્રેમ આત્મા છે.
કલેવરને બાહ્ય સાધનોથી જોઈ શકાય છે, આત્મા માત્ર અનુભવી શકાય છે.
ભક્તિ અને પ્રેમ વચ્ચે કલેવર અને આત્મા જેવું જ કોઈ અદ્ભુતતાદાત્મ્ય છે.
આવી જ કોઈ તાદાત્મ્યની ભૂમિકાએથી આ કીર્તન ઊઠ્યું છે –
‘બીસર ન જાજો મેરે મિત’
આ કીર્તનની એક એક કડી પાછળ પ્રેમનો મહાસાગર ઘુઘવાટા મારે છે. કીર્તનની કડીઓ એના તરંગો માત્ર છે.
દુનીયામાં કોઈ એવું પ્રાણી નથી કે જેને પરમાત્માએ પ્રેમનું અણમોલ વરદાન ન દીધું હોય.
પશુપંખીઓ પોતાનાં બચ્ચાંઓને પ્રેમ કરે છે.
મનુષ્ય પોતાનાં બાળકોને પ્રેમ કરે છે.
પત્ની પતિને પ્રેમ કરે છે. પતિ પત્નીએ પ્રેમ કરે છે.
કોઈને સંપત્તિમાં પ્રેમ છે, તો કોઈને સત્તામાં.
નદીના પ્રવાહમાં કાંપ ભળે અને પાણી ડહોળું થાય તેમ દુન્યવી આસક્તિથી પ્રેમનો પ્રવાહ ડહોળાયેલાં પાણી જેવો બને છે.
સાહિત્યમાં પ્રેમ માટે ‘રતિ’ શબ્દનો પ્રયોગ થયો છે. ભક્તિશાસ્ત્રોમાં પણ ‘રતિ’ શબ્દનો પ્રયોગ થયો છે.
ભાગવતજીમાં કહે છે – શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ।
સત્પુરુષોનાં વચનોમાં શ્રદ્ધા જાગે એના અંતરમાં શ્રીહરિ પ્રત્યે રતિ પ્રગટે છે એ જ રતિ ભક્તિનું રૂપ ધરે છે.
સંસારિક પદાર્થોમાં રતિ હોય તો એ વિકારી પ્રેમ છે.
પરમાત્મામાં હોય તો એ નિર્વિકારી પ્રેમ છે.
આચાર્યો કહે છે –
દેવવિષયિણી રતિર્ભક્તિઃ।
રતિનો જે પ્રવાહ દેહ પ્રત્યે વહે છે તે દેવ પ્રત્યે વહેતો થઈ જાય તો ‘રતિ’ ભક્તિ બની જાય.
જડ પ્રત્યે વહેતો રતિનો પ્રવાહ પરમ ચેતન તરફ વહે તો ભક્તિ થઈ જાય.
સ્થૂળ પ્રત્યે વહેતો રતિનો પ્રવાહ સૂક્ષ્મ તરફ વહે તો ભક્તિ થઈ જાય.
સંસારીઓની રતિનો પ્રવાહ અધોગામી છે. ભક્તોની રતિનો પ્રવાહ ઊર્ધ્વગામી છે.
ધન, માન કે બંગલાઓનો પ્રેમ જ અધોગામી છે એવું નથી. મઠો, મંદિરો અને આશ્રમોની ભવ્યતામાં પ્રેમ પણ એટલો જ અધોગામી છે.
અધોગામી પ્રેમના પ્રવાહનું ઊર્ધ્વકરણ કરવું એ જ આપણી સાચી સાધના છે.
શાસ્ત્રોમાં વૃંદા અને જાલંધરનું આખ્યાન છે. મૂળ તો વૃંદા પરમાત્માને જ વરવા ઝંખતા હતા. પરંતુ સતી પાર્વતીના શાપથી એ જાલંધરનાં પત્ની થયાં. તનથી, મનથી સર્વસ્વ રીતે એણે જાલંધરને પ્રેમ કર્યો.
વૃંદા એ આપણી ભટકી ગયેલી ચેતના છે. મૂળ તો એ પરમ તત્વને વરવા ઝંખે છે. પણ સંજોગવશાત્ અભિશાપિત વૃંદા જેવી એ ચેતના જાલંધર રૂપી અહંકારને પરણે છે.
જાળ બિછાવે એને જાલંધર કહેવાય. અહંકાર જાલંધર છે કારણ કે જેમ કરોળિયો જાળ ફેલાવી જંતુઓને ફસાવે છે, તેમ અહંકાર વિષયવાસનાઓની જાળ બિછાવી કરોળિયાની પેઠે જીવોને પકડે છે અને મારે છે.
અહીં આશ્ચર્ય તો એ છે કે વૃંદાને ફસાવનારો જાલંધર આખરે તો સતી વૃંદાના સતથી જીવતો હતો. તેમ આપણો અહંકાર આપણી જ ચેતના, અમૃતને પીને જીવે છે.
વિષ્ણુએ વૃંદાનું સતિત્વ ભંગ કરી જાલંધરનો નાશ કર્યો, એ તો વિષ્ણુની પરમ કૃપા સમજવી. વૃંદાનું વ્રત ભંગ થયું એનો અર્થ એ છે કે વૃંદાના પ્રેમપ્રવાહે ફરીથી મૂળ માર્ગે ગતિ કરી.
જાલંધરનો નાશ થયો એનો અર્થ એ છે કે વૃંદાની ચેતના અહંકારે રચેલા જાળામાંથી મુકત બની.
આ સંપૂર્ણ કથા રતિના ઊર્ધ્વીકરણની કથા છે.
દરેક ચેતન હરિવરને વરવા માટે જ અસ્તિત્વ ધરાવે છે. પણ વચ્ચે જાતજાતના જાલંધરો આડા આવે છે.
પ્રેમાનંદ સ્વામી એક એવા ભાગ્યવંત સંત છે.
એમનો પ્રેમનો પ્રવાહ સંપૂર્ણપણે ઊર્ધ્વીકરણને પામેલો છે.
આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલે એમ આ સંતના હૃદયાકાશમાં પ્રેમનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે.
ચંદ્રમાંથી વરસતી ચાંદનીની પેઠે સ્વામીના અંતરમાંથી કીર્તનની અમીધારાઓ વરસે છે.