એ બંકવિલોકની રસભરીરે, વદનચંદ્ર છબી ચારું;૧/૧

 

સાખી
એ બંકવિલોકની રસભરીરે, વદનચંદ્ર છબી ચારું;
અમૃત દૃષ્ટે કુમોદિની, સિચો અબલા અભય ઉદારુ વહાલા .     ગિરિ. ૧
એ વિષદ હાસ્ય અવિલોકતારે, વાધે પૂરણ પ્રીત;
કમળ કળી રવિ નિરખી, જેમ થાયે અતિ પ્રફુલ્લિત વહાલા.         ગિરિ. ૨
એ રવિજાતટ રલિયામણુરે, રમવા મન અભિલાખ;
તમ સંગ રમવા કારને, આવ્યાં સુરનારી તજી નાક વહાલા.         ગિરિ. ૩
એ શરદ સુધાકર ચાંદણીરે, પ્રફુલ્લિત કુમુદ કલ્હાર;
પારિજાત પરિમલ લઇ, કરે મધુકર મત્ત ગુંજાર વહાલા.            ગિરિ. ૪
એ બરહી બોલે મદ ભર્યારે, કલરવ કોકિલા કીર;
હંસ સારશ સ્વર સુણતાં, કરે માનની મદન તન પીર વહાલા.      ગિરિ. ૫
એ પ્રફુલ્લિત સુર તરુ શ્રીહરિ રે, ચંપા બકુલ બહાર;
માધવી માલતી મલ્લિકા, વન તરુણી મારણહાર વહાલા.           ગિરિ. ૬
એ કેસર કનક ડંડ કર ગ્રહીરે, કેતકી કુંત લઇ હાથ;
વૃંદાવન નિર્ભય ફરે, કર કુસુમાયુધ રતિનાથ વહાલા.                ગિરિ. ૭
એ પરમ પાવન રવિજા જલરે, ત્રિવિધિ વહે સમીર;
વૃંદાવન છબી વર્ણવી, થાક્યા શેષ શારદ મુનિ કીર વહાલા.       ગિરિ. ૮
એ ઉદયો સુધાધર શરદનોરે, રજની થઇ પ્રફુલ્લિત ;
રંગભર રમવા કારણે, થયાં વ્રજ અબળા પુલકીત વહાલા.        ગિરિ. ૯
એ કરુણા વાણી કાનજીરે, અબળા તણી ધરો ઉર;
અધર સુધારસ પાઇએ, કરી પ્રીતિ શ્યામ સુખપૂર વહાલા.         ગિરિ. ૧૦
એ ચાતક તરસ ટળે નહિરે સ્વાંત વિના ઘનશ્યામ ;
તાપ નિવારો તનના, કરો અબળા પૂરણકામ વહાલા.              ગિરિ. ૧૧
એ લગની લાગી લાલજીરે, જેમ ગતિ ચંદ્ર ચકોર;
અધર સુધારસ પાઇને, કરો અબળા ત્રપત ચિત્તચોર વહાલા.   ગિરિ. ૧૨
એ મોર મગન જોઇ મેઘનેરે, મીન મગન જળમાંહ્ય;
પરસી શ્યામ શરીરને, અબળા અતિ આનંદી થાય વહાલા .     ગિરિ. ૧૩
એ રવિ વિના દિવસ દીપે નહીરે, જેમ ચાંદની વિના ચંદ;
રતિ વીના મોતી ફીકું થયું,તેમ તમ વિના અબળા વૃંદ વહાલા.ગિરિ. ૧૪
એ જળ વિના કમળ શોભે નહિરે, સુમન વિના મકરંદ;
તમ વિના તેમ વ્રજવિનતા, જેમ અર્થ વિના શ્રુતિ છંદ વહાલા. ગિરિ. ૧૫
એ રાસરમણ રસ પાઇયેરે, નટવર નંદકિશોર;
હમે વૃંદાવન માલતિ, તમે ભોગી ભ્રમર રસચોર વહાલા.       ગિરિ. ૧૬
એ વિનતી સુણી વલ્લભા તણીરે, રાજી થયા રણછોડ;
વૃંદાવનના ચોકમાં, આવ્યા રમવા વહાલમ કરી કોડ વહાલા. ગિરિ. ૧૭
એ રસિક રમાપતિ રસ ભર્યારે, રંગભીની વ્રજનાર;
ભુજ ગ્રહી ધરે નિજ ઉર ઉપર, કરે ચુંબન વારમવાર વહાલા.  ગિરિ. ૧૮
એ હાવ ભાવ વ્રીડા રસરે, હાંસી વચન વિવેક ;
ગ્રહી પાણી ભ્રમણ કરે, ત્રિયા સુખ જુગલ એક એક વહાલા.   ગિરિ. ૧૯
એ શરદનિશિ મધ્ય રહસે વનરે, નારી નીકરમહિ શ્યામ*
રાખ્યો દ્રઢ બ્રહ્મચર્યવ્રત જીત્યા શ્રીકૃષ્ણ કામ વહાલા.            ગિરિ. ૨૦
એ સુમન વૃષ્ટિ સુરપતિ કરેરે, નિરખી નેણાં ભરી નાથ;
કૃતાંજલિ નમ્રાનન, ધરી મનસા ચરણનીજ માથ વહાલા.     ગિરિ. ૨૧
એ લીલા રસ જે સુણેરે, ગાયે આણી આનંદ;
પ્રેમાનંદ કહે તેમના, પૂરે કોડ વૃંદાવનચંદ વહાલા .            ગિરિ. ૨૨
 
 
શરદની રાત્રીમાં એકાંત વનમાં નારીના કરમાંહિ રમી રહેલા
શ્યામે કથણ નૈષ્ટિક વ્રત રાખીને શ્રી હરિકૃષ્ણ ભગવાને કામને જીત્યો
અથવા “નીકરમહિ” એટલે ટોળામાં 

  

 

મૂળ પદ

એ બંકવિલોકની રસભરીરે, વદનચંદ્ર છબી ચારું;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી