બનબન બોલત મોર, બનબન બોલત મોર, મીલ સોર મચાયે કોકિલા કુહકત ૩/૪

બનબન બોલત મોર, બનબન બોલત મોર,
				મીલ સોર મચાયે કોકિલા કુહકત...ટેક.
દમકત દામીની, ચમકત કામીની, બાદર બુંદન બરખન લાગે-બન૦ ૧
ગર્જ ગર્જ ચઉઓર અંબર છાયલીનો, દાદુર ચાત્રુક સુની અતિ અનુરાગે-બન૦ ૨
અવની આનંદ ભઈ, તન કી તપત ગઈ, નવપલ્લવ તન દુ:ખ દૂર ભાગે-બન૦ ૩
પ્રેમાનંદ રાગ મલાર અલાપત, ગાવત શ્રીઘનશ્યામ કે આગે-બન૦ ૪
 

મૂળ પદ

ગુનિજન ગાવત ગુનિજન ગાવત, રાગ મલાર અલાપત

મળતા રાગ

ધુરિયો મલાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

ગઢડામાં એક વાર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા ભરીને વિરાજમાન હતા. ત્યાં એક ખેડૂત ભક્ત હાંફળો હાંફળો દોડતો દોડતો આવીને દંડવત્‍ પ્રણામ કરી સભામાં હાંફતો બેઠો. ડોસાના ચહેરા પર ઘેરી ચિંતાના ચિહ્‌ન સ્પષ્ટ વર્તાતા હતાં. કથા પૂરી થતા શ્રીજીએ ભગતને ક્ષેમકુશળ પૂછ્યા. ભગતે હાથ જોડીને કહ્યું: “મહારાજ ! આપ તો કરુણાનીધાન છો. કૃપાસાગર છો, માટે નાથ! અમારા ઉપર દયા કરો.” મહારાજે એક દ્રષ્ટિ સંત-હરિભક્તોની સભા તરફ નાખતાં કહ્યું: “ ભક્તરાજ! સંકોચ છોડો, જે તકલીફ હોય તે કહો. અમે તમારું દુઃખ અવશ્ય દૂર કરીશું.” ડોસો પહેલાં તો મૂંઝાણો‌, પણ પછી તેણે દર્દભરી વાણીથી કહ્યું: ‘મહારાજ! આપ તો જાણો છો, માથે ચોમાસું જવા બેઠું છે, છતાં હજીએ ટીપું વરસાદ થયો નથી અને મોલ સુકાય રહ્યા છે. દુષ્કાળના એંધાણ તો, મહારાજ ! અમારાં કાળજા કોરી ખાય છે. બટકા રોટલા કાજે છોકરાને ટળવળતા કેમ જોવાશે? હે પ્રભુ ! હે કૃપાનાથ ! કૃપા કરીને મેઘરાજાને આજ્ઞા કરો તો એ મન મૂકીને વરસે ને અમારું વરસ સુધારે.” આ સાંભળીને શ્રીજીના નેત્રો સજળ થયા. એમણે સભામાં પરમહંસો તરફ કરુણા દ્રષ્ટિ કરી કહ્યું: “સંતો ! નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયેલો ત્યારે વરસાદ થયેલો. આ સભામાં પણ મોટા મોટા નંદ સંત ગવૈયા કવિઓ બેઠા છે, એમાંથી જો કોઈ મલ્હાર રાગ ગાય તો જરૂર વરસાદ વરસે.” મહારાજના ગર્ભિત સૂચનથી પ્રેરાઈને સભામાં બેઠેલા પ્રેમ-સખી સ્વામી ઊભા થઇ, શ્રીજીને બે હાથ જોડી પ્રાર્થતાં બોલ્યા: “મહારાજ શી આજ્ઞા છે?” “સ્વામી! આ ખેડૂત ભક્ત વરસાદ માટે અહીં આપણી પાસે આવ્યો છે. તમે મલ્હાર ગાઈ વરસાદ લાવી શક્થો?” મહારાજે સ્વામીને ચકાસ્યા. “મહારાજ! અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ, સર્વાવતારી, પૂર્ણ પુરુષોત્તમ કૃપા કરી આજ્ઞા કરે તો એની આજ્ઞાથી શું અશક્ય છે?” સ્વામીએ પ્રેમભાવે ગદ‌્‌ગદ સ્વરે કહ્યું. પ્રેમસખીનો પ્રત્યુત્તર સાંભળી મહારાજ અતિ પ્રસન્ન થયા. એમણે પોતાનો વરદ્‌ હસ્ત ઊંચો કરી કહ્યું: “ભલે .... ભલે , સ્વામી! તમને અમારાં અંતરના આશીર્વાદ છે.” પ્રેમાનંદ સ્વામી મહારાજને પગે લાગી સભામાં બેઠા. મહારાજની મૂર્તિમાં વૃતિ એકાકાર કરી. એમણે સિતાર હાથમાં લીધી. થોડી વારમાં એ સંત કવિની કોમળ કોમળ અંગુલીઓ સિતાર પર નર્તન કરવા લગી,સાથે જ તબલા પર ત્રીતાલની ગત ગર્જી ઊઠી. સમગ્ર સભા શાંત ચિત્તે પ્રેમસખી પ્રત્યે અનિમેષ નેત્રે જોઈ રહી. અવતારના અવતારીની આજ્ઞાને અનુસરીને સ્વામીએ હૃદયના અતળ ઊંડાણમાંથી મલ્હારના સ્વરોને છેડ્યા. ‘બન બન બોલત મોર, બન બન બોલત મોર; મિલ શોર મચ્યો કોકિલા ટહુકત :.... ‘ ધીરે ધીરે રાગ જામતો ગયો તેમ તેમ પ્રકૃતિના પારદર્શક રંગ પણ પ્રતિકક્ષણે પલટતા ગયા. સૂકાભાટ રણ જેવા આકાશમાં ઝીણી ઝીણી વાદળીઓ ન જાણે ક્યાંયથી ફૂટી નીકળી! ભીની ભીની ખૂશ્બુથી વાતાવરણને તરબતર કરી દેતો પવન મંદ મંદ મંથર ગતિએ લહેરાવા લાગ્યો. મોરના ટહુકાર ને કોયલના કૂજનથી વર્ષાનાં એંધાણ હવે સ્પષ્ટ વર્તાવા લાગ્યા. પ્રેમસખી મસ્ત બનીને મલ્હાર ગાયનમાં નિમગ્ન થયા હતા. ગાયકી એની પરાકાષ્ઠાએ પહોંચતા પ્રકૃતિનો મિજાજ પ્રતિક્ષણે પલટાતો હતો. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા પણ મલ્હારના ગાન સાથે તાલ મિલાવી રહ્યા. આકાશમાં ઘનઘોર વાદળાં ઊમટી આવતાં ઘોર અંધારું છવાઈ ગયું અને એકાએક કડાકા અને ભડાકા સાથે વીજળીના ચમકારા થવા લાગ્યા. ક્ષણ બે ક્ષણમાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સંત હરિભક્તોનો આનંદનો પાર ન રહ્યો. વર્ષાની એ હેલીમાં પાણી નહિ, નર્યો આનંદ જ નીતરી રહ્યો હતો.પેલો વૃદ્ધ ખેડૂત તો આનંદનો માર્યો વરસતા વારિમાં મહારાજ સામે નાચવા મંડી પડ્યો. પછી શ્રીજીને દંડવત્‍ પ્રણામ ઉપર પ્રણામ કરતાં ગદ‌્‌ગદ કંઠે નીતરતા નયને શ્રીજીની નયનરમ્ય મૂર્તિને નીરખી રહ્યો. પ્રેમાનંદ તો પ્રેમમસ્ત બની વરસતા વરસાદ વચ્ચે પણ હરખભેર ગાઈ રહ્યા હતા: “અવની આનંદ ભાઈ, તનકી તપત ગઈ, નવપલ્લવ તન દુઃખ દૂર ભાગે; પ્રેમાનંદ રાગ મલાર અલાપત, ગાવત શ્રી ઘનશ્યામ કે આગે.” સ્વામીએ ગાયન પૂરું કરી શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવ્યું. મહારાજે પ્રસન્નતાપૂર્વક પ્રેમસખીને, હાથ પકડી, ઊભા કરી, પોતાની છાતી સરસા ચાંપ્યા અને પછી એમનાં ઉરમાં પોતાના ચરણારવિંદ દીધા.*(શ્રીહરિચરિત્ર ચિંતામણિ‌ ભા.૨. વાત ૧૯૧ (પાન નં. ૨૯૦) લે:સ. ગુ.રૂગનાથચરણદાસજી સ્વામી) શ્રી મંજુકેશાનંદ સ્વામીએ ‘નંદનામમાળા’માં પ્રેમાંનાદ સ્વામી વિષે ગાયું છે: “પ્રેમાનંદ ગવૈયા ભારી , ગાઈ રાજી કાર્યા સુખકારી. રાગ રાગના કીર્તન કીધાં, જેને હરીએ ચરણ ઉર દીધા.”

વિવેચન

આસ્વાદ : પેમસખી પ્રેમાનંદનાં પળોમાં રાગવૈવિધ્ય ભાવાનુંકૂળ હોય છે, એમાં કવિની પ્રતિભા અને કાવ્ય કૌશલ્ય સહેજે કળાય છે. ઉપરોક્ત પદમાં , વરસાદ ન થતા મેઘને આવરકતા કવિએ મલ્હાર રાગ પ્રયોજી કાવ્યના ભાવ અને રાગનું ઔચિત્ય યથાવત્‌ જાળવ્યા છે, મલ્હારમાં પણ ત્રણ પેટા વિભાગો છે: ધુરિયો મલ્હાર, સોરઠ મલ્હાર અને સારંગ મલ્હાર, પ્રસ્તુત પદ કવિએ ધુરિયો કલ્હારમાં ગાઈ એક રાગમાં બીજા રાગની છાયા ઝીલી એનું સંયોજન કરીને એક અનોખા પ્રકારનું રાગવૈવિધ્ય આણ્યું છે. સંગીતવાદ્યનું રવાનુસારી નાદમાધુર્ય કુશળતાપૂર્વક કવિતામાં કંડાર્યું છે. અહીં સ્પષ્ટ થાય છે. વર્ષાઋતુમાં સામાન્યત: વર્ષને આહ્‌વાહન આપતા હોય એમ વનમાં મોર બોલે છે, એમ છતાં પણ જયારે વરસાદ પડતો નથી ત્યારે વન વનમાં બોલતા મોર ભેગા મળીને શોર મચાવી દે છે. કવિએ અહીં મોરનાં પ્રતીક દ્વારા વર્ષના વિરહે વ્યાકૂળ બનેલા દિનદુઃખીઓના આર્તનાદને યુક્તિપૂર્વક વ્યક્ત કર્યો છે. વરસાદ વિના દુષ્કાળના ઓળા નીચે ઠેર ઠેર ગામે ગામે વ્યથિત બનેલા લોકોના કલ્પાંત જયારે પ્રભુની પાસે પ્રાર્થનારૂપે પહોંચે છે ત્યારે કોકિલ કંઠી કૃપાનાથ (શ્રીજીમહારાજ) વરસાદના વરદાનરૂપ વાણી વદે છે. ‘મિલ શોર માંચાયો કોકિલા ટહુકત.’ કૃપાળુ પ્રભુના કથિત કૃપાવાક્યને કવિએ કોકિલાના કેલી કૂજન સાથે સરખાવી કવિતાને બહુ ઉમદા કાવ્યત્વ પૂરું પાડ્યું છે. પ્રભુની કૃપાદ્રષ્ટિ થતા જ આકાશમાં વીજળીના ચમકારા થવા માંડે છે, એ જોઇને સ્ત્રીઓમાં હર્ષનો ઉલ્લાસ વ્યાપે છે. વાદળ વરસવા માંડે છે. ભારે મેઘગર્જના સાથે ચારે બાજુ મુશળધાર વરસાદ તૂટી પડે છે. વર્ષના વિરહે વ્યાકુળ બનેલા દેડકાં ને ચાતક મેઘગર્જના સાં‌ભાળી અતિ આનંદમાં આવી જાય છે. ‘અવની આનદ ભઈ, તનકી તપત ગઈ, નવપલ્લવ તન દુઃખ દૂર ભાગે.’ વરસાદ પડતાં સર્વત્ર આનંદ છવાઈ જાય છે. એ આનંદ, દુષ્કાળનો ભય થતા, ભવિષ્યમાં આવનારી દેહ પીડાની દહેશતમાંથી મુક્તિનો આનંદ છે. દુઃખ કરતા દુઃખની ચિંતા વધુ દુઃખ દેતી હોય છે. એ ચિંતા દૂર થતાં જે આનંદ વ્યાપે છે એનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની સામે પ્રેમસખી મલ્હાર ગાય છે, એ પ્રાસંગિક કથનને કવિએ ખૂબીપૂર્વક કાવ્યાંતે ગૂંથી લીધું છે. નરસિંહની જેમ પ્રેમસખીને વર્ણાવૃત્તિમૂલક તેમજ શબ્દાવૃત્તિમૂલક અનુપ્રાસ સહજ સાધ્ય છે એ જ સ્વાભાવિકતાથી હિન્દી પદોમાં પણ સ્ફૂરે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0