સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય ૧/૪

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય-૦૧
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય-૦૨
સુંદર મૂર્તિ શ્રીમહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ-૦૩
સુંદર કરતા લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરીખાં વેણ-૦૪
શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ-૦૫
હસતાં હસતાં હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રીઘનશ્યામ-૦૬
સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જરકસિયા કોઈ વાર-૦૭
ગુચ્છ કલંગી તોરા ખોસતા રે, ગજરા બાજુ ગુલાબી હાર-૦૮
એ છબી જોવા તલખે આંખડી રે, મધુરાં વચન સાંભળવા કાન-૦૯
એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવનપ્રાણ-૧૦
 

મૂળ પદ

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૮૬ન જેઠ સુદ ૧૦ને દિવસે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા. પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાંનિધ્યમાં અનિમેષ નેત્રે પ્રભુની રસરૂપ મૂર્તિનો આસ્વાદ જેણે સતત પંદર વર્ષ સુધી રસ-લોભી ભ્રમરની પેઠે અનન્યભાવે માણ્યો હોય એ પ્રેમસખી પછી એ રસિક પ્રિયતમ વિના કેવી રીતે રહી શકે? પ્રભુના ચીરકાલિન વિયોગમાં વિરહાકુળ પ્રેમાનંદ સજળનેત્રે શ્રીજીને સંભાર્યા કરતા. એમનું વ્યથિત હૈયું હંમેશાં ગયા કરતુ – ‘પ્યારે બિસરત નાહી બિસારે.’ એ પ્રિય મૂર્તિ તો વીસરી વિસરાતી નથી. એના સાં‌નિધ્ય વિના હવે પળવાર પણ ગોઠતું નથી. રહેવાય નહિ અને સહેવાય નહિ એવી એ સ્થિતિ હતી. શ્રીજીમહારાજના સામિપ્યમાં ગાળેલી એ યાદગાર ક્ષણોના સ્મરણમાં જ સ્વામી દિવસો ટૂંકા કરતા હતા. એમ કરતા સં. ૧૮૮૭ના કાર્તિકી સમૈયાનો પ્રસંગ આવ્યો. હજારો સત્સંગીઓ સમૈયા પર વડતાલ આવ્યા હતા. સ્વામી પણ એ પ્રસંગે ગઢડાથી વડતાલ આવેલા . લગભગ પંદરથી વીસ હાજર સત્સંગીઓનો સમુદાય મળેલો હતો. આચાર્ય શ્રી રઘુવીરજી આ પ્રસંગે મંદિર અને સભામંડપ વચ્ચેના ચોકમાં વચ્ચોવચ્ચ મોટી પાટ મુકવી સભા ભરી હતી. શ્રીહરિના અંતર્ધાન થયા પછીનો આ પહેલો સમૈયો હતો. સૌ શોકમગ્ન હતા. કોણ કોને સાંત્વન આપે? સભામાં ધ. ધૂ. આચાર્ય મહારાજશ્રીએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું: ‘ સ્વામી ! મેં સાંભળ્યું છે કે જ્યારથી શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા છે ત્યારથી આપે સારંગી કે સિતાર સ્પર્શ સુદ્ધાં નથી કર્યો, પણ આજે સર્વે હરિભક્તોને દિલાસો દેવાની જરૂર છે. એ તમારા વિના, સ્વામી ! કોણ કરી શકશે? માટે એમનાં અંતરમાં ગરભાયેલા દુઃખનું તમે સંગીતના સૂરો રેલાવીને ભાન કરવો. એમની અંતરતમ વ્યથાને વાચા આપો તો જ એમનાં હૈયા રૂદનનાં‌ અશ્રુમાં ભિંજાઈને હળવાં‌ થશે . આચાર્યશ્રીના આગ્રહમાં સંતો પણ ભળ્યા. સૌએ સાથે મળીને સ્વામીને ખૂબ સમજાવ્યા ત્યારે શોકમગ્ન બનેલા એ સંત ઊભા થયા. શ્રી રઘુવીરજી મહારાજે એમનાં હાથમાં સારંગી આપી. બીજા એક સંતે સિતાર લીધી. શોકમગ્ન સભામાં પળવારમાં સર્વના અંતરને મુખરિત કરતી સારંગી રડી ઊઠી. સ્વામીએ ખરાજ્માં હૈયાને ઊલેચીને ગાવા માંડ્યું: ‘સજની શ્રીજી મુજને સાંભર્યા રે , હૈડે હરખ રહ્યો ઊભરાય. સજની શ્રીજી મુજને સાંભર્યા રે .’ સભામાં સાંભળનાર સૌ સજ્જડ થઈ ગયા ! આ તે કેવા સંત ? એના હૈયાના ભાવ કેવા? આમને તો શ્રીજી સાંભરતા જ હૈયે હર્ષ વ્યાપે છે. આ તો પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ! શ્રીજીની યાદ આવતાં અંતરમાં આનંદ ઊભરાય છે અને મન દર્શન માટે વ્યાકુળ બને છે. પણ હાય ! પ્રભુ ક્યાં? પ્રભુના વિયોગના વિચારે ફરી મન રડી ઊઠે છે. ‘નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય. ‘ વિયોગાવસ્થામાં પ્રિયતમનું સ્મરણ જ વિરહના દુઃખની એક માત્ર દવા છે.વિ‌રહાગ્નિ‌માં બળતા હૃદયને એનાથી કાંઈક શાતા મળે છે. એટલે કવિ ફરી શ્રીજીના સ્વરૂપનું તથા એમનાં રસ શૃંગારનું સ્મરણ કરી દુઃખી હૈયાને સાંત્વન આપતા આગળ ગાય છે: ‘સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ; સુંદર કરતાં લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરખાં વેણ . શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ; હસતા હસતા હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ.’ પણ અંતે તો એ છબીને જોવા માટે એમનું હૈયું તડપ્યા જ કરે છે. ‘એ હરિ મળવાને હૈડું તપે રે .......’ સભા આખી પ્રેમસખી સાથે વિરહાશ્રુના ઘૂઘવતા વારિમાં વહી ગઈ. આ પ્રસંગે હાજર રહેલ એક સત્સંગીએ પોતે નજરે નિહાળેલી આ પ્રસંગની અસરકારકતાને શ્રી ઈશ્વરદાસ મશરૂવાલાએ ‘પ્રેમાનંદ સ્વામીના જીવન ચરિત્રની ઝાંખી ‘ નામના લેખમાં આ પ્રમાણે આલેખી છે: ‘તેમના સુમધુર કંઠમાંથી નીકળતા છાતીને ફાડી નાખનારાં આ વિરહનાં પળોએ, જેમ જેમ સ્વામીના સૂરની ગતિ વધતી ગઈ તેમ તેમ ત્યાં બેઠેલા અને ઊભેલા શ્રોતાઓનાં હૃદય ચીરવા લાગ્યા અને અશ્રુની ધારા બેય ચક્ષુ દ્વારા વહેવા લાગી. હાજર રહેલા આબાલ વૃદ્ધજનોમાંનથી કોઈનાં પણ નેત્રો અશ્રુ સાર્યા વગરના રહેલા નહિ. અને ચારે પદ પૂર્ણ કરતાં પહેલા જ સ્વામી તો નિશ્ચેષ્ટ થઈને ધરણી‌ ઉપર ઢળી પડ્યા હતા.૧(‘પેમાનંદ સ્વામીના જીવનચરિત્રની ઝાંખી’ લે. અ. નિ. ઈશ્વરદાસ મશરૂવાલા.) ત્યારબાદ આ ગરબીઓ પ્રેમસખીએ અમદાવાદ મંદિરમાં પણ પ્રસંગોપાત ગાઈ હતી અને ત્યાં એકઠા થયેલા હજારો સત્સંગીઓનાં નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહ્યો હતો. એની સ્વાનુભૂત નોંધ કવીશ્વર દલપતરામે લીધી છે.૨(‘બુદ્ધિપ્રકાશ’ -૧૮૬૧ ની ફાઈલ .) ઉત્પત્તિઃ- સમગ્ર સ્વાશ્રિતગણને શોકસાગરમાં ડૂબાડી દેતી સંવત ૧૮૮૬ની ઘડી આવતાં પ્રેમસખી પ્રેમાનંદસ્વામીની વિરહી અવસ્થા કેવી સર્જાણી હશે ! એ કહેવું અશક્ય છે. જેઓ હરિની હૈયાતીમાં પણ એક ક્ષણની અલગતા સહી ન શક્તા, જેમ ગાય વિના વાછરડું ઝૂરે, પાણી વિના માછલું તરફડે અને મા વિના બાળક વલવલે તેમ સ્વેષ્ટદેવ સ્વધામ સિધાવતાં પ્રેમાનંદસ્વામી વિરહ, વ્યથા, અને વ્યાકુળતામાં ઝૂરી ઝૂરીને અચેતન બની ગયા. કહેવાય છે કે ત્યારે એ પ્રેમમૂર્તિની આંખોમાંથી આંસુને બદલે લોહી ટપક્યું હતું. ૧૪-૧૪ વર્ષના સહજીવનનો સંયોગાનંદ માણ્યા પછી વિયોગાત્મક જીવન જીવવું કેટલું અસહ્ય હશે! એ તો પ્રેમાનંદસ્વામીને જ ખબર હોય, ‘ઘાયલ કી ગત ઘાયલ જાને દૂજો ન જાને કોઈ.‘ તેમ સર્વ સુખના નિધાન સહજાનંદ સિધાવતાં જીવન જીવવામાં કોને રસ હોય ? સંગીતપ્રિય પ્રેમાનંદસ્વામીએ તો શ્રીજી સ્વધામ પધાર્યા પછી પોતાની સારંગીને અભરાઈએ મૂકી દીધી. જે સારંગીના સથવારે શ્રીહરિને સેવ્યા હતા, રાજી કર્યાં હતા અને અનેક પદો ગાયાં હતાં, છતાં તેને તજતાં વાર ન લાગી. તેને થયું કે મારા સંગીતનો સૂર સરી ગયો. પ્રાણ ચાલ્યો ગયો. હવે હું શું વગાડું! શું ગાઉં! કોને સંભળાવું ? એ તો સૂરનિધિ સહજાનંદને શોધવામાં સ્વભાન ભૂલી ગયા. પદ રચના થંભી ગઈ, કલમની શાહી સુકાઈ ગઈ, સમય જતાં હરિજયંતી અને કાર્તિકી પૂનમનો સમૈયો ઊજવવા સૌ વડતાલમાં એકત્રિત થયા. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે પ્રેમાનંદસ્વામીને પણ સ્વસારંગી સાથે આ સમૈયામાં સામેલ થવાની આજ્ઞા કરી. શ્રીજી ધામમાં પધાર્યા પછીનો આ પહેલો જ સમૈયો હતો. સંતો-ભક્તોનાં હૃદયમાં હજુ શ્રીજીનો શોક શમ્યો નહોતો ત્યાં તો સત્સંગની ‘મા’ એવા સંનિષ્ઠ સદ્ગુરુ મુક્તાનંદસ્વામીએ વિદાય લીધી. વિચારો! જેનાં મા અને બાપ- બંને સિધાવી ગયાં પછી એ સત્સંગી બાળકોની કેવી દશા થઈ હશે ! જેણે ખાંતે ખવડાવ્યા, રંગે રમાડ્યા, એવા પ્રાણ આધારની વિયોગની વાત મારી કલમ લખી શક્તી નથી. અક્કલ કામ નથી કરતી કે એ પ્રેમી ભક્તોની કેવી દશા હશે! પણ એ કલ્પનાને તાદ્રશ્ય કરતો એક અદ્ભુત પ્રસંગ આપણે જોઈએ. કવિ દલપતરામે નજરો નજર જોઈને ઈતિહાસને પાને નોંધેલ આ એક વાસ્તવિક નરી સત્ય ઘટના છે. એ વડતાલના સમૈયામાં વીસ હજારથી વધારે ભક્તોની વિશાળ સભામાં દસ ફૂટના ઊંચા મંચ પર પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલા પ્રેમાનદસ્વામીને બેસાડી આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે કહ્યું કે, ‘સ્વામી! આજે તમારે કીર્તનો ગાવાનાં છે.’ ત્યારે સ્વામી કહે, ‘ મહારાજ ધામમાં સિધાવ્યા પછી મેં ગાવું, વગાડવું છોડી દીધું છે. હું ગાઈ શક્તો નથી.’ ‘પણ સ્વામી! તમે ગાશો કે વગાડશો એ કાંઈ ઈન્દ્રિયોના સુખ માટે થોડું છે? આપનાં કીર્તનોથી તો શ્રીજીની યાદ તાજી થશે. અને અખંડ સ્મૃતિ રહેશે. માટે સ્વામી આજે અમારી આજ્ઞા છે કે આ સારંગી વગાડી કીર્તનો ગાઈ આ બધા ભક્તોના અંતરમાં ઘૂમી રહેલી વિરહવેદનાને બહાર ખેંચી લાવો. અને સૌના હૈયા હળવા કરો.’ એમ કહી આચાર્યશ્રીએ સારંગી સ્વામીના હાથમાં મૂકી એટલે ના છૂટકે સારંગી લઈ સૂરમાં મેળવી સ્વામી શ્રીહરિનાં સંસ્મરણો યાદ કરવા લાગ્યા. જ્યાં હરિ બેસતા,પોઢતા, ઊઠતા, સભા કરતા અને માણકી ફેરવતા એ આદિક પ્રસંગો અને સ્થળોને સંભારી વિરહાત્મક રાગમાં લાંબાઢાળે નવરચિત પ્રસ્તુત કીર્તન શરૂ કર્યું. આવો ! આપણે પણ પ્રસ્તુત પદોમાં રહેલ સંયોગ-વિયોગના આસ્વાદને માણીએ.

વિવેચન

આસ્વાદ : પ્રેમીભક્ત કવિ પ્રેમાનંદ સ્વામી શ્રીજીમહારાજના વિયોગે વિરહાકુળ થઈ અંતરના આવેગને જયારે ખાળી નથી શકતા ત્યારે એમની વિરહવ્યથાને વાચા ફૂટે છે અને રચાય છે એક કરુણ પ્રશસ્તિ ગાન ! ‘સજની શ્રીજી મુજને સાંભર્યા રે , હૈડે હરખ રહ્યો ઊભરાય. નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય.’ શ્રીજીમહારાજની વિરહની વસમી વ્યથાને હળવી કરવા કવિ એ હ્રદયસ્થ મૂર્તિને સંભારે છે, એ મૂર્તિ સાથે સંકળાયેલી સઘળી ચીજોને સંભારે છે. અને એ બધાને સંભારી તેની સાથે જડાયેલી શ્રીજીમહારાજની ચેષ્ટાઓને પોતાના સ્મૃતિજળનો અર્ધ્ય અર્પે છે. શ્રીજીના સ્મરણમાત્રથી જ કવિના હૈયે હરખ ઊભરાય છે. પણ બીજી જ પળે વિરહના વાસ્તવ ભાન સાથે જ કવિના નેત્રે આંસુઓની ધારા વહે છે અને એમનું અંતર વ્યાકુળ બને છે. વિરહી પ્રેમી દ્વારા અનુભવાતી દ્વિવિધ ભાવોર્મિઓને કવિએ બે જ પંક્તિમાં કેવી ચોટદાર અભિવ્યક્તિ આપી છે ! વિરહની આગને અંતરમાં જ સમાવીને કવિ ફરી હરિસ્મરણમાં જ મનને વાળે છે . સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ ; સુંદર કરતાં લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરખા વેણ. પ્રભુ સ્વરૂપ-સ્મરણની સાથે સાથે પ્રભુનો રસશૃંગાર તથા ચેષ્ટાઓ પણ કવિને અનાયાસે યાદ આવી જાય છે. ‘સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે....’ શ્રીજીમહારાજ મોટેભાગે શ્વેત વસ્ત્રો જ ધારણ કરતા હતા, કોઈક વાર ભક્તોના અત્યાગ્રહને વશ થઈને અંબર જરકાસિયા વસ્ત્રો પહેરતાં. આવી સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો પણ પ્રેમસખી આ પ્રસંગે ભૂલતા નથી. ‘શ્રીજીમહારાજ’ ની ‘સુંદર’, ‘મૂર્તિ’ ના મધુર સ્મરણ પછી પણ પ્રેમાનંદ સ્વામીની આતુર આંખડી એ છબીના દર્શનની અભિલાષા ઝંખ્યા કરે છે. ‘એ છબી જોવા તલપે આંખડી રે, મધુરા વચન સાંભળવા કાન ; એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવન પ્રાણ .’ કવિના હૈયાફાટ વેદનાસિ‌ક્ત સ્વરો પથ્થરને પણ પીગળાવે એવા છે. સામાન્ય રીતે પ્રિયપાત્રનું મૃત્યુ થતાં એનો વિરહ શુદ્ધ કરુણમાં પરિણમે છે.પરંતુ મરણોત્તર મિલનની આશા રહે તો એ કરુણાત્મક વિયોગ શૃંગાર ગણાય છે. પ્રસ્તુત વિજોગની ગરબીમાં પ્રેમસખી શ્રી સહજાનંદજીના અંતર્ધાન પછીના મિલનની અભિલાષા સેવે છે એટલે એ કરુણાત્મક વિયોગ શૃંગાર ગણાય. *( પ્રેમસખી પ્રેમાનંદ- લે. શ્રી હરિપ્રસાદ ઠક્કર.) પ્રસ્તુત વિજોગની ગરબી સંપ્રદાયમાં ખૂબ જ જાણીતી છે . ભાવાર્થઃ- પદનો પ્રારંભ થતાં સાંભળનારા સૌ ચકિત બન્યા, આ કેવા સ્વામી છે ? સંભારતાની સાથે જ એમનાં દિલમાં હર્ષ વ્યાપે છે. આ તો પ્રેમની પરાકાષ્ઠા થઈ. શું સ્મરણ કરવાની સાથે પ્રત્યક્ષ નિહાળતા હશે ? વળી, સંભારતાની સાથે જ આનંદ થાય છે. આ તે કેવી વાત ! II૧II કડીનો પ્રારંભ થતાં સૌને ખ્યાલ આવ્યો કે સ્મરણ સુખ તો ક્ષણનું. આનંદ ખરો, પણ નેણે આંસુની ધારા વહે તેવો. સ્વામીને શ્રીજીનું સ્મરણ થતાં, હકીકતનું ભાન થયું. ત્યાં તો સૌના કરતાં એમનાં હાલ બૂરા થયા. વિરહાગ્નિ અંગેઅંગમાં વ્યાપી ગયો. સ્વામી અચેતન બની ગયા, પણ આચાર્યશ્રીની આજ્ઞાથી કર્તવ્ય થયેલા સ્વામી સમયસર સભાન થઈ હરિસ્મરણમાં સ્વમનને વાળે છે. એ સુંદર મૂર્તિ શ્રીહરિની, કોમળ કમળ સરીખાં સુંદર નેણ, અનુપમ લટકાં લાડીલા લાલનાં સુંદર અમૃત સરીખાં વેણ. હે સજની ! આ બધું સાંભરતાં મારું મનડું વ્યાકુળ થાય છે. II૧ થી ૩II એ શોભાનિધિ સહજાનંદનાં અંગોઅંગની શોભા નીરખી કોટિ કામદેવો લજ્જિત થાય છે. મારા હરિવરનું હસવું હેત વધારે તેવું છે. એ શ્રીહરિ શ્વેતાંબર વસ્ત્રોને વધુ ધારણ કરતા. ક્યારેક જરકશી વસ્ત્રો, તો વળી ક્યારેક નવભાતી વસ્ત્રો. ક્યારેક પાઘમાં ગુચ્છ કલગી તોરા ખોસતા ઘણી વાર ગજરા, બાજુબંધ અને અગણિત ફૂલહારથી સુંદર શોભતા. એવી અનુપમ સહજાનંદની મૂર્તિને મળવા મારું મન તડપી રહ્યું છે. એ મૂર્તિમાં નિશદિન મન વળગી રહ્યું છે. મારા કાન એ મહારાજના મધુરાં વચન સાંભળવા અધીરા બન્યા છે. પ્રેમાનંદસ્વામી કહે છે કે મારા હૈયાના હાર હરિવરને હેરવા હૈયુ હરખી રહ્યું છે II૪ થી ૯II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0