માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે, ઝૂલે રૂપાળો રંગભીનો રાજીવનેણ ૧/૪

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે,
ઝૂલે રૂપાળો રંગભીનો રાજીવનેણ;
	મુખડું નીરખી નીરખી જાયે હરિને વારણે રે,
	બોલે ખમ્મા ખમ્મા કહી માતા મધુરાં વેણ...માતા૦ ૧
ઘડિયું વિશ્વકર્માએ પારણિયું બહુ શોભતું રે,
જડિયાં પારણીએ મણિ હીરા રત્ન અપાર;
	ઓપે ઓસરીએ નરનારીનાં મન લોભતું રે,
	ઝળકે સૂરજના રથ સરખું બિંબાકાર...માતા૦ ૨
પોઢયા પારણિયે હરિકૃષ્ણ ધરમસુત શ્રીહરિ રે,
પ્રગટયા પુરુષોત્તમજી અધમ ઉધારણ હાર;
	માતા હિલો ગાવે ઝૂલરાવે પ્રીતે અતિ રે,
	વહેલા મોટા થાઓ હૈડા કેરા હાર...માતા૦ ૩
માતા માખણ સાકર જમાડે જગદીશને રે,
જમો જીવન મારા પ્રાણ તમે ઘનશ્યામ;
	નીરખી હરખે માતા અખિલ ભુવનપતિ ઈશને રે;
	પ્રેમાનંદના સ્વામી પ્યારા પૂરણકામ...માતા૦ ૪
 

મૂળ પદ

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે

મળતા રાગ

રામકલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- પ્રસ્તુત પદમાં પ્રેમાનંદ સહજાનંદસ્વામીના પ્રાદુર્ભાવનો આનંદ ગાય છે. પ્રેમાનંદસ્વામીની દ્રષ્ટિએ સહજાનંદ પોતે જ પૂર્ણપુરુષોત્તમ છે. રૂપાળામાં રૂપાળા અને રાજીવ નેણ સહજાનંદ જ છે. મા ભક્તિદેવી પારણે ઝૂલાવતાં-ઝૂલાવતાં મોહનવરનું મુખડું નીરખીને વારણે જાય છે. પ્રભુના પ્રાગટ્યથી માનવ, દાનવ અને દેવતાઈ તત્વોને પણ અત્યંત ઉલ્લાસ થાય છે. વિશ્વકર્માએ ઘડેલા પારણિયાનું વર્ણન કવિ આબેહૂબ કરે છે. વળી, લાંબા કાળની બાધા કે સાધના કર્યા પછી જે માતા-પિતાને સંતતિ મળે ને જે આનંદ થાય એથીયે વિશેષ ભક્તિદેવીનો આનંદ આ પદમાં ઝીલાયો છે. II૧ થી ૪ II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી