આવું નો’તું કરવું નાથજી રે, ચાલ્યા મારગડામાં મેલી નાથ ૨/૪

આવું નો’તું કરવું નાથજી રે, ચાલ્યા મારગડામાં મેલી નાથ-ટેક.
અમને છળ કરીને તમે છેતર્યા રે, નાખ્યાં દુ:ખને દરિયે ઠેલી નાથ-૧
હવે અમે કે સામું જોઈ જીવશું રે, કેને પાસે જાઈને બેસશું નાથ-૨
કેની વાતુ સુણી શાંતિ વળે રે, કેને આગળ દુ:ખડાં કહેશું નાથ-૩
દુ:ખના ડુંગર તે તૂટી પડયા રે, દુ:ખના દરિયા ઉછળતા આજ નાથ-૪
અમારી દૃષ્ટિથી અળગા થયા રે, સહજાનંદજી શ્રીમહારાજ નાથ-૫
પુણ્ય અમારાં સહુ આવી રહ્યાં રે, તમ વિના ઊગ્યા દુ:ખના ડાભ નાથ-૬
હવે અમે અભાગિયા થઈને રહ્યા રે, હરિ અમે હાર્યા સર્વે લાભ નાથ-૭
દુ:ખના દિવસ વાંસે ક્યાં હતા રે, અમે આવું પે’લું નો’તું જાણ્યું નાથ-૮
અમે શું જાણું જે તમે મેલશો રે, મહાવન માંહી અમારો સાથ નાથ-૯
આકાશ તૂટી કેમ પડતું નથી રે, પૃથ્વી કેમ નથી દેતી માગ નાથ-૧૦
પાપી પિંડ તે કેમ પડતો નથી રે, કાટતો કેમ નથી કાળો નાગ નાથ-૧૧
કઠણ છાતી કેમ ફાટતી નથી રે, ચાલ્યા મેલી શ્યામ સુજાણ નાથ-૧૨
શું સુખ લેવાને વાંસે રહ્યા રે, જાતાં કેમ નથી પાપી પ્રાણ નાથ-૧૩
દુ:ખની સીમા તે આવી રહી રે, એથી દુ:ખ બીજું ન કે’વાય નાથ-૧૪
દુ:ખિયો પ્રેમાનંદ વિનતિ કરે રે, સ્વામી કરજો અમારી સહાય નાથ-૧૫
 

મૂળ પદ

સુખના સાગર શ્રીહરિ રે;

મળતા રાગ

ગરબી
ઢાળ : ગોકુળ વહેલા પધારજો રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી