નટવર નાથ નેણાંથી ન્યારારે, શા સારું થયા પ્રાણ પ્યારા; ૧/૧

પદ ૫૧૩ મું-રાગ ગરબિની તિથિઓ(૧/૧)

નટવર નાથ નેણાંથી ન્યારારે, શા સારું થયા પ્રાણ પ્યારા; નટ૦ ટેક.

પડવે ચરણ કમળને જોતારે, પ્રીતે પાંપણીયે' કરી લ્હોતાંરે;

ઉર્ધ્વરેખામાંઇ ચીત પ્રોતાં. નટ૦ ૧

બીજે બાજોટે બેસારીરે, અંગે ચંદન ચરચી મોરારીરે;

જોતાં મુખડું નિમિષ નિવારી. નટ૦ ૨

ત્રીજે ત્યાર કરીને રસોઇરે, સુંદર સુરભીતણા દૂધ દોઇરે;

જમાડતાં જુગતે કોઇ. નટ૦ ૩

ચોથે ચાખડીયું પે'રાવીરે, રેટા મોંઘા મૂલા તે મંગાવીરે;

જોતાં જીવન માથે બંધાવી. નટ૦ ૪

પાંચમે પ્યારા તમ કાજરે, માંડી માણકીયે જરી સાજરે;

તેડી જાતાં લક્ષ્મીબાગ રાજ. નટ૦ ૫

છઠ્ઠે છેલ છબીલા છેલારે, ગુંથી હાર તોરા રંગરેલારે;

પ્રીતે પે'રાવતા અલબેલા. નટ૦ ૬

સાતમે સુંદરશ્યામરે, પ્હેરી વસન ભુષણ સુખધામરે;

દેતાં દરશન પૂરણકામ. નટ૦ ૭

આઠમે અનાથના નાથરે, મળતાં મુનિવરને ભરી બાથરે;

રુડા શોભતા સંતોને સાથ. નટ૦ ૮

નોમે નાથજી હેતે બોલાવીરે, દેતાં હાર હેત ઉપજાવીરે;

ક્યારે એ સુખ દેશો આવી. નટ૦ ૯

વહાલા દશમે તે દુ:ખીયાં કીધારે, તમે નોખા થઇ દુ:ખ દીધારે;

સહુના પ્રાણ હરીને લીધાં. નટ૦ ૧૦

વહાલા એકાદશીને દનરે, પૂજા કરતાં પ્રીતે જીવનરે;

તે સંભારી તપી આવે તન. નટ૦ ૧૧

વહાલા બારસે તે બહુનામીરે, ફળિયામાં સભા કરી સ્વામીરે;

દેતાં મહા સુખ અંતરજામી. નટ૦ ૧૨

વહાલા તેરસે થઇ ત્યારરે, થઇ માણકીયે અસવારરે;

ન્હાવા જાતાં પ્રાણઆધાર. નટ૦ ૧૩

ચૌદસે ચિંતા ઘણી થાયેરે, કેમ નાવ્યા ત્રિભોવન રાયેરે;

રખે રસિયો વિસરી ન જાયે. નટ૦ ૧૪

પુનમે પધારે જો પ્યારોરે, કરી રાખું હાર હજારોરે;

નટવર મારા નેણાંનો તારો. નટ૦ ૧૫

આવ્યા સંભારતાં સુખરાસીરે, કીધી કૃપા જાણી નિજ દાસીરે;

આજ અઢળ ઢળ્યા અવિનાસી. નટ૦ ૧૬

કરી વિનય કવિ પાય લાગેરે, ગાઇ તિથિઓ એ વર માંગેરે;

રહો નાથજી નેણાંની આગે. નટ૦ ૧૭

પ્રીતે તિથિઓ જે ગાશે સાંભળશેરે, તેનાં જનમ મરણ

દુ:ખ ટળશેરે; પ્રેમાનંદનો સ્વામી તેને મળશે. નટ૦ ૧૮

મૂળ પદ

નટવર નાથ નેણાંથી ન્યારારે, શા સારું થયા પ્રાણ પ્યારા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી