ધન્ય ધન્ય વરતાલ હરિનું ધામ રે, ત્યાં વાલો પ્રગટ વિરાજ્યા ઘનશ્યામ રે. ૧
ધન્ય ધન્ય વરતાલપુરના લોક રે, કીધાં વાલે મુક્તિ આપીને અવિશોક રે. ૨
ધન્ય ધન્ય વરતાલનાં નરનારી રે, જેણે જોયા ધર્મકુંવર ગિરિધારી રે. ૩
ધન્ય ધન્ય વરતાલપુરના વાસી રે, જેને ઘરે પ્રગટ પધાર્યા અવિનાશી રે. ૪
ધન્ય ધન્ય વરતાલપુરની શેરી રે, વિચર્યા ધર્મકુંવર રંગલેરી રે. ૫
ધન્ય ધન્ય વરતાલની ફૂલવાડી રે, ત્યાં પ્રભુ બેસતા જઇ દા'ડી દા'ડી રે. ૬
ધન્ય ધન્ય વરતાલની વૃક્ષ વેલી રે, વિચરતા હાર છોગલાં હરિ મેલી રે. ૭
ધન્ય ધન્ય વરતાલપુરની ધરણી રે, ફર્યા પ્રભુ લેઇ સાથે મુનિ વરણી રે. ૮
ધન્ય ધન્ય વરતાલના ચોકમાંઇ રે, ધર્યો વાલે મોરમુગટ સુખદાઇ રે. ૯
ધન્ય ધન્ય પ્રભુજી રમ્યા રંગરાસ રે, વાલે સઉ આનંદ પમાડ્યા નિજદાસ રે. ૧૦
ધન્ય ધન્ય બ્રહ્માદિકના નાથ રે, રમ્યા હોળી વરતાલે મુનિવર સાથ રે. ૧૧
ધન્ય ધન્ય અબીરગુલાલ ને રંગ રે, તેણે રંગ્યા નિજજન મુનિના અંગ રે. ૧૨
ધન્ય ધન્ય બે આંબા વરતાલે રે, તેણે બાંધ્યો હિંડોળો ધર્મલાલે રે. ૧૩
ધન્ય ધન્ય પહેરી જામા જરકસીયા રે, બેઠા ફૂલડોળે ધરમસુત રસિયા રે. ૧૪
ધન્ય ધન્ય મોરમુગટ ધર્યો શિશ રે, સહુનાં સુફળ લોચન જગદીશ રે. ૧૫
ધન્ય ધન્ય સુર નર મુનિ નારાયણ રે, ફર્યા વાલો ઘોડલાની ઘુંમરે વિંટાણા રે. ૧૬
ધન્ય ધન્ય વડતાલ વૈકુંઠ કીધી રે, સઉને વાલે દેહ છતે મુક્તિ દીધી રે. ૧૭
ધન્ય ધન્ય વરતાલ લીલા રૂપ રે, સંભારતાં સાંભરે ધર્મકુળ ભૂપ રે. ૧૮
ધન્ય ધન્ય મન વાણી ગુણપાર રે, તે પ્રભુ વિચર્યા શ્રીધર્મકુમાર રે. ૧૯
ધન્ય ધન્ય હરિની લીલા અનંત રે, ગાતાં શેષ શારદા નવ પામે અંત રે. ૨૦
પ્રેમાનંદ એક રસના શું ગાવું રે, કર જોડી પ્રભુ પદ શિષ નમાવું રે. ૨૧<