હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે ૧/૪

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે;
	વિપત્તે વરચી રે, કે દી દીન વચન નવ ભાખે...૧
જગનું સુખ દુ:ખ રે, માયિક મિથ્યા કરી જાણે;
	તન ધન જાતાં રે, અંતરમાં શોક ન આણે...૨
પર ઉપકારી રે, જન પ્રેમ નિયમમાં પૂરા;
	દૈહિક દુ:ખમાં રે, દાઝે નહિ સાધુ શૂરા...૩
હરિને સમરે રે, નિત્ય અહોનિશ ઉમંગ ભરિયા;
	સર્વ તજીને રે, નટનાગર વહાલા કરિયા...૪
બ્રહ્માનંદ કહે રે, એવા હરિજનની બલિહારી;
	મસ્તક જાતાં રે, નવ મેલે ટેક વિસારી...૫
 

મૂળ પદ

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ભાવાર્થઃ- સ્વામીએ ભક્તિનું વીરત્વ દાખવતાં ઘણા કીર્તનો રચ્યાં છે. તેમને મન તો શ્રદ્ધેય ભક્ત એ ધર્મવીર છે. સારો શૂરવીર છે. જે ભક્તમાં સર્વ સમર્પણની ભાવના હોય છે. તેમાં નિર્ભયતા અને વીરતા જરૂર હોય છે. સાચો ભક્ત મન, કર્મ, વચનથી અને તન, મન, ધનથી સ્વેષ્ટદેવને વરેલો હોય છે. તેમના પ્રત્યેની અનન્ય નિષ્ઠામાંથી પ્રાણાંતે પણ વિચલિત થતો નથી. ષડુર્મિ અને ત્રિવિધ તાપનાં દુઃખોમાં પણ જે હિંમત હારતો નથી. વિપતિયાં વચનોનો વરસાદ વરસે તો પણ કોઈ દિવસ દીન વચન ભાખતો નથી. સ્વેષ્ટદેવની આજ્ઞા પાળવામાં કદી પાછી પાની કરતો નથી. એ જ સાચો હરિભક્ત છે. II૧II જેણે મહત્ પુરોષોનો સમાગમ કર્યો છે. તે આ મિથ્યા જગતમાં માયિક સુખદુઃખને અસાર, નાશવંત અને તુચ્છ કરીને જાણે છે. પોતાનું અને સગાસંબંધીનું તન અને ધન નાશ પામે તો પણ મનમાં કદી શોક લાવતો નથી. એ જ સાચો હરિજન છે. II૨II ‘परोकारायां साधवः’ ના ન્યાયે જે પર ઉપકારી છે. જેઓ તમામ નિયમો પ્રેમથી સંપૂર્ણ પાળે છે. દેહસંબંધી દુઃખથી કદી અંતરમાં દાઝતા નથી. એ જ સાચા શૂરવીર સાધુ છે. II૩II રાત્રિ–દિવસ અખંડ ઉમંગસભર જે હરિને સમરે છે. જેણે સર્વ સુખ, સંપત્તિ અને સંબંધીઓને તજીને કેવળ ભગવાનને જ વ્હાલા કર્યા છે. એવા હરિજન માવાનાં મુગટ સમાન છે. II૪II બ્રહ્માનંદસ્વામી કહે છે ક��, એવા હરિભક્તની બલિહારી છે કે જે સો-સો માથાં વધેરાય જાય તો પણ ઈષ્ટદેવની આજ્ઞા પાળવારૂપ ટેકને મૂક્તા નથી. II૫II રહસ્યઃ- પ્રસ્તુત પદના ચારેય પદોમાં કવિની કલમે લખાયેલો દરેક શબ્દ પાળિયામાં પણ પ્રાણ પૂરે તેવો છે. શૂરવીર ભક્તની આ ચરમસીમા છે. ‘ટેક ન મેલે રે મર્દ ખરા જગમાંહી.’ ‘તન ધન જાતાં રે અંતરમાં શોક ન આણે.’ આ જેવી અનેક ઉક્તિઓ ટેકીલાની ટેકને મજબૂત ટેકો આપે છે. ગુરુ, ઈષ્ટદેવ અને ધર્મને માટે શહીદ થઈ જનારને જ ભ્રહ્માનંદ ખરા શૂરવીર ધર્મવીર ગણે છે. પદઢાળ, તાલ રાગ અને શબ્દો શૌર્યસભર છે. સરળ છે. અને ગેયતાની દ્રષ્ટિએ સુગમ પણ છે. તાલ કહરવા છે. ઢાળ લોકઢાળ છે. આ પદ રોજ ગાનારા ભક્તથી તેમનાં ઈન્દ્રિયો અંતઃકરણ હંમેશા ધ્રૂજતાં રહે છે. એટલે જ શ્રીહરિએ લોયાના બીજા વચનામૃતમાં શૂરવીર ભક્ત ઉપર વિશેષ પ્રસન્નતા બતાવી છે. કહેવાય છે કે આ ચાર પદો વાંચી રૂપાભાઈની શૂરવીરતા ભરી ટેકમાં અણધાર્યો વધારો થતાં શ્રીહરિએ તરત જ સહાય કરી હતી.

વિવેચન

ઉત્પત્તિઃ- ભાવનગરના મહારાજા વિજયસિંહજીની કચેરીમાં કીડી ગામના ગરાસિયા રૂપાભાઈ અંગત સેક્રેટરી તરીકે નોકરી કરતા હતા. મહારાજને રૂપાભાઈ ઉપર પ્રગાઢપણે ખૂબજ પ્રેમ હતો. તે બીજા મંત્રીઓને સારું લાગતું નહીં. તેથી મહારાજા આગળ રૂપાભાઈને બદનામ કરવાની યુક્તિઓ અન્ય મંત્રીઓ શોધ્યા કરતા હતા. રૂપાભાઇએ જે મંત્રીને ઉંચો હોદ્દો અપાવ્યો હતો. તે મંત્રીએ જ એક વખત મહારાજાને કહ્યું કે, “તમે રૂપાભાઈના બહુ વખાણ કરો છો અને કહો છો કે રૂપાભાઈ અમારું વચન ક્યારેય લોપે નહીં. પરંતુ એ તમારું વચન માને છે કે ન નહીં તેની ખાતરી કરવી હોય તો કાલે કચેરીમાં રૂપાભાઈને મદ્યપાન કરવાનું કહેજો. જો તે ભર કચેરીમાં તમારો અનાદર ન કરે તો મને પાંચ ખાસડા મારજો. આમ, મમરો મૂકી મહારાજાને ઉશ્કેર્યાં. જેહી તે નીચ બડાઈ પાવા, સૌ પ્રથમ હી શઠ તાહિ નસાવા, ધૂમ અનલ સંભવ સૂનુ ભાઈ, તાહિ બૂજાવ ધન પદવી પાઈ. નીચ માણસ જેનાથી મોટપ પામે છે. એનો જ નાશ કરવા તૈયાર થાય છે. ધૂવાડો અગ્નિથી જનમ્યો છે. છતા એ ધૂંવાડાને જ્યારે મેઘની પદવી મળી ત્યારે વૃષ્ટિ કરીને પોતાના પિતા અગ્નિનો નાશ કરવા તૈયાર થાય છે. જે મંત્રી રૂપાભાઈની મહેરબાનીથી જ મંત્રીપદે આવ્યો હતો તે મંત્રીએ જ રૂપાભાઈને પદભ્રષ્ટ કરવાનું કાવતરું કર્યું. રૂપાભાઈ માથું જતાં પણ મદ્યપાન નહીં કરે એમ તે મંત્રી જાણતો હતો. બીજે દિવસે દારૂની મનવાર ચાલતી હતી તે વખતે રૂપાભાઈને દારૂ આપવાનું મહારાજાએ ખવાસને કહ્યું. ખવાસે દારૂનો પ્યાલો રૂપાભાઈને આપ્યો. રૂપાભાઈએ ન લીધો ત્યારે ખવાસે વિજયસિંહજી સામે જોઈને કહ્યું.”રૂપાભાઈ તો તમારા ભાયત કહેવાય. મારા જેવા ખવાસના હાથે દારૂ ન પીવે તમારા હાથે જ પીવે.” આમ કહીને ખવાસે ઘા માથે મરચું ભભરાવ્યું. મહારાજા તો તરત જ ઊભા થયા. હાથમાં સુવર્ણનો પ્યાલો લઈને મદ્યપાનનો આગ્રહ કરવા માંડ્યાં. છતાં રૂપાભાઈએ ન પીધો. પડખે દુર્જન મંત્રી બેઠો હતો. તેણે કહ્યું, ‘રૂપાભાઈ’ ભર કચેરી વચ્ચે અઢારસો પાદરના ધણીનું અપમાન કરો છો. મહારાજાનાં માન ખાતર પણ તમે થોડો દારૂ પી લો.’ રૂપાભાઈને તો ધર્મસંકટ આવ્યું. રૂપાભાઈએ કહ્યું. ‘મહારાજા’ મેં સ્વામીનારાયણ ભગવાન આગળ મદ્યપાન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી છે. એથી ધડ માથે માથું હોય ત્યાં સુધી તો હું મદ્યપાન કરી શકું નહીં.’ એમ કહીને ભેટમાંથી કટાર કાઢીને મહારાજાના હાથમાં આપીને કહ્યું કે, ‘આ કટારથી મારું માથું કાપીને પછી મારા ગળામાં મદ્ય રેડી દો. તેથી આપનું માન જળવાય. અને મારી પ્રતિજ્ઞા પણ જળવાય.’ આ સાંભળી મહારાજ સિંહાસને બેસી ગયા. એટલે પેલા મંત્રીએ કહ્યું, ‘કાં મહારાજા ! હવે તો અમારું સાચું ને ! તમે રૂપાભાઈ, રૂપાભાઈ કરો છો. પણ રૂપાભાઈએ તમારી ભરકચેરીમાં આબરૂ લીધીને ? હવે અમારી કીમત થઈ ને?’ દુર્જન સજ્જનથી પોતાને શ્રેષ્ઠ માનતો હોય છે. કાગડો હંસથી પોતાને શ્રેષ્ઠ માને છે. રૂપાભાઈના પ્રતિસ્પર્ધી મંત્રીઓએ મહારાજાને ઉશ્કેર્યા. તેથી મહારાજા ઉશ્કેરાણા અને રૂપાભાઈને રાજ્ય છોડીને ચાલ્યા જવાનું કહ્યું. રૂપાભાઈ બહોળા કુટુંબવાળા હતા.ક્યાં જવું અને શું કરવું ? એના એ વિચારમાં બેઠા-બેઠા આખી રાત્રિ સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી. શ્રીજી મહારાજે રૂપાભાઈનું સંકટ આવ્યું છે. માટે સંકટમાં હિંમત રહે એવું કીર્તન કરીને મોકલો.’ એટલે તરત જ બ્રહ્માનંદસ્વામીએ વીરરસ ભરેલાં ચાર પદો રચીને મોકલ્યાં, જે પદો પાળિયામાં પ્રાણ પૂરે એવી શૌર્યરસની વાત પ્રદર્શિત કરી રહ્યાં છે. તો આ છે એ રૂપાભાઈનાં સંકટમાં સહાયક થનાર બ્રહ્માનંદના બ્રહ્મમસ્તીમાંથી છૂટી પડેલા પ્રસાદીભૂત ચાર પદોમાંનાં પહેલા પદનાં વાક્બાણો.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
1
1