+વહાલા આવો અમારે ઘેર રે, વારી જાઉં વાલમજી,
સેવા કરીશું સારી પેર રે, વારી જાઉં વામલજી... ૧
કાંઇ નીર ઉને નવરાવું રે - વારી૦
કાંઇ જુગતે કરીને જમાડું રે....વારી૦ ૨
કાંઇ કંચન થાળ કટોરા રે-વારી૦
પાસે પાણી પીધાના અબખોરા રે....વારી૦ ૩
કંસારને ચુરમા ચોળી રે-વારી૦
રસ રોટલી ઘીએ ઝબોળી રે....વારી૦ ૪
ભાજી તાંદળજાની સારી રે-વારી૦
માંહી ચોળાફળી છમકારી રે....વારી૦ ૫
કાજુ આદાં કેરીનાં અથાણાં રે-વારી૦
લીંબુ મરચાં જોયે તો મેં આણ્યાં રે....વારી૦ ૬
તમે ચોખા ને દૂધ શિરાવો રે-વારી૦
માંહિ સાકર બેક નખાવો રે....વારી૦ ૭
તમે જમોને ઢોળું હું તો વાય રે-વારી૦
ત્યારે કાંઇક સારું મારું થાય રે....વારી૦ ૮
જળ જમુનાની ભરી ઝારી રે-વારી૦
તમને ચળું કરાવે બ્રહ્મચારી રે....વારી૦ ૯
કાથો ચૂનો પાન લવિંગ સોપારી રે-વારી૦
તમે મુખવાસ લ્યોને મુરારી રે....વારી૦ ૧૦
પ્રભુ પલંગ ઉપર પોઢાડું રે-વારી૦
ઝાઝીવાર થાયે તો જગાડું રે....વારી૦ ૧૧
ઘેલું ઘેલું બોલીને સુખ દેજો રે-વારી૦
કાંઇ કહેવાનું હોય તો કહેજો રે....વારી૦ ૧૨
આપો અબળાને આનંદ રે-વારી૦
બલિહારી બ્રહ્માનંદ રે....વારી૦ ૧૩
+ આ થાળ બાશ્રી લાડુબા અને જીવુબાની આજ્ઞાથી સ્વામીશ્રીએ એકજ પદમાં રચેલ છે. તે શ્રીજી મહારાજ જ્યારે દરબારમાં જમવા બેસતા ત્યારે બાશ્રી દરરોજ ગાતાં. (બ્રહ્મસંહિતા)