એ ચિહ્ન વચ્ચે રૂડો લગાર, ડાબી તે કોરે વહાલા ૪/૮

એ ચિહ્ન વચ્ચે રૂડો લગાર, ડાબી તે કોરે વહાલા;
	સુંદર એક તિલ મોટો, મારા ચિત્તને ચોરે વહાલા...૧
એ તિલથી છે ડાબી કોરે, બે તસુ છેટે વહાલા;
	એક તિલને જોતાં સર્વે, ભવદુ:ખને મેટે વહાલા...૨
તે તિલથી બે તસુ છેટે, ડાબી કોર માંહી વહાલા;
	સ્તન ઉપર એક તિલ તેમાં, ચિત્ત ચોંટયું જઈ વહાલા...૩
બે સ્તનથી ઉપર છે, બે છાપતણાં ચિહ્ન વહાલા;
	એ છબી જોવા સારુ મારું, મન છે આધીન વહાલા...૪
કરિના કર સરખી બે ભુજા, તે દીર્ઘ ઉદાર વહાલા;
	સંભારતાં તરત તે, ઉતારે ભવપાર વહાલા...૫
જમણી ભુજાને પાસ છે, માંહી ઊભી તે હારે વહાલા;
	જોયા જેવા સુંદર મોટા, તિલ રૂડા ચારે વહાલા...૬
જમણી ભુજાના મૂળ થકી છે, ત્રણ તસુ હેઠે વહાલા;
	એક છાપનું ચિહ્ન જોતાં, જન્મ મરણ મેટે વહાલા...૭
તે છાપનું ચિહ્ન રૂડું, તેને પડખે બા’રે વહાલા;
	નાના તિલ છે ચાર તેને, જોઉં વારે વારે વહાલા...૮ 
કોણિયું છે શ્યામ બેઉ કર, કઠણ છે પોંચા વહાલા;
	બે તિલ છે બહુ રૂડા, જમણા પોંચાથી ઊંચા વહાલા...૯
જમણા હાથની છેલ્લી આંગળી, તે ઉપર સારો વહાલા;
	પ્રેમાનંદ કહે મોટો તિલ એક, લાગે અતિ પ્યારો વહાલા...૧૦
 

મૂળ પદ

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વહાલા

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી