પ્રભુ ઇશના ઇશ સર્વેશ સ્વામી નમુ દેવના દેવ ધામી અકામી ૧/૧

પ્રભુ ઇશના ઇશ સર્વેશ સ્વામી, નમુ દેવના દેવ ધામી અકામી,
દયાળુ કરો સુખ દુઃખો વિદારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૧
વિભુ આપજો શક્તિ કલ્યાણકારી, વળી ટાળજો નાથ બુદ્ધિ નઠારી,
ન લાગે કદિ સંગ ચિત્તે નઠારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૨
પ્રભુ પ્રીત જામે સદા ભક્તિમાંયે, તમારો કદી આશરો ન તજાયે,
મળે સંત ને ભક્તનો સંગ સારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૩
ટળે કામને ક્રોધ જે લોભ આદિ, મટે ગાઢ અજ્ઞાન જે છે અનાદિ,
બળે અંતરેથી બૂરા સૌ વિકારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૪
તૂટે પ્રીત સૌ ફેલફિતુરમાંથી, નીતિ ભક્તિનો થાઉં સ્નેહે હું સાથી,
બનુ ભક્ત સાચો કરી દેહ ન્યારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૫
સદા ધર્મના નીમ પાળું તમારાં, તમોને તજે તેહ જાણું નઠારા,
ભજે જે તમોને મને તેહ પ્યારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૬
તમારું હદે જ્ઞાન ચોખ્ખું ભરાયે. મહિમા હંમેશાં વધારે જણાયે,
ડગે ના કદિ ધર્મના સદ્વિચારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૭
છૂટે દેહ કે કોઇ સર્વસ્વ લૂંટે, કદાપિ ખૂટે ન અન્ન ના નેહ તૂટે,
દઇ એટલું હાથ ઝાલી ઉગારો, મને શ્રીહરિ આશરો છે તમારો...૮

મૂળ પદ

પ્રભુ ઇશના ઇશ સર્વેશ સ્વામી

મળતા રાગ

પ્રાર્થના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી