સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી ૧/૧

સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી;
	મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી...ટેક.
અમે તમ કારણ સહ્યાં મેણાં, નાથ નીરખવા ને સૂણવાં વેણાં;
			અમે તૃપ્ત નવ કીધાં નેણાં...સુણો૦ ૧
અમે લોકલાજ કુળની લોપી, અમે કહેવાયાં ગિરધરની ગોપી;
			અમે તમ કારણ પહેરી ટોપી...સુણો૦ ૨
પહેલી પ્રીત કરી શીદને આગે, દૂધ દેખાડી ને માર્યા ડાંગે;
			પછી તેને તે કેવું વસમું લાગે...સુણો૦ ૩
કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહિ તો અખંડ અંતરમાં રહેજો;
			એમ શ્રીરંગના સ્વામીને કહેજો...સુણો૦ ૪
 

મૂળ પદ

સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

કીર્તનનો અર્થ

 ભાવાર્થઃ-      હે ચતુરવર સુજાણ સહજાનંદજી! તમે મારા દર્દીલા દિલની અરજી સાંભળો. તમે તો દીન દયાળ છો, ભક્તાધિન છો. માટે તમને આમ ગુપ્તપણે રહેવું ન ઘટે. તમે તો મારા અને મારી સૈયરોના પ્રાણ આધાર છો. હે પ્રભુ ! તમે જેમ રાખશો તેમ રહેશું. તમે જે જે વચન કહેશો તે નિઃસંશય પણે હિંમતસહ પાળશું. II ટેક II અમે તમારા માટે ઘરબાર, લોકલાજ, કુટુંબ, સુખ અને સંપત્તિનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં પણ તમારા કારણે ન સહ્યાં જેવા મેણાં પણ સહ્યાં છે. એનું કારણ એ છે કે તમને નિરખવા માટે દેહ-ગેહનું સુખ છોડી આ ભગવી કંથા ધારણ કરી છે. માટે હવે જો આપ દર્શન નહીં આપો, અર્થાત્‍ દર્શનથી મારાં નેણાં તૃપ્ત નહીં કરો તો આપને ભક્તવત્સલ ભગવાન કહેશે કોણ? II૧II  ગોકુળની ગોપાંગનાઓએ પણ જેમ લોકડિયાની લાજ મેલી ગોપીનાથજીની ભક્તિ કરી તેમ અમે પણ કુળકુટુંબની લોકલાજ મેલી તમારી ગોપી કહેવાણા છીએ. અમે તમારા કાજે જ આ ટોપી પહેરી છે. ભક્તો ટોપી પહેરવાની બાબતમાં અહીં આપ સૌનું વિશેષ ધ્યાન દોરું છું. અઢારસોના સૈકાના અંત સુધી બાવા-સાધુ સિવાય કોઈ ટોપી પહેરતું નહીં. ટોપી તો બાવાજ પહેરે એવી એક લોકોક્તિ હતી. વળી, ‘કેમ ફલાણા ભાઈને ટોપી પહેરાવી દીધી ને ?’ એવી પણ એક બીજી લોકોક્તિ  હતી. જ્યારથી અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારથી ભણેલા લોકો ટોપી પહેરવા લાગ્યા. ત્યારે વળી, ટોપી માટે ત્રીજી લોક કહેવત થઈ કે ‘ટોપી પહેર્યામાં ત્રણ ગુણ, લીયે વેરો લીયે વેઠ, સાહેબ સાહેબ સૌ કહે, સુખે ભરે પેટ.’ તેમજ ટોપી પહેર્યામાં ત્રણ ગુણ. ‘ નહીં વેરો, નહીં વેઠ, બાવો-બાવો સૌ કહે, સુખે ભરે પેટ.’ આમ એ જમાનામાં માથાં ઉપર ટોપી પહેરનારની એક દોકડાની પણ કીમત નહોતી. એટલે એ સમયની પ્રવર્તમાન લોકોક્તિને લક્ષમાં રાખી સ્વામીએ આ પદમાં ‘ટોપી’ શબ્દનો પ્રયોગ કરી, સુજાણ સહજાનંદને નમ્ર સૂચન કર્યું કે અમે તમારા માટે ટોપી પહેરીને લોકમાં એક દોકડાની કીમત વિનાના થયા. લોકડિયાના ઉપહાસના પાત્ર બન્યા. છતા તમને દર્શન દેવાની પણ દયા નથી આવતી? II૨II જો આપ દયાહીન જ થયા હો તો પહેલા પ્રીત કરીને, હેત કરીને શા માટે લાડ લડાવ્યાં લાડીલા લાલ ! હવે તો જેમ બિલાડીને દૂધ દેખાડીને પછી લાકડીથી મારે તો તેને કેટલું વસમું લાગે ? બસ, તમે તો અમારી માથે તો એવું જ કર્યુંને ? માટે જ તમને કહું છું કે હે ચતુરવર ! મારી આ વિનંતી સૂણો. આજે તમારા દર્શન વિના અનંત સંતો-ભક્તો ગઢપુરની આસપાસ ટળવળે છે. II૩II હે નોધારાના આધાર! આ અકિંચન ભક્તની આજીજી વાંચીને જો આપના દિલમાં દયા આવે તો દર્શન દેજો. નહીંતર અમારા સૌનાં અંતરમાં અખંડ રહેજો. સ્વામી કહે છે એમ શ્રીરંગના એટલે કે એમ મારા નાથને કોઈ કહેજો II૪II

 

ઉત્પત્તિ

પદ-૨૨

II  સૂણો ચતુર સુજાણ  II

ઉત્પત્તિઃ-       કાંસુ માને કસણી વિના, શોધાણું માને છે સાર,

                ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉર વિચાર,

                જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ,

                તેમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ.

             એક વખત શ્રીહરિએ પોતાના આધારે જીવી રહેલા સ્નેહી ભક્તોના સ્નેહની કસોટી કરવા એવું પ્રકરણ ચલાવ્યું કે આજ્ઞા વિના કોઈએ દર્શને આવવું નહીં, અને પોતે ગુપ્તવાસ સેવવા લાગ્યા. દાદાના દરબારના ઓરડાના કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત એવાં નામ પાડ્યાં હતાં. કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે ? તો ભક્તો કહે કે મહારાજ ગુજરાતમાં છે. એટલે દર્શનાભિલાષી ભક્તો મંડે ગુજરાત ચાલવા. આમ, શ્રીહરિ ભક્તોની કસણી કરી રહ્યાં હતા. એવા સમયમાં શ્રીજી આજ્ઞાથી સત્સંગ વિચરણ કરવા ગયેલ. બ્રહ્માનંદસ્વામીને સહજાનંદના સંયોગ વિના વિયોગનું દુઃખ સતાવવા માંડ્યું. એક પલ પણ કલ્પ સમ થઈ પડી. દર્શન વિના દિલડું દાઝ્યા કરતું હતું, તેથી હૈયાની હિંમત એકઠી કરી આજ્ઞા વિના દર્શન કરી લેવાની ઉત્કંઠાએ બ્રહ્માનંદસ્વામી ગઢપુરની સીમમાં આવ્યા. પરંતુ આજ્ઞાંકિત સ્વામી આજ્ઞા વિના કેમ જઈ શકે ? સ્વામીને થયું કે લાવ પહેલા શ્રીહરિની આજ્ઞા મંગાવું. એક ભરવાડનો છોકરો ગામમાં જતો હતો. તેની સાથે મહારાજને સંદેશો મોકલ્યો. ‘શ્રીરંગદાસજી દર્શને આવે?’ પ્રત્યુત્તર મળ્યો કે ‘જેમ આવ્યા તેમ પાછા ચાલ્યા જાવ.’ આ સંદેશો સાંભળીને સ્વામી ઉદાસ થઈ ગયા. ‘ઘાયલકી ગત ઘાયલ જાને, દૂજો ન જાને કોઈ.’ વિયોગની વાદલડી વરસી ગઈ. વરસી તો ખરી પણ એ વિરહાશ્રુમાં શબ્દોના કરા પડ્યા. ભાવાત્મક ભીતરની ભૂમિ ભીની બની ગઈ. સ્વામી નીચે બેસી ગયા. શ્રીહરિ પ્રત્યેની ઊંડી પ્રીતિના ઝખમથી કવિની કલમ કાકલૂદીને કોતરાવા લાગી. નિખાલસ અને નિર્માની હૃદયમાંથી ભક્તિથી ભીંજાયેલા નરમ શબ્દો નીકળી પડ્યા કે ‘આમ ન ઘટે તમને મારા નાથ’ ભક્તને ભરોસો છે કે ભગવાન મને જરૂર દર્શ-સ્પર્શનું સુખ આપશે. પરમાત્માને પ્રિય થવાની પાત્રતા પોતાનામાં નથી પરંતુ એમને સ્વેષ્ટદેવની અપાર ઉદારતામાં અને ક્ષમાશીલતામાં ઊંડો ભરોસો છે. એટલે જ સરી પડેલા શબ્દોમાં શ્રદ્ધા, કોમળતા અને માધુર્યતા સહજપણે ઉતરી આવે છે. જોતજોતામાં વિરહનું વાદળું પદમાં પરિણમ્યું અને તે પ્રેમભીની પદાત્મક ચિઠ્ઠી બાજુમાં કોસ હાંકનાર કોસિયાને આપી કહ્યું કે ‘ભાઈ’ આ ગામમાં સ્વામીનારાયણ ભગવાન છે.તેમને તું આ મારી ચિઠ્ઠી આપી આવીશ?’ ખેડુતે કહ્યું ‘ મહારાજ તમે નવરા છો, હું નવરો નથી. જોતા નથી હું કોસ હાંકુ છું. ચિઠ્ઠી દેવા જાઉં તો મારો પ્રવાહ તૂટી જાય’ સ્વામી કહે. ‘તારા પ્રવાહને હું નહીં તૂટવા દઉં. હું કોસ ચલાવીશ.’ ખેડુત કહે. ‘મહારાજ! તમને કોસ હાંકતા આવડતો હોય તો બાવા શા માટે થાવ? મારો કોસ અને બળદ કૂવામાં નાખો તો?’ સ્વામી કહે ‘હું કોસ હાંકી બતાવુ.’ એમ કહીને સ્વામીએ કોસ ચલાવી બતાવ્યો. ત્યારે ખેડૂત કહે. ‘ઠીક લાવો ચિઠ્ઠી.’ ખેડૂતે મહારાજ પાસે આવીને ચિઠ્ઠી આપી તેમાં શ્રીરંગદાસજીએ પ્રસ્તુત પદ લખેલું. કહેવાય છે કે એ પદના પ્રેક્ષણથી પરમ પ્રભુના પવિત્ર નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યાં, અને ભક્ત વત્સલ ભગવાનનાં મુખમાંથી કૃપાવાક્યો સરી પડ્યાં કે ધન્ય છે શ્રી રંગદાસજીને ! કે જેનું અમે કૂતરાની પેઠે અપમાન કર્યું છતાં તેમણે અમને છોડ્યા નહીં. જેને રાજા મહારાજાઓ અનેક પરગણાં બક્ષિસ આપતા હતા, જેને અનેક ઉત્તમ પદવીઓ એનાયત કરી છે. જેને ‘દોવળી તાજીમ સરદાર’ ની પદવી મળેલી છે. જેમનું પાદ-પ્રક્ષાલન પૃથ્વીસમ્રાટો પણ કરતા હતા. એવા ઉત્તમ પુરુષ શ્રી રંગદાસજીને અમે તિરસ્કાર્યા, તરછોડ્યા અને તગડ્યા છતા દીન બની દર્શનાભિલાષીપણું છોડ્યું નહીં! માટે ચાલો, આપણે સામે ચાલી એમને દર્શન આપીએ. એમ કહી, મહારાજ માણકીએ ચડી માણેક ચોકમાં આવ્યા. તો આ બાજુ ખેડૂતે આવીને જોયું તો પોતાનું આખુંય ખેતર પાણીથી તરબોળ થઈ ગયું હતું. તે જોઈ તેમણે આનંદિત થતાં કહ્યું ‘મહારાજે તમને બોલાવ્યા છે.’ એટલે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળતા જે તરવરાટ જાગે એથીયે અનંતગણો તરવરાટ શ્રી રંગદાસજીને જાગ્યો. હોંશભેર દોડતા-દોડતા દાદાના દરબાર તરફ આવી રહેલા શ્રી રામદાસજીને જોઈ માણેકચોકમાં ઊભેલા મલપંતા મહારાજ માણકીએથી ઊતરી માંડ્યા દંડવત્‍ કરવા.’અરે મહારાજ! ‘ એમ કહેતાક, સ્વામી મહારાજને ભેટી પડ્યા. ભક્ત અને ભગવાનનાં નેત્રોમાંથી પ્રેમનાં આંસુ ટપકવા લાગ્યાં. આહા.. હા.. કેવું અદ્‍ભુત મિલન !

ચાર મિલે ચોસઠ ખિલે, વીસ રહે કર જોર,

જે હી મિલત છાતી ઠરે, હરખે સપ્ત કરોર.

       એ ન્યાયે રંગીલાના રંગે, સંગે અને સંયોગે, શ્રી રંગદાસજી રસબસ બની ગયા. આ અદ્‍ભુત મિલનની સવારી દાદાના દરબારમાં આવી. વિશાળ સભા ભરાણી. અને તે સભામાં વિરહી વાદળામાંથી ગરમ બૂંદે વર્ષેલ ગીતને સદ્‍ગુરુ બ્રહ્માનંદસ્વામીએ એવા કરુણાદ્ર કંઠે ગાયું કે ગુપ્તપણે રહેતા ગોવિંદ એ ગાનમાં ગરકાવ બની આજથી છતા થયા. એટલે સૌ સંતો ભક્તોની આશિષ સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામીને મળી. અને ત્યારથી આ પદ પ્રભુને પામવાના પ્રેરણાના પીયૂષરૂપે પ્રચલિત થયું. તો આવો, પ્રેમપંથના પ્રવાસીઓ! આપણે સૌ સાથે મળીને એ પ્રેમભીના પદની પ્રસાદી આરોગીએ.

વિવેચન

રહસ્યઃ- પદ નાનું નાજુકડું ને નરમાશ સભર છે. જોગિયા કે શિવરંજની જેવા વિરહાત્મક રાગમાં ગાવામાં આવે તો શ્રીરંગદાસજીના સમાના વિયોગ રંગથી રંગાય જવાય છે. પ્રાસ મેળવવાની કવિત્વશક્તિ સુગેય છે.કવિની કાકલૂદી આપણા કારણ શરીરને કોતરી નાખે છે. ભક્તિભીના શબ્દોમાં નિશ્ચયાત્મક ઠપકો પણ છે. વળી, પ્રસ્તુત પદ એકલિયા તરીકે ઓળખાય છે. શ્રીરંગદાસજીના નામાચારણવાળા ગુજરાતી અને હિન્દી ભાષામાં રચાયેલા કુલ અઢાર પદો છે. તેમાં બે પદો એકલિયા તરીકે ઓળખાય છે. અને ચાર ચોસર છે. આ અઢારેય પદો બ્રહ્માનંદ કાવ્યમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. પદ સુગેય છે. અને તાલ કેરવા છે. લય, મધ્ય લય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
1
3
 
નમુનો
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
શિવરંજની
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
7
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શિવરંજની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
6
3