દરદ લગાડી રહ્યા દૂરરે, રસિયા વાલમ;૩/૪

પદ ૩૬૩ મું(૩/૪)

દરદ લગાડી રહ્યા દૂરરે, રસિયા વાલમ; દરદ૦ ટેક.

દરદ લગાડી ખેલ્યાં દુ:ખના સાગરમાં અમને;

નાથજી ન ઘટે જરૂર રે. રસિયા૦ ૧

મોરલીની તાને નેણુંની સાને વહાલા;

કાન વર કીધલ ચકચૂર રે. રસિયા૦ ૨

દરશન વિના ક્ષણું જુગ સમ જાયે વહાલા;

દલડામાં દુ:ખ ભરપૂર રે. રસિયા૦ ૩

પ્રેમાનંદનારે પ્યારા વદન દેખાડો વહાલા;

રસિયાજી રાખોને હજૂર રે. રસિયા૦ ૪

મૂળ પદ

જોવાને વ્યાકુલ મારા નેણરે, નાથ તમને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

બાલ્યાસ્થાથી જ માતાપિતાને ગુમાવી બેસનાર પ્રેમસખી પ્રેમાનંદ જાતિએ ગાંધર્વ હતા. સુંદર વાન અને મધુર કંઠને લીધે તેઓ વેરાગીઓના સમૂહમાં સપડાઈ ગયા. વેરાગી બાવાઓ આવા નિરાધાર અને ગાયન કળામાં કુશળ બાળકને છોડે પણ શાના! વળી આ છોકરાને પોતાના સગા-સંબંધી કે ઘરબાર વિષે કશી જાણ હતી નહિ, એટલે નિરાધારપણે જ્યાં ત્યાં રખડ્યા કરવું એના કરતાં બાવાના સમૂહમાં ફરવું એને વધુ રુચિકર લાગ્યું. બાવાઓનો એ કાફલો ફરતા ફરતા કાનમ પ્રદેશના ( ભરૂચ જીલ્લાના ) દોર ગા‌મે આવેલો. કાફલામાંનો આ રૂપાળો અને ગાવા બજાવવામાં પ્રવિણ છોકરો સૌનું ધ્યાન ખેંચતો. એના મધુર કંઠથી ગામ લોકો ખુશ થેઈ વેરાગીઓને ગામમાં વધુ રોકાવાનો આગ્રહ પણ કરતા. એવામાં એ જ ગામમાં સ્વામિનારાયણના સાધુઓ લોકોપદેશાર્થે ફરતા ફરતા આવ્યા. વેરાગીઓના સમૂહમાં રહેલા આ છોકરામાં પ્રભુ દર્શનની ઉત્કટ પ્યાસ હતી. એક દિવસ આ છોકરો સારંગી લઈને “ તેરે બિના પિયરા જિયારો નિકાસો જાશે”નું આરતભર્યું પદ ગાતો હતો, એ જ વખતે સ્વમિનારાયણનાં સાધુ જ્ઞાનદાસજી ત્યાંથી પસાર થતા હતા. તેમના કાને આ પદ પડ્યું ને તે થંભી ગયા. જ્ઞાનદાસજીએ એનો પરિચય કેળવવાનો પ્રયત્ન કર્યો. સ્વામિનારાયણનાં સાધુઓના શુદ્ધાચાર ને વિચારની વિલક્ષ્ણતાં જોઈને વેરાગી યુવાન પણ તેમના તરફ આકર્ષાયો. વેરાગી યુવાનને પણ હરિદર્શનની લગની લાગી હતી જ્ઞાનદાસજીએ હરિમિલન કરા‌વી દેવાનું વચન આપી પોતાના ભણી ખેંચવાનો પ્રત્યન કરી જોયો. વેરાગી બાવાઓથી છાનોછપનો એ યુવાન પણ સ્વામિનારાયણ સાધુઓના વધુ ને વધુ સંપર્કમાં આવતો ગયો. એથી એનામાં ભગવાન સ્વામિનારાયણને મળવાની ઉત્કટ તાલાવેલી પેદા થઇ અને એક દિવસ એણે જ્ઞાનદાસજીને વિનવ્યા કે મને આ બાવાઓના કાફલામાંથી છોડાવી તમારી સાથે સ્વામિનારાયણ ભગવાન પાસે લઈ જાઓ. જ્ઞાનદાસજીએ એને ધીરજ ધરવાની સલાહ આપી અને એ ત્યાંથી દ્વારકા જવા માટે રવાના થયા. છોકરાએ યુક્તિ કરી. બાવાઓનાં અધિપતિ પાસે રણછોડરાયનાં દર્શને દ્વારકા જવા અનુમતિ માગી. અનુમતિ મળતા જ એ ઝડપથી ચાલી આગળ રવાના થયેલા જ્ઞાનદાસજીને મંડળ સંગાથે થઇ ગયો. દ્વારકાથી પાછા વળતાં જ્ઞાનદાસજી એ વેરાગી યુવાનને લઈને ભાવનગર જીલ્લાના ગઢડા ગા‌મે આવી પહોંચ્યા. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ત્યાં જ્ઞાનદાસજી વેરાગી યુવાનને લઈ આવ્યા ને શ્રીજીમહારાજને એનો પરિચય કરાવ્યો. યુવાન શ્રીજીમહારાજના દર્શન કરી મુગ્ધ બની ગયો. એના અંતરમાં આનંદની છોળો ઉડવા માંડી. સંકલ્પ –વિકલ્પ વિરામ પામી ગયા. પ્રથમ મિલને જ એને પ્રભુમાં પ્રીત લાગી. મહારાજ પણ એને જોઈ ખૂબ આનંદમાં આવી ગયા. કહ્યું છે ને --- ‘प्रीति योगं परस्परम् !’ પ્રભુને પણ એના ઉપર હેત ઊપજ્યું . મહારાજે એને પોતાની પાસે રાખી લીધો. ગાનવિદ્યાથી પ્રભુને પ્રસન્ન કરવાની યુવાનની મનીષા પણ એ રીતે સંતોષાતી. મહારાજે પછી એને બુરાનપુર શાસ્ત્રીય સંગીન વિશેષ અધ્યયન માટે મોકલ્યો. ત્યાં સંગીત તથા કાવ્યકળાના શાસ્ત્રીય શિક્ષણથી રાગ, તાલ, અને યતિમાત્રા વગેરેનું એનું જ્ઞાન વધુ વિકાસ પામ્યું. અંતે મહારાજે એને પોતાના હસ્તે ચંદન ચર્ચિ, તિલક કરી, કંઠી બાંધી , નીજ્બોધાનંદ નામ આપી પોતાના સંતસમાજમાં અપનાવી લીધો. સાધુ થયા બાદ, નીજબોધાનંદની કસોટી પહેલે દિવસથી જ શરૂ થઇ. શ્રીજીમહારાજે દીક્ષા દઈને કહ્યું: “ સ્વામી તમારી સારંગી મારી પાસે મૂકી ને જ જજો અને કલમ પણ ! નીજ્બોધાનંદ દિગ્મૂઢ થઈને કહે: “પ્રભુ કાવ્યો હવે ન રચું ને સંગીત ન કરૂ?” “ નાં સ્વામી !” મહારાજે સ્વામીનો હાથ હાથમાં લઈ માળા આપતા કહ્યું : “ લો આ માળા ફેરવજો. સંતને કલા ને કૃતિનો પણ મોહ ન રાખવો. એ કોને કાજે છે તેનો વિચાર વધારે ખપનો છે.” “પ્રભુ પણ અભ્યાસ છૂટી જશે તો ..... “એવી શંકા ન કરશો, સ્વામી ! હમણાં એ દિશા જ બંધ થઇ. પહેલા દર્શન. શ્રવણ ને સ્મરણની દ્રઢતા લાવવી, ચિત્ત પ્રભુમાં જોડી દેવું. થશે ને ?” “હા પ્રભુ!” સ્વામીએ હા ભણી. સહજાનંદ સ્વામીએ નિજબોધાનંદને એમનું મન કલા ભક્તિમાંથી ઊતરી પ્રભુ ભક્તિમાં ચોંટે એ માટે સંગીત અને કાવ્યથી અળગા કર્યા . જેથી સંગીત અને કાવ્ય રચના સાધ્ય મટી પ્રભુના ગુણગાન ગાવાનું સાધન બને. એટલું જ નહિ, સંગીતનો કાબૂ એમનાં પર ન રહે પણ સંગીત પર એમનો કાબૂ આવી જાય. માટે વ્યસનમુક્તિની પેઠે સાજ અને અવાજની મુક્તિ જરૂરી હતી. માણસનું મન કોરા કાગળ જેવું બની જાય પછી જ પ્રેમલક્ષણા ભક્તિનો ખરો રંગ ચઢી શકે છે. પ્રખર વક્તાને મૂંગા રહેવા દેવા જેવી અને સતત રખડતા પ્રવાસીને જેલમાં પૂરવા જેવી આ સજા હતી , પણ નિજબોધાનંદે કાંઈ પણ દલીલ કર્યા વગર આઠ મહિના એમની પ્રિય સારંગી વિના ઘેલા નદીના કાંઠે બેસીને નિષ્કુળાનંદ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતાં કરતાં કાઢી નાખ્યા. આ રીતે કસોટીમાં સોળવલા ઠરતા, એક દિવસ શ્રીજીમહારાજે ગીત, સંગીત અને સાંજની મહેફિલ ખડી કરવા નિજબોધાનંદને એમની અમાનત સારંગી પાછી સોંપી એટલે એમણે એ મહારાજની સામે ધરી, મહારાજે સ્પર્શ કરી તેના તારને ઝણઝણાવ્યા. મહારાજની આજ્ઞા મળતા સ્વામીએ સાજ ઉપર સૂર રેલાવી ગાવા માંડ્યું: ‘ દરદ લગાડી રહ્યા દૂર છો, રસિયા વાલમ. દરદ ૦ ‘ એમની આ દર્દીલી રચનાથી શ્રીજીમહારાજ ખૂબ પ્રસન્ન થયા અને સ્વામીને પોતાની સમીપ બોલાવી પોતાના કંઠમાંથી પુષ્પમાળા કાઢી તેમને પહેરાવી કહ્યું: “સ્વામી! તમારા કીર્તનમાં પ્રેમની અનોખી મસ્તી છે, માટે આજથી તમારું નામ અમે પ્રેમાનંદ રાખીએ છીએ. ”પછી મહારાજે સભાને કહ્યું : “રસિયાજી રાખોને હજૂર ......... એવી સ્વામીની આર્ત પ્રાર્થનાનો અમે સ્વીકાર કર્યો છે. આજથી પ્રેમાનંદ સ્વામી સદાય અમારી હજૂરમાં રહેશે” આ સાંભળી સભામાં જયઘોષ થયો. સ્વામીએ મહારાજને દંડવત્‌ પ્રણામ કરીને તરત જ ગયું : ‘પ્રેમાંનાદ કહે સુખેથી રહીશું . હો અમે સુખેથી રહીશું હજૂર રે, હો રસિયા વાલમ!’

વિવેચન

આસ્વાદ : શ્રીકૃષ્ણ ગોકુળથી મથુરા ગયા ત્યારે કૃષ્ણ વિયોગે ઝૂરતી ગોપાંગનાઓની વિરહ વેદના અકથ્ય હતી. આવી જ ઉત્કટ વિરહ વેદના અને હરિદર્શનની પ્યાસ પ્રેમાનંદે આ પદમાં વ્યક્ત કરી છે. ગોપીની જેમ પ્રેમસખી પણ પ્રથમ આક્ષેપ કરી પ્રભુને મીઠો ઉપાલંભ આપતા કહે છે,ઓ રસિયા વાલમ ! તમે અમને તમારી રૂપમાધુરીથી મોહિત કરી અમારું હૈયું ચોરી લઈ અમને તમારા પ્રેમનું મીઠું દરદ લગાડી, હવે અમારાથી દૂર રહીને વિયોગે બળતા અમારાં હૈયાને જોયા કરો છો, એ શું સારું કહેવાય ? આ દરદ કેટલું કારમું છે એની ખબર છે તમને ? તમે તો અમને દુઃખના દરિયામાં ઉતારી દીધા છે. શું આ તમને યોગ્ય લાગે છે? આ બધું દુઃખ –દરદની પીડા –કેમ આવ્યું એની ખબર છે તમને ? તમારે જ કારણે, હા તમારે જ લીધે આ પીડા આવી છે, તમે જ અમને મોરલીની તાનમાં એવા ગરકાવ કરી દીધાં કે અમને અમારું જ ભાન ન રહ્યું., અમે અમારી જાતને ભૂલી ગયા, એમાં વળી તમારી આંખોના ઈશારાઓએ તો અમને મોહી લીધા. સાન ભાન ભૂલેલા અમને ઓ હરિવર ! તમે એવા તો તમારા રૂપમાં- તમારા સલૂણાં‌ સ્વરૂપમાં ઘેલાં કરી ગળાડૂબ ડૂબેલા અમને હવે તમારા વિના એક ક્ષણ પણ કેમ ગમે? અને એટલે જ વહાલા! તમને કહું છું. આ દિલમાં દુઃખનો પાર નથી. પ્રેમાનંદે પોતાની વિરહ વેદના વ્યક્ત કરતાં અંતે પ્રભુને પ્રાર્થતા ગા‌યું છે: “વદન દેખાડો વહાલા ; રસિયાજી રાખોને હજૂર રે .“ પ્રભુ તારા દર્શન દઈ અમને હંમેશને માટે રસિયા, તારી હજૂરમાં જ રાખ, તારા સામીપ્યમાં જ રાખ, તારા સ્વરૂપમાં જ રાખ એવી અમારી પુન: પુન: પ્રાર્થના છે. આ ક્વ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે . એમની વાણીમાં કોમળતા ને માધુર્ય સહજપણે ઊતરી આવે છે. આ એક સુંદર સુગેય પદ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
5
1