આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી   ;૩/૮

 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી;
	અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેજી...૧
અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલેજી;
	જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેજી...૨
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી;
	મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી...૩
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહિ કોઈ રાગીજી;
	બારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગીજી...૪
આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી;
	બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી...૫ 
 

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- પ્રસ્તુત કીર્તનનું આ ઉત્કૃષ્ટ અને પ્રસિદ્ધ ત્રીજું પદ છે. આ પદમાં સ્વામી પોતાની અસ્ખલિત વાક્ધારાને વહેવડાવતાં મનુષ્ય જીવનની ક્ષણભંગૂરતા સચોટ રીતે બતાવે છે. આ શરીર તો પતંગિયા જેવું ક્ષણભંગૂર છે. રૂપાળુ છે પણ લાંબો સમય ટકી શકે તેમ નથી. ‘નભ તારા નખથી ઉખેડતા કરી અંજલી સિંધુ પી જતાં.’ એવા સમર્થ પણ અસંખ્ય ગયા. અનેકે સત્તા, સંપત્તિ અને શક્તિ મેળવી પણ એ એમની પાસે રહી કેટલો સમય ? રાવણ, સિકંદર અને મુંજ જેવા ભલભલા રાજાઓ પણ આવ્યા અને ગયા. મ્રુત્યુ સામે કોઈ જીત્યું નથી. કોઈ ફાવ્યું પણ નથી. એ આપણે નજરે જોઈએ છીએ. II૧II જુવાનીના જોરમાં કેટલાયે છેલબટાઉપણું દાખવ્યું. શરીરે અત્તર તેલ લગાડ્યાં, માથે મોરપીછવાળા મુગટ ધાર્યાં. ઝરિયાની કોરવાળી પાઘડી માથે બાંધી, તેમા છોગું ફરકતું મૂક્યું. (અત્યારે પ્રવર્તમાન સમયે માથાના વાળ કટીંગની અવનવી ફેશનમાં લાગુ પડે છે.) કવિ કહે છે કે ગમે તે વેશભૂષામાં, કેશભૂષામાં કે જુવાની અને ધનસત્તાના મદમાં માનવી છાતી કાઢીને ચાલે છે. પણ આ બધું કેટલો સમય ? સ્વામી ઉંદર-બિલાડીના એક સુંદર દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. એક ઉંદરડો (બ્રહ્માનંદસ્વામી ઉંદરની તુચ્છતા બતાવવા ‘ડો’ પ્રત્યય લગાડે છે.) સાવ તુચ્છ જીવ. એમાં વળી પાછો દારૂ પીધો. એનામાં દારૂ પચાવવાનું બળ હોય જ ક્યાંથી ? એ તો દારૂના નશામાં સાવ છકી ગયો. પોતાના જેવો કોઈ મસ્તીવાળો, રસિયો અને આનંદી નથી. એમ માની મદમાં ફૂલાવા લાગ્યો, ને ફાવે તેમ બોલવા, વર્તવા લાગ્યો. જાણે મારા જેવો કોઈ નહીં, હવે તો હું બધાને પૂગીને પાછો વળું એવો હું બળિયો થયો છું. મારે હવે કોની બીક? પણ એ દારૂના નશામાં છકેલા ઉંદરને ક્યાં ખબર હતી? કે એક જ ઝપાટે મારો કોળિયો કરી જનારી બિલાડી બહાર તૈયાર જ બેઠી છે. ખરેખર તે ઉંદરડાએ વહેલી તકે જે વિચારવું જોઈતું હતું તે ન વિચાર્યું. બિલાડીનું તો અસ્તિત્વ જ તેની નજરમાં ન આવ્યું. આ બિલાડી એ જ મૃત્યુકાળ નામનો પોલિટિકલ એજેન્ટ. અને ઉંદરડો એ જ સત્તાસંપત્તિ અને સુંદરીના સુખરૂપ દારૂના નશામાં છકી ગયેલો આજનો યુવાન! બિલાડીને ઉંદરડાનો શિકાર કરતાં વાર કેટલી? ઉંદરડો પોતાની મનમાની કરતો હતો. પણ તે તો બિલાડીની રહેમથી. બિલાડીએ તરાપ ન મારી ત્યાં સુધી એનો છાક ચાલ્યો. પરંતુ જ્યારે બિલાડીએ પંજો ઉઠાવ્યો કે તેનો બધો રોફ-રૂઆબ ચાલ્યો ગયો. તે હતો ન હતો થઈ ગયો. એમ ઉંદર-બિલાડીના દ્રષ્ટાંતથી સ્વામી સમજાવે છે કે જોબનધનનાં જોરથી છાકમછેલ કરનાર આજનાં યુવાનરૂપ ઉંદરડાનું પણ એવું જ છે. યૌવન, ધન-સંપત્તિ ને સત્તા આ ત્રણેયમાં જો વિવેક ન રહે તો અનર્થ કરવાનું ભારે બળ વધે છે. જો કાચી બુદ્ધિના માનવને તેની લાયકાત કરતાં વધુ સાંસારિક સુખ મળે તો તેના મોહમાં તે છકી જઈને ન કરવાનું કરી બેસે છે. ગુણ અને માન આપવાની બાબત પણ આવી જ છે. તન-ધન તો નાશવંત છે. એની બડાઈ કરવાની હોય નહીં. પરંતુ મનુષ્ય મોહવશ થઈ ક્યારેક અસાર, તુચ્છ અને ક્ષણભંગૂર વસ્તુઓનો મહિમા સમજી તેની પાછળ પાગલ બની ઘૂમ્યા કરે છે. સ્વમનેચ્છાના રંગમાં રાચ્યા કરે છે. પણ અંતે તેનાં દુષ્પરિણામો આવતાં પસ્તાય છે. ભલે આપણે આજે હું-તું અને મારું-તારું કરવામાં મશગુલ બન્યા છીએ, પરંતુ આજ અગર કાલમાં કાળના કર્મચારીઓ એવા જમડા પકડીને ધર્મરાજાની આગળ ઊભો રાખી ત્રણેય પ્રકારના કરેલા કર્મોનું ખાતું ખોલીને દંડાત્મક ન્યાય આપશે, ત્યારે ખૂબ પસ્તાવુ પડશે અર્થાત્ ફજેતીનો કોઈ પાર નહી રહે. માટે સ્વામી કહે છે કે આત્માઓ હવે ચેતો ! ચેતો ! જીવન સાફલ્ય અને આત્યંતિક મોક્ષ મેળવવા માટે સત્પુરુષના સંગથી સાચું જ્ઞાન જેટલું વહેલું આવે એટલું સારું. II૨ થી ૫II રહસ્યઃ- ઉપરોક્ત પ્રસ્તુત બંને પદ ચારણી ઢબે ગવાતાં ભજન ઢાળની દ્રષ્ટિએ ખૂબજ સુગેય છે. ચોર, શ્વાન, ફૂટી કોડી, બાજી, પતંગ, ઉંદરડો, બિલાડી આદિક રૂપકો યોજી કવિએ પોતાની વાત માર્મિક રીતે રજૂ કરી વાસ્તવિક પરિસ્થિતિ તરફ આપણું ધ્યાન દોર્યું છે. શરીર, સુખ-સંપત્તિ, સુંદરી, સમય અને માયિક તમામ પદાર્થોની ક્ષણભંગૂરતા, તુચ્છતા, અસારતા આબેહૂબ રીતે રજૂ કરાઈ છે. ક્યાંક-ક્યાંક ગાફેલ, કુબુદ્ધિ, મૂર્ખ, ચોર જેવી લાગણી વિવશતાનો ભાવ ક્રોધાવેશમાં વર્તાય છે. પરંતુ તેના મૂળમાં અર્થાત્ કવિના હૃદયમાં તો મુમુક્ષુ માટેનો ઊંડો સ્નેહ જ સહેલાઈથી જોઈ શકાય છે. પ્રસ્તુત પદનાં અન્ય પદોનું પ્રેક્ષણ કરતાં પ્રાચીન, અર્વાચીન અને તત્કાલિન સામાજિક પરિસ્થિતિનું આબેહૂબ સુંદર ચિત્ર રજૂ કરાયું છે. કાવ્યની વાણી સરળ છતાં મર્મસ્પર્શી છે. ભવિષ્યકાળ નિર્દેશક એક સરખી પ્રાસ રચના સાદ્યંત રાખી છે. બ્રહ્માનંદ જેવા પદ્ય પ્રભુત્વ ધરાવનાર કવિ માટે તો એ સહજતા લેખાઈ છે. એની સુગેયતા ઘણી જાણીતી છે. ઢાળ ધોળ છે. પણ શબ્દમાપ જોતાં ભજન શૈલીથી પણ ગાઈ શકાય તેમ છે. દીપચંદી, કહરવા, ડબલ-સિંગલ અને રૂપક જેવા તાલોમાં ગાયક-વાદકની કુશળતા મુજબ આ પદો રજૂ કરી શકાય તેમ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિસ્વરૂપદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
3
0