સખી આનંદની વાત કહું આજ રે મેં તો નેહે કરી નોતર્યા મહારાજ રે ૧/૧

સખી આનંદની વાત કહું આજ રે, મેં તો નેહ કરી નોતર્યા મહારાજ રે	-૧
પ્રેમે ચોક વચ્ચે ચોકી ઢાળી રે, નાવા ઊઠયા મોહન વનમાળી રે	-૨
અંગ ચોળી આનંદે શું નવરાવ્યા રે, પેરી પીતાંબર મન ઘણું ભાવ્યા રે	-૩
પે’રી પાવલાં પધાર્યા લટકાળો રે, મારે મંદિરીએ આવ્યા મરમાળો રે	-૪
પાટે બેસારીને પૂજિયા મોરારી રે, અતિ આનંદ શું આરતી ઉતારી રે	-૫
બેઠા જમવા જગનો આધાર રે, મેં તો પ્રેમે કરી પીરસ્યો કંસાર રે	-૬
શીરો પૂરી સુંવાળી સાબુડી રે, ખાજાં ખાજલાં ને ખાંડ ઘણી રૂડી રે	-૭
સાટા મેસુબ જલેબી જુગતાળી રે, ઘણા ઘેબર પેંડાની ભરી થાળી રે	-૮
દૂધપાક ને પૂરણપોળી રે, ઘણે ઘીએ રસ રોટલી ઝબોળી રે		-૯
દહીંથરાં ભાત ભજિયાં ને દાળ રે, કેળાં રોટલી ને પૂડલા રસાળ રે	-૧૦
ગળી મોળી બિરંજ કઢી કારેલાં રે, મગ મેથીએ વઘારી કર્યાં ભેળાં રે	-૧૧
તળ્યું સૂરણ ઘણું ઘી ઘાલી રે, વડી વાલાને લાગે છે ઘણી વાલી રે	-૧૨
તળ્યાં પરવળ વાલોળ ને વંતાક રે, તળ્યાં તુરિયાં કંકોડા કેરાં શાક રે	-૧૩
ટાંકો તાંદળજો ને સુવાભાજી રે, મેથી મોગરી મૂળાથી ઘણું રાજી રે	-૧૪
જમે જુગતે શું દીનદયાળ રે, પાસે અનુપમ અથાણાં રસાળ રે		-૧૫
કેરી કાચરી તળેલ આથ્યાં આદું રે, ડાળાં ગરમર ને શેલરાં સ્વાદુ રે	-૧૬
કાજુ કેરડાં પાપડ પ્રભુ જમે રે, પિયે જળ ગ્રાસોગ્રાસ મને ગમે રે	-૧૭
જમે મધુર મધુર જદુરાય રે, હું તો વીંઝણે ઢોળું વાય રે		-૧૮
જમી આચમન કર્યું અવિનાશ રે, પ્રીતે પાનબીડી કરી મુખવાસ રે	-૧૯
સુર મુનિને દુર્લભ સ્વાદ રે, પામ્યા મુક્તાનંદ પરસાદ રે		-૨૦
 

મૂળ પદ

સખી આનંદની વાત કહું આજ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી