વ્હાલા ભોજનીયાં બહુ ભાત, જમો ગિરધારી રે;
તમને જોવા કારણ આજ, આવી વ્રજનારી રે,
સોના કેરો પાટલો રે, સોના કેરો થાળ;
જળ જમુનાના નીરની ઝારી, ભરી મૂકી તતકાળ...જમો૦ ૧
ઘેબર સહુ ઘીમાં કર્યાં રે, લાડુ સાકરના સાર;
સેવ સુંવાળી લાપસી માંય, ઘી ધુણીગંધાર...જમો૦ ૨
બરફી પેંડા ને મોતીયારે, જલેબી જગદીશ;
સૂતરફેણી શામળા કરી, દળી ઝીણો અતિપીશ...જમો૦ ૩
દૂધપાક ને પુરીયો રે, માલપુડા મેસુબ;
કેળા સાકર રસરોટલી, આરોગો આજ હરિ ખૂબ...જમો૦ ૪
ભજિયાં વડાં ને રાયતાં રે, વાલોળ ને વંત્યાક;
કંકોડાં કારેલડાં સમકાર્યાં, સલૂણા શાક...જમો૦ ૫
ટીંડોરા ને તુરીયાં રે, ગલકાં પરવર પરબ્રહ્મ;
તુવેરની તમ કારણે વ્હાલા, દાળ કરી છે નરમ...જમો૦ ૬
વડી કડી સર્વે શાકમાં રે, વઘાર્યા વાલમ;
આરોગો અલબેલડા, શરમ રાખો તો મારા સમ...જમો૦ ૭
નૈયા સૂરણનું શાક મેં રે, કીધું તમારે કાજ;
ફૂલવડી ફળી ગ્વારની રે, ઘીમાં તળી મેં મહારાજ...જમો૦ ૮
ભાજી ભુધર બહુ ભાતની રે, અથાણાં અપાર;
દૂધ ભાતમય ધોબલે નાંખું, સાકર વારંવાર...જમો૦ ૯
તૃપ્ત થઇ ચળુ કરો રે, આતમાના આધાર;
પહેરાવું અતિ પ્રીતસું, ચંપા-ચમેલીના હાર...જમો૦ ૧૦
લવિંગ સોપારી એલચી રે, કાથો ચૂનોને પાન;
ત્યાગાનંદના વહાલમાં, મુખવાસ કરો ભગવાન...જમો૦ ૧૧