વિવેચન:
આસ્વાદ
દેવાનંદ સ્વામીનાં પદમાં વૈરાગ્ય અને પ્રેમભક્તિનાં અમૃત એક સાથે ઘૂંટાયા છે. ભોજા ભગતના ચાબખા વખણાય તેમ દેવાનંદ સ્વામીના ચાબખા વખણાય છે. આવા ચાબખાથી ભરેલું સ્વામીનું એક પદ છે-
ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો.’
સ્વામીના આ કીર્તનનો આ સ્વાદ માણીએ.
કેટલાક માણસો ભરઊંધમાં પણ સચેત હોય, સહેજ અવાજ થાય કે તુરત જાગી જાય. કેટલાકને જગાડવા માટે જરા મોટે સાદે અવાજ કરવો પડે. પણ કેટલાક કુંભકરણ જેવા હોય. એમને જગાડવા માટે ઢોલ વગાડવા પડે, માથે પાણી રેડવું પડે.
દુનિયામાં કેટલાક ઇશારાથી જાગી ગયા અને મહાપુરુષ થયા, જેને આપણે સંત તુલસીદાસ કે સૂરદાસ કહી શકીએ. પણ મોટે ભાગે જીવ કુંભકર્ણી નીંદથી ઘેરાય છે. એને જગાડવા માટે ભારતના સંતોએ વાણીના ચાબખા માર્યા છે. પશુઓમાં કેટલાક બળદ તેજીલા તોખાર જેવા હોય જે ઇશારા માત્રથી દોડવા માંડે. કેટલાકને પરોણા મારો ત્યારે માંડ ચાલે.
ઇશારે દોડે તે જાતવાન કહેવાય. ચાબુકના મારથી ચાલે તેને કજાત કહેવાય.
આવા કજાત જીવોને જગાડવા માટે ભોજા ભગત અથવા દેવાનંદ સ્વામીના ચાબખાની જરૂર પડે છે. મૂઢ જીવ પર ચાબુક ચલાવવા માટે સ્વામી કહે છે,
‘ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો.’
દેવાનંદ સ્વામીએ પહેલો ચાબખો જીવને ‘મૂરખ’ કહીને માર્યો છે. નીતિશાસ્ત્રો કહે છે કે મૂરખાઓ પણ જાતજાતના હોય છે.
બે માણસો ઊભા હોય એની વચ્ચેથી ચાલે એ મૂરખ કહેવાય.
બે માણસો વાતો કરતા હોય અને ત્રીજો પૂછ્યા વગર વચ્ચે બોલે તો એને મૂરખ કહેવાય.
જમતાં જમતાં ગાતો જાય એ મૂરખ કહેવાય.
જે ડાળે બેઠો હોય એને જ કાપે એ મૂરખ કહેવાય.
‘જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ’ – આવો જેનો તાલ હોય એ મૂરખ કહેવાય.
કહીએ કાંઈ અને સમજે કાંઈ એ મૂરખ કહેવાય.
કરવાનું ન કરે અને ન કરવાનું કરે એને મૂરખ કહેવાય.
આવેલ અવસરને ઓળખે નહીં તે મૂરખ કહેવાય.
મૂરખાઓ અનેક પ્રકારના હશે પણ સાધુસંતોને દ્રષ્ટિએ તો દેવોને દુર્લભ માનવદેહ મળ્યા પછી હરિભજન કરતો નથી તે ‘મૂરખશિરોમણી’ છે. એટલે સ્વામી કહે છે,
ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો.
લખચોરાશી યોનિઓમાં ભાતભાતનાં શરીરો છે. પણ માનવશરીરને તોલે આવે એવું એકેય નથી.
હાથી શુકનવંતું પ્રાણી કહેવાય પણ હાથીના દેહે હરિભજન ન થાય.
ગાયના રોમેરોમમાં દેવોનો વાસ ગણાય પણ ગાય રામ કૃષ્ણ ગોવિંદ બોલી ન શકે.
સિંહ વનરાજ ગણાય પણ સિંહના શરીરથી મોક્ષનું સાધન ન થાય.
મોર સુંદર ગણાય પણ મોરના દેહે હરિકીર્તન ન થાય.
ખાવું, પીવું, સૂવું અને સૃષ્ટિની વૃદ્ધિ કરવી આ બધું તો સઘળા દેહોમાં સમાન છે. માનવદેહની મોટામાં મોટી વિશેષતા હોય તો તે ‘હરિભજન’ છે.
માનવદેહનું હેતુ માત્ર ખાવું, પીવું અને સૃષ્ટિની અભિવૃદ્ધિ કરવી એ નથી. માનવદેહનો હેતુ તો મુક્તિનો દરવાજો ખોલવાનો છે.
શાસ્ત્રો કહે છે કે મુક્તિનો માર્ગ માત્ર માનવદેહથી જ ખૂલે છે. દેવોના દેહથી પણ નહીં. એટલે તો દેવો માનવ બનવા આતુર હોય છે.
માનવદેહનો હેતુ જેટલો મહાન છે એટલો જ એ દુર્લભ પણ છે.
માનવદેહની દુર્લભતા વર્ણવતાં શાસ્ત્રો સમજાવે છે કે આપણા આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એવા ત્રણસો સાઠ દિવસનું એક વર્ષ થાય. એવા સો વર્ષ સુધી બ્રહ્માજી જીવે છે. ક્રમશ: એવા સાડાત્રણ કરોડ બ્રહ્માઓ આયુષ્ય પૂરું કરે ત્યારે ફરીને માનવદેહ મળે.
આવા દેવદુર્લભ અને મોંઘા માનવદેહને મેળવ્યા પછી એને પાણીની મૂલે વેડફી નાખે, કરવાનું ન કરે અને ન કરવાનું કરે તેને મૂરખ ન કહેવાય તો બીજું શું કહેવાય?
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ‘જીવ કેવો મૂરખ છે! પ્રભુ પોઢાડવાની પામરીનાં બાળોતિયાં કરે છે!’
‘હાથમાં કલમ આવ્યા પછી કીમતી દસ્તાવેજો ઉપર આડા ઊભા લીટા દોરે છે!’
‘કેસર કસ્તુરી જેવા કીમતી તેજાનાઓને તેલમાં તળે છે!’
‘નવલખા મોતીડાંને ઘંટલે દળે છે!’
એ જ રીતે જીવ મોંઘા માનવદેહને વિષય પાછળ વેડફી નાખે છે.
વિષયોનાં સુખ તો કાગડાં-કૂતરાંને પણ સુલભ છે. આવા વિષયોનાં સુખ પાછળ પાગલ બનીને દોડે તેને દેવાનંદ સ્વામી ‘મૂરખ’ કહે છે.
સ્વામી બીજો ચાબખો મારતા કહે છે, ‘જીવતો મર્યો.’
મરેલાં સારાં પણ જીવતાં મરેલાં બહું ખરાબ. મરેલાં કોઈને નડતાં નથી. પરંતુ જીવતાં મરેલાં કોઈને સુખ લેવા દેતા નથી.
એક વાર એક ગામમાં જવાનું થયું. ગામ પણ નાનકડા નગર જેવડું. ત્રીસ-ચાલીસ હજારની વસ્તી. ગામમાં અઢારે આલમ સંપીને રહે. બ્રાહ્મણથી લઈને ભંગી સુધીથી લઈને હિન્દુ-મુસલમાન સુધી બધાં સંપીને સારાં કામ કરે.
નગરની બહાર નગરજનોએ સૂઝબૂઝપૂર્વક કરેલ જળસંચયનાં કાર્યોનું અમે નિરીક્ષણ કરતા હતા. નગર સમીપે વહેતી નદીને કાંઠે અડી-અડીને જ ત્રણ અંતિમ વિશ્રામગૃહો હતાં. એક હિન્દુઓનું સ્મશાન, બીજું મુસ્લિમોનું કબ્રસ્તાન, ત્રીજું બાજુમાં જ સાધુ-મહાત્માઓનું સ્મશાન. સાધુ-મહાત્માઓને અહીં પણ અલગ વી.આઈ.પી. સગવડતાઓ ખરી! ત્રણેય અંતિમ વિરામસ્થાનો સાથે જોઈને અમે અમારી સાથેના હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના આગેવાનોને કહ્યું, ‘અહીં મરેલાં કેવા શાંતિથી સાથે સૂતાં છે? જીવતાં પણ આમ જ સાથે રહેતાં હોય તો!’
જે માણસ હરિસ્મરણ ન કરે તે જીવતો થકો મરેલો ગણાય.
માણસ મરે એટલે લોકો નનામીમાં બાંધીને મસાણે લઈ જાય. રસ્તામાં બધા માણસ ‘રામ બોલો ભાઈ રામ’ બોલે પણ એક પેલો નનામીમાં સૂતેલો ન બોલે. જીવતે જીવ હરિભજન ન કરે તે મરેલાં કરતાંય બદતર ગણાય.
સંતો કહે છે, ‘મોટામાં મોટી ખોટ કઈ? તો જે ક્ષણે હરિનામ ન લેવાય તે ક્ષણે મોટામાં મોટી ખોટ માનવી.’
જે માણસ શ્વાસે શ્વાસે હરિસ્મરણ નથી કરતો તે તો લુહારની ધમણ જેવો છે. માણસ પણ શ્વાસ લે છે. ધમણ પણ શ્વાસ લે છે. શો ફરક પડ્યો?
એક સંતે તો એવું કહ્યું, ‘હરિસ્મરણ નહીં કરનાર માણસ કરતાં ધમણ સારી, કારણ કે ધમણને શ્વાસે કંઈક તો સારાં કામ થાય છે. ધમણથી કંઈક જાતનાં ઓજારો ઘડાય છે, ધમણથી કંઈક ગરીબોની રોજીરોટી ચાલે છે. જ્યારે જીવતો માણસ કેટલાંય પ્રકારના કાળાં ધોળાં કરી કંઈકનાં હાંડડાં ફોડે છે.’
સ્વામી કહે છે, ‘પેટને અર્થ પાપ કરતાં દિલમાં નવ ડર્યો.’
પેટને અર્થે અર્થાત્ સ્વાર્થ માટે પાપ કરતાં જીવ ખચકાતો નથી. પરમાર્થ માટે મળેલા દેહને જીવ સ્વાર્થ માટે ખરચી નાખે છે. પેટનો પાશેર ખાડો પૂરવા કેટલુંક જોઈએ? છતાં માણસ પેટ માટે કેટલાં પાપ કરે છે? એનો કોઈ હિસાબ નથી.
પાપના પણ ઘણા પ્રકરો છે. જૂઠું બોલવું, ચોરી કરવી, હિંસા કરવી, સંગ્રહખોરી કરવી વગેરે તો પાપ છે જ; ઉપરાંત ઝીણાં ઝીણાં ગણ્યાં ગણાય નહિ તેવાં ઘણા પ્રકારનાં પાપ છે.
ઓછું જોખવું પાપ છે. માલમાં ભેળસેળ કરવી પાપ છે.
પોષ્યવર્ગના પોષણને બદલે શોષણ કરવું પાપ છે.
કામના સમયે કામ નહીં કરી સમયની ચોરી કરવી પાપ છે. કર ન ભરવો એ પાપ છે. કર ઉઘરાવ્યા પછી પ્રજાકલ્યાણનાં કાર્યો કરવાને બદલે પરિવાર-કલ્યાણનાં કાર્યો કરવાં એ મહાપાપ છે.
પરિશ્રમ વગર પેટ ભરવું પાપ છે. હરામનું ખાવું પાપ છે.
છેલ્લી આ બે વાત સાધુ હોય કે સંસારી સહુને લાગુ પડે છે.
પેટને અર્થે પાપ કરવામાં સંસારીઓ હોય કે સાધુઓ, કોઈ પાછા પડે એવા નથી. ગૃહસ્થો ઘર માટે જે પાપ કરે છે, ધર્મના ક્ષેત્રમાં ઘણી જ્ગ્યાએ એવાં જ પાપ મઠો, મંદિરો કે આશ્રમોનાં રૂપાળાં નામ માટે થતાં હોય છે.
અનીતિ અથવા હરામનું ધન જેમ સંસારીઓને ન પચે તેમ સાધુઓને પણ ન પચે. કદાચ સંસારીઓને પાપ કરતાં ખચકાટ થશે પણ કહેવાતા ધાર્મિકોને દિલમાં ઘસરકો સરખો નહીં પડે.
આ વાત સમજવી જરા મુશ્કેલ છે. કારણ કે કહેવાતા ધર્મના ઠેકેદારોના મનમાં તો એમ જ હોય છે કે ‘આપણે આપણા માટે કરતા નથી, પરોપકાર માટે કરીએ છીએ.’ આ મોટામાં મોટી આત્મવંચના છે.
સંસારમાં સ્વાર્થ માટે થતાં પાપો તો પારખી શકાય તેવા હોય છે. પરંતુ પરોપકાર અને સેવાના અંચળા તળે થતાં પાપો પારખવાં મુશ્કેલ છે.
કમસે કમ ધર્મસ્થાનમાં સાધનશુદ્ધિ પરમ આવશ્યક છે. કોઈ પણ બહાના તળે સાધનશુદ્ધિ અદ્રશ્ય થાય એટલે વિકૃતિઓ પેદા થયા સિવાય રહેતી નથી.
આવા ધર્મથી માણસોનાં ટોળા ભેગાં થઈ શકે છે. પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યા છે તેવા સદાચારી મનુષ્યોનાં સર્જન થઈ શકતાં નથી.
પાપ-પુણ્યની એક વ્યાખ્યા સુંદર છે. ‘જે કરવાથી પોતાનો અંતરાત્મા પોતાને ડંખ મારે એ પાપ છે.’ પણ કેટલાકની ચામડી તો એવી જાડી થઈ ગઈ હોય છે કે અંતરાત્માના ઝીણા ઝીણા ડંખ તો એને અનુભવતા જ નથી.
નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ‘જેની દાઢો ડાળીઓ ચાવી જાય તેવી મજબૂત હોય તેના પાંદડાં ચાવવાં શું કઠણ પડે?’
લાખો રૂપિયાની હેરાફેરી કરનારાઓને હજાર-બે હજારની તો ગણતરી પણ શું હોય?
ઘણાની સ્થિતિ તો આથી પણ ખરાબ હોય છે. સ્વામી કહે છે,
‘પુણ્ય કર્યાનું પડોશીને ત્યાં આડો ફર્યો.’
ઘણા લોકો પુણ્ય તો ન કરી શકે પણ બીજો કરતો હોય તે જોઈ પણ ન શકે. કંઈક સત્કર્મ થતું હોય તેમાં કોઈ મદદ કરવા માગે તો આવા માણસો યુક્તિપૂર્વક બુદ્ધિભેદ કરતા હોય છે. ‘ત્યાં ના દેવાય. એને ક્યાં તાણ છે? એ આપણા ન કહેવાય. આપ્યા પછી એ શું કરે તેની શી ખાતરી? આ તો બહારથી બધું સારું સારું, અંદર તો કંઈક બીજું જ હોય’ વગેરે વગેરે.
આ રીતે જાતજાતના આડબંધો બાંધે. મૂળ તો સામાનો ઉત્કર્ષ સહન ન થતો હોય. અંતર ઈર્ષાથી બળતું હોય.
અરે, ક્યાંક સારો સત્સંગ થતો હોય ત્યાં જવાનું કોઈ કહે તો આડો ફરે, ‘ત્યાં ન જવાય. એ તો આમ છે ને તેમ છે.’
મૂળ કારણ તો આવા લોકોના માનસમાં એવી બીક હોય છે કે ‘જો એ ત્યાં જશે તો એની આંખ ઊઘડી જશે અને મારો મટી જશે.’ આવી ઈર્ષા સંસારીઓમાં હોય તેના કરતાં સાધુઓમાં વિશેષ જોવા મળે છે.
મોટે ભાગે માણસો કાં તો શકુનિવૃત્તિથી જીવે છે, કાં તો શુક્રાચાર્યની વૃત્તિથી જીવે છે. બીજાનું સારું જોઈ બળતરા થાય તે શકુનિવૃત્તિ. બીજાનું સારું થતું હોય ત્યાં આડો પગ કરવાનું મન થાય તે શુક્રવૃત્તિ. શકુનિ અને શુક્રાચાર્યની કથાઓ જગપ્રસિદ્ધ છે. શકુનિની ઈર્ષાની આગ કૌરવકુળને ભરખી ગઈ.
મહારાજ બલી ત્રણ પગલાં ભૂમિનું દાન દેવા તૈયાર થાય એમાં આડો પગ કર્યો તો શુક્રાચાર્યની પોતાની જ આંખ ગઈ.
આપણાથી સારું ન થાય તો કાંઈ નહિ, કોઈ સારું કરતું હોય ત્યાં આડો પગ ન કરવો.
સમાજની એક સેવા એવી છે કે એ સેવામાં એક પૈસો બેસે નહીં છતાં લાખો કરોડોની સેવા કરતાંય એ સેવા મૂલ્યવાન ગણાય અને એ છે, ‘સારું કામ થતું હોય ત્યાં નડવું નહીં.’ પણ જીવ રહી શકતો નથી. એટલે દેવાનંદ સ્વામી પશુને કોરડાથી વારે તેમ જીવને વારવા વાણીની ચાબુક ફટકારતાં કહે છે,
‘પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો.’
જે આવું કરે તેને જીવતાં થકાં મૂવો જ માનવો.
આગળ સ્વામી કહે છે,
‘દુ:ખ વેઠીને દામ કીધાં ખજાનો ભર્યો’,
જમ જોરાવર લઈને ચાલ્યા વાવરવા ન રહ્યો.
માણસની તૃષ્ણાનો અંત નથી. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળની સમૃદ્ધિ મળે છતાં તેની ભૂખ સંતોષાતી નથી. જંગલમાં લુચ્ચા શિયાળ અને ભૂખ્યા વરુઓ શિકાર માટે ભટકે છે તેમ ધનદોલત માટે જીવ ભટક્યા કરે છે. ગટરમાં ભૂંડ આળોટે તેમ વિષયોમાં ગળાડૂબ રહે છે. તુચ્છ ખજાના ભરવાની લ્હાયમાં એ મોંઘામૂલી જિંદગી ખર્ચી નાખે છે. ન દિવસ જુએ, ન રાત. ન ભૂખને ગણકારે, ન તરસને. જાતજાતનાં દુ:ખો વેઠે છે. જાતજાતના કાવાદાવા કરે છે. જાતજાતનાં જોખમ ખેડે છે. આ રીતે જીવ ધનદોલત માટે જિંદગી પાણીની જેમ વહાવે છે.
માણસ પેટ માટે પરિશ્રમ કરે તે સમજી શકાય તેવી બાબત છે. પણ ખજાના ભરવા જીવન ખર્ચી નાખે! એ ગણિત ગળે ઊતરે તેવું નથી.
કોઈએ સરસ વાત કહી છે: ‘પહેલાં માણસ શરીર બગાડીને પૈસા ભેગા કરે છે. પછી પૈસા ખર્ચી શરીર સારું કરવા મથે છે. આખરે એક પળ એવી આવે છે કે નથી શરીર સાથે રહેતું, નથી ધન પાસે રહેતું. જીવને એકલા જાવાનો વારો આવે છે.’
સારાંનરસાં કર્મો કરીને ભેગું કરેલું કાં જમીનમાં, કાં તો દેશવિદેશની બેંકોમાં સંઘરાયેલું રહે છે. જમ કોઈની વાટ જોતા નથી. મૃત્યુના સમયમાં ક્યારેય મુદત પડતી નથી. જીવની મૂર્ખાઈ એ છે કે જે માણસ પછી સાથે આવવાનું છે એનો સંગ્રહ કરવામાં એને સમય મળતો નથી અને જે જેમનું તેમ અહીં જ પડ્યું રહેવાનું છે. એને માટે જીવનભર મથે છે.
રસોઈ કરતાં કરતાં રાત પડે અને જમવાની વેળુ ન રહે એવી રસોઈ શા કામની?
પથારી પાથરવામાં જ સવાર પડી જાય એ પથારી શા કામની?
જિંદગીના અવનવા પથારા પાથરવામાંથી જીવ નવરો થતો નથી. આખરે જમના દૂતો એને જોરાવરે નવરો કરે છે. જિંદગીભરના પથારા જેમના તેમ પડ્યા રહે છે.
માણસ કાં તો દ્રવ્યની લાલચથી પાપ કરે છે, કાં તો રસાસ્વાદથી પાપ કરે છે, કાં તો સ્ત્રી માટે પાપ કરે છે. પાપ કરે તે તો પાપી છે જ, પણ ધર્મ ઓથે પાપ કરે તે મહાપાપી છે.
પોતાની અતૃપ્ત એષણાઓને પોષવા માટે જીવ અવનવા રસ્તા ખોળે છે.
પોતાની વકરેલી વાસનાને પૂર્ણ કરવા માટે જીવ હરાયા પશુની જેમ હડીયું કાઢે છે. આવી વિકૃત મનોવૃત્તિવાળા દંભી ધાર્મિકોને ચાબખા મારતાં સ્વામી કહે છે,
કૂડની માળા કંઠમાં પહેરી, કૂડ ગુરુ કર્યો.
આહાર મૈથુન કરવા લાગ્યો, કોઈ ન તર્યો.
અહીં દેવી, દેવતા કે યજ્ઞના પ્રસાદ નિમિત્તે મદ્યપાન કરવું, માંસભક્ષણ કરવું તેને સ્વામી ‘આહાર’ કહે છે.
જાહેરમાં ધર્મનાં ચિહ્નો ઘારણ કરનારા અને ખાનગીમાં પાપ કરનારા ક્યારેય ભવસાગર પાર કરી શકતા નથી. કોઈએ ખરી વાત કરી છે,
‘લંપટ ગુરુ અને લાલચી ચેલા નવરાં નરકે જાય.’
જીવને પાપ કરવા છે છતાં પોતે પાપી છે એવું જાહેર થવા દેવું નથી. ત્યારે તે ધર્મનો ઓથ લે છે. ધર્મનો અંચળો એને માટે ઢાલ બની જાય છે.
દેવાનંદ સ્વામીએ આ કીર્તન રચ્યું એ સમયે ભારતવર્ષમાં વામમાર્ગની બોલબાલા હતી. ઠેકઠેકાણે વામપંથના અડ્ડાઓ હતા. ગુપ્ત સાધનાને નામે મદ્ય-માંસ અને મૈથુનની બોલબાલા હતી. આ બધા ‘કૂડાપંથી’ કહેવાતા.
જૂના જમાનામાં આવો જ એક કાંચડીયો પંથ હતો. આ પંથના અનુયાયીઓ ગુપ્ત સાધનાના નામે એકઠા થતા. સ્ત્રી-પુરુષો સાથે મળતાં. ગોળ કૂંડાળામાં સ્ત્રીઓ પોતાની કંચુકીઓ ફેંકતી. પુરુષો એ કંચોકીઓને પકડવા પડાપડી કરતા. પછી જેના હાથમાં જેની કંચુકી આવે તે સ્ત્રી સાથે સ્વૈરવિહાર થતો. આ બધાં જ પાપ ધાર્મિક વિધિના બહાના નીચે થતાં.
પહેલાં કૂડા પંથ હતા. આજે આવા જ સ્વૈરવિહાર માટે જાતજાતની ક્લબો છે. જાતજાતના ‘સ્ટેજ શો’ છે. નવાઈની વાત તો એ છે કે આવા સ્થળોએ એકઠા થઈ અધમતા આચરનારા પોતાની જાતને ‘સભ્ય’ અને ‘સુધરેલા’ માને છે.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે –
भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाःI
पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न संगमः II
‘ભક્તિ અને જ્ઞાનનો ઓથ લઈને જે મનુષ્યો સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદને વિષે લોલુપ થકાં પાપને વિષે પ્રવર્તતા હોય તેનો સંગ ન કરવો.’
જે સમયે વામીઓ, કૂડાપંથીઓ અને નાસ્તિકોની બોલબાલા હતી; ધર્મને નામે શિષ્યોનું શોષણ થતું હતું; ભક્તિને નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હતા; ધર્મના અંચળા નીચે સંસારીઓને પણ શરમાવે તેવા અવનવા અનાચાર થતા હતા એવે સમયે આ અધર્મ અને પાખંડરૂપી અંધકારનો નાશ કરવા માટે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો ઉદય થયો હતો.
એમણે પોતાના લોકોત્તર પ્રભાવથી લોકોને સદાચારી જીવન જીવતા કર્યા. તુલસીદાસજી કહે છે તેમ, ‘સરલ સુભાઉ ન મન કુટિલાઈ.’ આવા સ્વભાવે સરળ અને જ્ઞાને શ્રેષ્ઠ એવા સાધુઓ તૈયાર કર્યા. એમણે લોકોના હૃદયમાં ભાગવત ધર્મનાં બીજ રોપ્યાં. ભક્તિના છોડની રક્ષા માટે ધર્મ-નિયમની વાડ્યો કરી. વૈરાગ્યનાં ખાતર અને જ્ઞાનનાં પાણી સિંચ્યાં.
દેવાનંદ સ્વામી કહે છે કે, ‘હે જીવ! જો તારે ભવસાગર પાર ઊતરવું હોય તો દંભ, કપટ, અધર્મ આચરનારાઓની ઓથ લેવાનું છોડી સહજાનંદ સ્વામીને શરણે આવી જા. રાગદ્વેષ, ઈર્ષ્યા અને અહંકારથી ઊકળતું તારું દિલ એમના આશ્રય વિના શાંત નહીં થાય.’
સહજાનંદજી ઓળખ્યા વિના, અંતર ના ઠર્યો,
દેવાનંદ કહે દિલ વસ્યા વિણ, કારજ શું સર્યો.
શીતળ બરફ ભરેલા પાત્રને સ્પર્શે તો ઠંડક મળે. અંગારા ભરેલી સગડીને સ્પર્શે તો હાથ દાઝે. તેમ જેનું અંતર શાંત છે, સહજાનંદથી ભરેલું છે તેનો સંગ થાય તો અંતરમાં આનંદના ઓઘ ઊમટે. જેમનું અંતર રાગ, ઈર્ષ્યા, કામક્રોધાદિથી ઊકળતું હોય એમનો આશ્રય કરવાથી અંતરના ઉકળાટ વધે, પણ શાંત ન થાય.
પરમાત્માનો આશ્રય પણ મન, વચન, કર્મથી કરે તો તરે; ઉપર ઉપરથી કંઠી, માળા, તિલક ધારી લેવાથી કાંઈ ન થાય. ભોજન ભરેલા પાત્રમાં બેસવાથી ભૂખ ન જાય. ભોજન પેટમાં જાય તો ભૂખ જાય.
તે જ રીતે ઉપરઉપરથી સત્સંગીનો વેશ લેવાથી કાંઈ ન થાય. દિલ સત્સંગના રંગથી રંગાય તો જ કૃતાર્થ થવાય. ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના હાલના અનુયાયીઓએ પણ આત્મમંથન કરવાની જરૂર છે કે ‘આપણે ચીંધેલા સદાચારના માર્ગથી ભટકી તો નથી ગયાને?’
દેવાનંદ સ્વામીનું એક પદ સુંદર અને માણવા જેવું છે. પદ પરજ રાગમાં છે.
દરદ મિટા મેરે દિલકા, મોહે ઔષધ અમરત પાયાં. ટેક૦ વૈદ્ય મિલ્યા વ્રજરાજ વિહારી, નાડી દેખન આયા,
જ્ઞાન ધ્યાન કી ગોલી દીની, રંચ ન રોગ રહાયા...
દરદ મિટા મેરે દિલકા..૧
ગયા રોગ મન ભયા નિરોગી, દિલ ગિરધર દરસાયા,
હરિકૃષ્ણ પરબ્રહ્મ પુરાતન, ભાવ સહિત મન ભાયા...
દરદ મિટા મેરે દિલકા...૨
વીત્યા વિષય કા દાગ મનોરથ, મૂલ મરમ સમજાયા,
જનમ મરણ કા ઝઘડા છૂટ્યા, અંતર અલખ લખાયા...
દરદ મિટા મેરે દિલકા...૩
યોગ ભક્તિ વૈરાગ્ય ત્યાગ કા, ચૂરણ ચારુ બનાયા,
દેવાનંદ કહે દયા કરી હરિ, ‘ચરી’ ખરી આપ બતાયા.
દરદ મિટા મેરે દિલકા...૪
આ પદમાં વ્રજરાજરૂપી વૈદ્ય મળવાથી ‘દિલનાં દરદો’ શમવાની વાત છે. અમૃતમય ઔષધિથી ‘અંતર અરોગી’ થવાની વાત છે.
શ્રીહરિરૂપી વૈદ્યરાજે જ્ઞાન-ધ્યાનની એવી અનુપમ ગુટિકા આપી કે અમારા મનમાં રંચમાત્ર રોગ ન રહ્યો.
રોગીને ભોજનમાં અરુચિ હોય એ જ રીતે અમારે રોગી મનને ભજનસ્મરણ ભાવતું નહોતું. મન નિરોગી થતાં ભજનસ્મરણની ભૂખ ઊઘડી. ભાવતાં ભોજનની જેમ મનને ભગવાન અતિશય ગમવા લાગ્યા.
વિષયવાસનાના દાગ કોઢના દાગ કરતાંય અસાધ્ય છે. છતાં એ વૈદ્યરાજે કોણ જાણે કેવું રસાયણ આપ્યું કે કોઈ રીતે ન છુટે એવા વિષયવાસનાના દાગ દૂર થયા. આત્મચૈતન્યનું મૂળ સૌંદર્ય પાછું પ્રગટ્યું.
અમને અમારા અવિનાશી કુળની ઓળખ થવાથી એણે આપેલાં અલૌકિક આંજણને અમારી આંખમાં આંજ્યાં તો અમે અગમ-અગોચર અલખને નજરોનજર નિહાળવા લાગ્યા.
અમે નિત્ય નિરોગી રહીએ એ માટે એણે યોગ્ય-ભક્તિ, ત્યાગ-વૈરાગ્યનું અદ્ભુતચૂરણ આપ્યું. એ ચૂરણ સેવનની સાથોસાથ સદાચારરૂપી ચરી પાળવાની રીત પણ બતાવી.