સખી ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો રસીલે ખેલ રમે રાસ રંગીલો રંગમાં રે ૧/૪

 સખી ગોકુળ ગામના ચોકમાં રે, ખાંતે માંડયો રસીલે ખેલ;
             	        રમે રાસ રંગીલો રંગમાં રે-ટેક.                     
ચહુકોરે સખાની મંડળી રે, ઊભા વચમાં છેલો અલબેલ-રમે૦ ૧
સખી ચાલોને જઈએ દેખવા રે, વાલે પહેર્યાં છે વસ્ત્ર શોભિત-રમે૦ ૨
તાળી પાડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવે મનોહર ગીત-રમે૦ ૩
શોભા બની સલૂણા શ્યામની રે, ઊભી વ્રજની નારી જોવા કાજ-રમે૦ ૪
હસી હેરે છબીલો હેતમાં રે, બ્રહ્માનંદનો વહાલો વ્રજરાજ-રમે૦ ૫ 
 

મૂળ પદ

સખી ગોકુળ ગામના ચોકમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧
સખી ગોકુળ ગામના ચોકમાં(૦૦-૪૬)

નોન સ્ટોપ-૬

સખી ગોકુળ ગામના ચોકમાં રે  (૧૮-૦૦)

ઉત્પત્તિ

“મહારાજ ! કૃપાનાથ! એક અરજ કરવાની છે......” મહારાજના દર્શને ગઢડા આવેલા પંચાળાના ઠાકોર ઝીણાભાઈ બે હાથ જોડી પ્રભુને વિનવતાં બોલ્યા: “બોલો દરબાર! નિશ્ચિંત મને કહો .... શી વાત છે?” અક્ષરઓરડીમાં ઢોલિયા પર બિરાજેલ શ્રીહરિએ મર્માળુ સ્મિત કરી પૂછ્યું. મહારાજ! સર્વે સંત હરિભક્તોને લઈ આપ પંચાળા પધારો ને ત્યાં ફૂલદોલોત્સવ ઉજવો એવી અભ્યર્થના છે, પ્રભુ!” ઝીણાભાઈએ દિલને વાત કહી. “ઓહોહો ... આ તો બહુ આનંદની વાત થઇ.” મહારાજ આ સાંભળી રાજી થઇ બોલી ઉઠ્યા: “ભલે ભલે ભક્તરાજ ! અમે સઘળા સંતો તથા હરિભક્તોને તેડાવી જરૂર પંચાળા પધારી ફૂલદોલોત્સવ ઉજવશું.” દરબાર તો આ સાંભળી રાજીના રેડ થઇ ગયા. મહારાજ તો વાયદા મુજબ સર્વે સંત હરિભક્તોને લઈ પંચાળે પધાર્યા. અહીં તો જેવા અતિથિ તેવા જ યજમાન હતાં. સર્વે માટે ઝીણાભાઈએ એમનો દરબાર ખુલ્લો મૂક્યો હતો. મહેમાનગતિમાં કાંઈ મણાં‌ નહોતી રાખી. એમનાં બહેન આદીબાને પણ મહારાજ પ્રત્યે અનન્ય પ્રેમભક્તિ હતી, તેથી સેવા-સરભરામાં કોઈ ખોટ ન આવવા દીધી. મધ્યાહ્‌ન બાદ ઝીણાભાઈનાં દરબારમાં મહારાજ સભા ભરીને બિરાજમાન થયા હતા. સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તથા દેશદેશના હરિભક્તો બેઠા હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઊભા થઇ હાથ જોડી પ્રસ્તાવ મૂક્યો: “મહારાજ ! શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોપિકાઓને શરદ પૂર્ણીમાની રાત્રે મહારાસ રમાડી પોતાના દિવ્ય સુખને અનુભૂતિ કરાવેલી એમ આજે આપ અમારી સાથે રાસ રમી આપના સર્વોપરી સુખની અનુભૂતિ કરાવો, એવો અમારો સંકલ્પ છે.” મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું: “તમારો મનોરથ જરૂર પૂરો કરશું: પણ એક શરત છે. તમારે તે જ સમયે નવીન કીર્તનો રચવા.એક કીર્તન પૂરું થાય અને બીજું તૈયાર જ હોય તો જ મહારાસનો મહાઆનંદ માણી શકાય.” બ્રહમાનંદ સ્વામીએ તરત જ હા કહી. એટલે મહારાજે કહ્યું: “ તો પશ્ચિમ દિશામાં જે ટેકરો છે ત્યાં વિશાળ પટાંગણ છે, ત્યાં મહારાસ ગોઠવો.બાજુમાં સાબલી નદીનાં નીર વહે છે. પૂનમની રાત્રિ છે, ચંદ્ર પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે ને ઠંડી હવોનો આહ્‌લાદ છે. આમ પ્રકૃતિ સર્વ પ્રકારે અનુકૂળ છે.” “અને .... ભગવાન પણ સાનુકૂળ છે .” બ્રહ્માનંદ સ્વામીએ ઉમેર્યું. એટલે મહારાજ કહે: “ભગવાન સાનુકૂળ છે તેથી જ તો આ બધું અનુકૂળ થયું છે. નહિ તો દેશ કાળ કાંઈ ભગવાન ભજવા દે એવા નથી.” સંતો શ્રીજીની વાણીનો મર્મ પામી ગયા. સમી સંધ્યા ટાણે સંત હરિભક્તો તથા નગરજનો સૌ સાબલી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ પ્રયોજાયો હતો ત્યાં જવા લાગ્યા. લગભગ રાત્રિના નવ વાગ્યાનો સમય થયો હશે ત્યાં તો સમગ્ર પટાંગણમાં , નદીના બંને કિનારા તેમજ આજુબાજુ ઝાડ ઉપર હજારો મનુષ્યની ભીડ જામી ગઈ. ઝીણાભાઈએ ત્રંબાળું ઢોલ, શરણાઈ, ત્રાંસા જોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલાવી દીધા હતા. સૌ મહારાજના પધારવાની રાહ જોતા હતા. એટલામાં મહારાજ પધાર્યા અને ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’થી સમગ્ર વાતાવરણ ગાજી ઊઠ્યું. મહારાજ ત્યાં તૈયાર કરેલા મંચ ઉપર બિરાજમાન થયા. બ્રહાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું: “મહારાજ! બધી જ વ્યવસ્થા થઇ ગઈ છે અને આતુરતાપૂર્વક સર્વે રા‌સ રમણની રાહ જોઈ રહ્યા છે. આપ આજ્ઞા આપો એટલે આ દિવ્ય ભૂમિ પર મહારાસ શરૂ કરીએ.” મહારાજે કહ્યું; “ભલે! હવે મહારાસનો પ્રારંભ કરો.” સ. ગુ. મુક્તાનંદ સ્વામી , બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી અને પગમાં નૂપુર બાંધ્યા‌ હતા. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્ક્ડ, સરોદ, ત્રાંસા, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, મૃદંગ, સારંગી, મંજીરા વગેરે અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. એક સંતે ત્રંબાળુ ઢોલ કેડે બાંધી તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીએ એમનાં પહાડી સૂરમાં લલકાર્યું : ‘સખી પંચાળા ગામના ચોકમાં રે , ખાંતે માંડ્યો રસીલે ખેલ; રમે રાસ...’ સંતોના પગમાં પહેરેલા નૂપુરના ઝણકાર પગના ઠેકા સાથે આ સૂરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ રાસના સૂરો સાથે સારું એવું તાદાત્મ્ય જમાવ્યું. બ્રહ્માનંદની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા; તેમની તન્મયતા; તેમની ભક્તિ પહેલા કુંડાળામાં પહોંચી ગયા. મહારાજને અંદર આવતા જોઇને સંતોના આનંદનો અવધી ન રહ્યો. તે વખતે વેગથી રાસમંડળમાં ફરતા બ્રહ્મમુનિએ બીજી પંક્તિ ઉપાડી: ચહું કોરે સખાની મંડળી રે, ઊભા વચમાં છેલ્લો અલબેલ. રમે રાસ ...’ .... અને મહારાજ તાનમાં આવી જઈ સંતો સાથે તાલી દઈને રસમાં ફરવા લાગ્યા. જાણે બ્રહ્માંડ ફરતું હોય, તારા નક્ષત્રો સહિત સમગ્ર સૂર્યમંડળ ફરતું હોય એવી ભવ્યતા વિરાટને આંગણે ખેલતા એ રાસમાં ભાસતી હતી. બ્રહ્માનંદ કવિરાજના મુખમાંથી કાવ્યની પંક્તિઓ સર સર કરતી સર્યે જ રાખતી હતી. તાળી પડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવે મનોહર ગીત, રમે રાસ....’ મહારાજ સંતો સાથે તાળીના તાલ દેતા નેત્ર કટાક્ષોથી તેમના હૈયા વીંધતા, આજે જાણે સમગ્ર દિવ્યતાથી ભક્તોનાં હૈયા ભરી દેવાં હોય તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પંચાળાની‌ ભૂમિ દીવ્યતમ તીર્થસ્વરૂપ શોભી રહી હતી. ઘણો સમય રાસની રમઝટ ચાલી. બ્રહ્મમુનિનાં કાવ્યોની કડીઓ ખૂટવા લાગી. એટલે મહારાજે રાસ રમતાં રમતાં જ કહ્યું: “હવે પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલે.” સમય જતા તેઓ પણ થાક્યા. સંતો ગાતા ગાતા અને રા‌સ રમતા રમતા થાકી ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું કે, મહારાજ તો બંધ રખાવશે નહિ ને સંત સર્વે થાકી ગયા છે. આવતી કાલે ફૂલડોલનો ઉત્સવ છે તેથી ગાવું પડશે: માટે તમે ઉતારામાં જઈને “ચોર, ચોર” એમ બૂમ પાડો એટલે સર્વે વિખરાઈ જાય. પછી તે સંતે બૂમ પાડી.તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી પણ બૂમ પાડવા લાગ્યા: “દોડો દોડો , ચોર આવ્યો હોય એમ લાગે છે.” આ સાંભળી સંતો થંભ્યા‌ અને રાસ વિખરાઈ ગયો. મહારાજ આ જોઈ રહ્યા. મહારાજ પછી બોલ્યા: “નક્કી આ યુક્તિ બ્રહ્માનંદ સ્વામીની જ લાગે છે.” બ્રહ્માનંદ સ્વામી કહે: “મહારાજ! આપની મરજી વિના તો તણખલું પણ ફરકતું નથી, તો પછી મારી યુક્તિથી આમ કેમ બને?” મહારાજ હસી પડ્યા. મહારાસ પૂરો થયો ત્યારે રાત્રિ પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો મહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: “મહારાજ! આજે તો રાત્રિ છ મહિનાથી પણ વધુ લાંબી થઇ હોય એમ લાગે છે.” મહારાજે કહ્યું: “અક્ષરધામનો મહારાસ તો અવિરત ચાલ્યા જ કરે છે. કાળ અકળાયો હતો એટલે અવરભાવમાં રાસ અટક્યો ; પણ એનો દિવ્ય આનંદ સૌના અંતરમાં શાશ્વત કાળ પર્યન્ત રહેશે.” આજે પણ આ દિવ્ય ભૂમિમાં જે કોઈ ભાવિક ભક્ત જાય છે તેને પૂનમની રાતે આ મહારાસની ઝાંખી થાય છે.કેટલાકને વાજિંત્રોના ઘોષ સંભળાય છે. તો ઘણાને રાસમંડળમાં ઘૂમતા શ્રીજીના દિવ્ય દર્શન થાય છે. એટલે આજે પણ આ દિવ્ય મહારાસનું સ્વરૂપ અવિચ્છિ‌ન્ન રહ્યું છે. ઉત્પતિઃ- શ્રીજી મહારાજે પંચાળામાં ઠાકોર શ્રી ઝીણાભાઈના ઘરે શરદોત્સવનો સમૈયો કરી રાત્રે મહારાસ રચ્યો. એ સમય સંતો, પાર્ષદો, હરિભક્તો અને મહારાજનાં અનેક સ્વરૂપો નવ નવ કુંડાળાંમાં ગોઠવાયાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનો નાદ થવા લાગ્યો. ભક્તોનાં હૈયા આનંદથી નાચવા લાગ્યાં. એક સંત, એક હરિભક્ત અને એક મહારાજ. આમ, ત્રિવેણી સંયોગના સહારે અલૌકિક મનોહર રાસ મંડાણો છે, ઝીણાભાઈના દરબારમાં. કહેવાય છે કે અષ્ટ નંદકવિઓ ત્યારે હાજર હતા. જેના ઝીલણિયાની ઝીકથી વાતાવરણ ધણધણી ઊઠ્યું એવા સમયે શીઘ્રકવિ બ્રહ્મમુનિ છંદ ઉપર છંદ અને કાવ્ય ઉપર કાવ્યની આહ્લેક જગાવતા જગાવતા ગોકુલની ગોપીઓ અને ગોપનાથના રાસની ગાથાને યાદ કરી, પ્રસ્તુત પદને ઊંચા આલાપથી ગાઈ ઊઠ્યા. ઈતિહાસ જેની નોંધ ટાંકે છે. એ અદ્વિતિય રાસોત્સવમાં ખુદ શ્રીજી મહારાજ પણ પોતે ઊંચ સ્વરે કીર્તનો ઝીલવા લાગ્યા હતા. તો આવો એ આનંદિત પુણ્યકાળે પ્રગટેલા પદનો આસ્વાદ માણી આપણે સૌ ધન્ય બનીએ.

વિવેચન

આસ્વાદ; સર્વાવતારી શ્રી સહજાનંદ સ્વામીની એમનાં સંત –શિષ્યો સાથેની રાસક્રીડા એ પ્રસ્તુત કૃતિનું વર્ણ્યવસ્તુ છે, એને કવિની નિરૂપણકળાએ ભાવાત્મક બનાવ્યું છે. મધ્યકાલીન કાવ્ય સાહિત્યની પરંપરામાં પર્યવસાન પામતું આ કાવ્ય કાંઈ નવીન નથી; પણ એની ભાવાત્મક રજુઆતમાં કવિની નિરૂપણકળાની આગવી સૂઝ દેખાય છે. રાસની બરોબર રમઝટ ચાલી રહી છે, એનું તાદ્રશ વર્ણન કરતા કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાય છે; “સખી પંચાળા ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ; રમે રાસ રંગીલો રંગમાં રે.... “ શ્રીહરીએ સર્વે સંત હરિભક્તો સાથે રંગભર્યો રાસ માંડ્યો છે. ચારે બાજુ ફરીને સંતમંડળ રાસ રમે છે ને વચમાં અલબેલા છેલછબીલા શ્રીહરિ ઊભા છે. ભગવાન હંમેશા સંતોના મધ્યે જ વસે છે. શ્રીજી સુશોભિત વસ્ત્રાભૂષણમાં સજ્જ થઈને સંતોના વૃંદ વચ્ચે રાસ રમવા આવ્યા છે. કવિ સર્વેને ઇજન આપતા કહે છે: ‘સખી ચાલોને જઈએ દેખવા રે...’ પ્રભુની શોભા અપરંપાર છે. સંતો! ચાલોને આપણે આજે વ્હાલાની શોભા જોવા જઈએ! શ્રીજીની શોભા તો સંતો સદાકાળથી નીરખતા આવ્યા છે, છતાં એ શોભા છે, એટલે મનભાવન છે કે બસ એને વારંવાર માણ્યા કરીએ તો પણ તૃપ્તિ થતી નથી ને નિત્ય નવીન લાગ્યા કરે છે. સંતો રસ લેતા ગયા છે ત્યારે તેમની સાથે શ્રીજી પણ તાનમાં આવી જઈ તાળી પાડીને મનોહર ગીતો ગાય છે . સલૂણા ઘનશ્યામની આવી રમ્ય શોભા જોવા માટે પ્રેમી ભક્તજનો ઊભા છે; એ જોઇને શ્રીહરિ હેતમાં હશે છે. બ્રહ્મમુનિ પોતાના પ્રિયતમ પ્રભુની આ લીલા પ્રત્યક્ષ નીરખીને આનંદમગ્ન બની ગાય છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું સુભગ મિલન એ રાસનું આધ્યાત્મિક રહસ્ય છે. લોખંડ હંમેશા લોહચુંબક પ્રત્યે જ ખેંચાય છે, એમ આત્મા પરમાત્મા પ્રતિ આકર્ષાય છે. આ આકર્ષણ જ આત્મસત્તારૂપ મુક્તાત્માઓને અખંડ અક્ષરાતીત પુરુષોત્તમનારાયણના દિવ્યરૂપમાં રસબસ રાખે છે અને એ જ રાસની પરાકાષ્ઠા છે! ‘ખેલ’, ‘અલબેલ’, ‘શોભિત ‘, ‘ગીત ‘, ‘કાજ’, ‘મહારાજ’, - આ બધાં શબ્દો પદમાં એવી રીતે પ્રયોજાયા છે કે એનાથી કવિતાનું લયમાધુર્ય અનેકગણું વધી જાય છે અને એ શબ્દોની તાલનૃત્યાનુસારી ગતિથી કવિતામાં ભાવવિકાસની સાથે નૃત્યગતિ પણ અનુભવાય છે. પદ સુગેય છે અને કાવ્યમાં બ્રહ્માનંદનું પ્રાસ મેળવવાનું કૌશલ તેમ જ લયપ્રભુત્વ સહેજે વરતાય છે. મોરના પ્રતીક દ્વારા અભિવ્યક્ત થતું માનવ-મન , સુકાયેલા વૃક્ષો દ્વારા વ્યક્ત થતાં દુષ્કાળના પર્યાવરણમાં જયારે દુઃખી આર્તનાદે પ્રભુને પોકારે છે ત્યારે ઘન (વાદળ)નાં પ્રતીકરૂપે સ્વયં પ્રભુ ઘનશ્યામની કૃપા જ વરસાદરૂપે પડે છે! વિવેચન ૨ ભાવાર્થઃ- પાંચાળા ગામને ગોકુળની ઉપમા આપી સ્વામી લખે છે કે આજ રસિકવર છેલડે આનંદથી અલૌકિક રાસનો ખેલ માંડ્યો છે. વળી, સાથે રંગીલો એટલે કે ખુદ ભગવાન પણ રાસ રમે છે. IIટેકII ભગવાનની આસપાસ સંતો-ભક્તોની મંડળી રમી રહી છે. વચમા ઉભેલા વ્હાલો અદ્ભુત શોભે છે. II૧II ઢોલ, નગારાં ને ત્રાંસાંની ધણધણાટી સાંભળી પંચાળાની સ્ત્રીઓ પોતપોતાની સખીઓને આ અદ્ભુત રાસને જોવા માટેનું આમંત્રણ આપતી થકી આવી રહી છે. હે મારી સૈયર, જો તો ખરા ! વાલમજીએ કેવા સુંદર વસ્ત્રો પહેર્યા છે.II૨II તબલાંના તાલ સાથે તાળી પાડી નટવર સ્વમુખે સુંદર ગીત ગાય છે. II૩II આજ સલુણા શ્યામની અદ્ભુત શોભાને જોવા વ્રજ કે’તાં પંચાળાની નારીઓ ઊભી ઊભી સ્થિર થઈ ગઈ છે. II૪II પોતાના રંગમાં રસબસ બનેલા પ્રેમઘેલા ભક્તોને મૃદુહાસ્ય સાથે ભગવાન હેતથી જોઈ રહ્યાં છે. બ્રહ્માનંદસ્વામી કહે છે કે મારો વ્હાલો તો વ્રજનો રાજ છે. અર્થાત્ મુમુક્ષુઓના મહારાજ છે. Ii૫II રહસ્યઃ- પદનો ઢાળ સૌરાષ્ટ્રની જાણીતી ગરબીનો છે. જેથી પદ સૌને માટે સુગેય છે. પદલયની ચાલ રાસની ચાલ આધારિત છે. તાલ હીંચ છે. ચરણે ચરણે રંગીલાના રંગે રાચવાનો આનંદ ઝળકે છે.શબ્દના પ્રેક્ષણથી ઝીણાભાઈની ભક્તિની યાદ તાજી થાય છે. પદ પ્રાસાદિક્તામાં આનંદદાયક છે. સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીએ ગવડાવ્યું અને મહારાજે તથા સર્વ સંતોએ ઝીલ્યું છે. તેથી ઝીલણિયા કીર્તનોની પંક્તિમાં સૌની મોખરે બેસનારું આ કીર્તન અતિ ઉત્તમ અને પ્રસાદીનું છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
3
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)



ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૧
Studio
Audio
0
0