આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી૧/૨

 આશકોં દિયારી વે, માશુક ન જાના ભૂલી...ટેક.
સુન સાંવરે સાહેબા, મહોબત હમારી વે;
	ખાવંદ ખુશી હોય રખના, દિલમેં વિચારી વે... આશકોં ૦ ૧
એક આશરા હે તેરા, કહું ક્યા પુકારી વે;
	પરવરદિગાર દિલકી, તુમ જાનતા સારી વે...આશકોં૦ ૨
સુરત લગી કદમોંસે, ન ટરેગી ટારી વે;
	પ્રેમાનંદ કે પ્યારે હમકો, લેના સંભારી વે...આશકોં૦ ૩ 
 

મૂળ પદ

આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી;

મળતા રાગ

રેખતા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૮૪ના વૈશાખ વદ બીજના દિવસે શ્રીજીમહારાજે જૂનાગઢ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. જૂનાગઢમાં મંદિર બાંધવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને જૂનાગઢ મોક્લેલા . જૂનાગઢના નવાબ બહાદુરખાન બાબી સાથે બ્રહ્મમુનિને બહુ જૂના મૈત્રી સંબંધ હતા , તેથી નવાબે મંદિરના બાંધકામમાં અંગત રસ લઈને રાજ તરફથી સારી એવી સહાય કરી હતી. સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના પુણ્ય પ્રતાપે મંદિરનાં સર્વ કાર્યો નિર્વિઘ્ને પાર પડ્યા. નવાબ બહાદુરખાનજી ગુણાનુરાગી હતા, એટલું જ નહિ સંગીતજ્ઞ પણ હતા. બ્રહ્મમુનિના શતાવધાન પ્રયોગો એમણે જોયેલા, એમનો કાવ્યપ્રસાદ પણ માનેલો. યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના સાંનિધ્યમાં એમનાં કારભારીને થયેલો સમાધિનો દીવ્યાનુભવ નવાબે નજરે નિહાળ્યો ત્યારે એમને થયું કે જેના ફકીરો આટલા મહાન છે એ સ્વામિનારાયણ સ્વયં કેવા હશે ? નવાબના દિલમાં એ દિવસથી જ શ્રીજીમહારાજના દર્શનની ઝંખના જાગી હતી! મૂર્તિ પ્રતિષ્ઠા પછી બીજા દિવસે નવાબ સરકારની વિનંતી સ્વીકારીને શ્રીજીમહારાજ મોટા મોટા સદ્‌ગુરુઓ, બ્રહ્મચારી, પાર્ષદો , દાદા ખાચર આદિ સર્વ કાઠ�� દરબારો સાથે નવાબના રાજમહેલે પધાર્યા . નવાબે શ્રીજીમહારાજનો સત્કાર કર્યો. કચેરીમાં પધરામણી કરાવી; બ્રાહ્મણો પાસે શ્રીહરિની પૂજા કરાવી. પછી સંતોને ચંદન ચર્ચાવી ચાદરો ઓઢાડી. શ્રીહરિ સન્મુખ સોનેરી પોષક , શેલા , શાલ, દુશાલા , પાઘ અને સુવર્ણના અલંકારો સાથે નવાબે કોરીઓના તથા રૂપીયાઓના થાળો તેમજ મેવા આદિ વસ્તુઓની ભેટ ધરી. નવાબે મસ્તક નમાવી હાથ જોડી પ્રાર્થના કરી કે “ આપ ખુદાતાલા હો. આપકા હી દિયા હુઆ યે રાજ મૈં‌ કરતાં હૂં. એ બડે સ્વામીજી (ગોપાળાનંદ સ્વામી) ઔર કવિ સ્વામીજી ( બ્રહ્માનંદ સ્વામી ) જૈસે બડે બડે મહાત્મા આપકે કદમપોશ શાગિર્દ હૈં‌ ઔર ઐસે તો કઇ ફકીર આપકી તહેનાતમે રહતે હૈ ઐસા મૈંને સુના હૈ. આજ આપકે દિદારસે મેરે દિલકો બહોત ચૈન ઔર સુકૂન મિલા હૈ.” નવાબની ઈબાદત સાંભળી અત્યંત પ્રસન્ન થઈને મહારજે આશિષ આપતા કહ્યું: “ આ બ્રહ્મમુનિ જેવા સંત સાથે તમારે હેત થયું છે તેથી તમારો બેડો પાર છે એમ સમજજો અને નીતિ – ધર્મથી રાજ્ય ચલાવી પ્રજાને પાળી પોષી જગતમાં જશ લેજો. જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ બંને ધર્મને તમો સમાન દ્રષ્ટિથી પોષશો ત્યાં સુધી તમારું રાજ્ય સલામત ને શ્રેષ્ઠ રહેશે”*( શ્રી બ્રહ્મસંહિતા : પ્ર. પ. અ. ૪ ( પાના નં. ૪૨૭ )) મહારાજને નમસ્કાર કરી નવાબે પોતાનું સ્થાન લીધું . પછી નવાબના આદેશથી રાજના દરબારી ગવૈયાઓએ રેખતા રાગમાં સૂફીમતની ફારસી ગઝલો ગાઈ સંભળાવી. એમનું સંગીત પૂરું થતાં નવાબે મહારાજને આજીજીપૂર્વક કહ્યું: “મહારાજ ! હમને સુના હૈ આપકે ફકીર બહુત બહેતરીન સંગીત જાનતે હૈ, અગર વો સુનને કો મિલે તો એ હમારી ખુશનસીબી હોગી.” આ સાંભળી મહારાજ મર્માળુ હાસ્યા. મહારાજે પાસે બેઠેલા પ્રેમાનંદ સ્વામીને ઈશારો કરતાં પ્રેમસખીએ રાજ દરબારમાં પ્રસંગોચિત રેખતા રાગના સૂર છેડ્યા અને આલાપ લઈને પ્રભુ પ્રેમમસ્ત સૂફી ઓલિયાની અદાથી બે ઉર્દુ ગઝલો શીઘ્ર રચના કરીને ગાઈ સંભળાવી. પહેલી ગઝલ ‘આશકોંદી યારી વે , માશૂક ન જાના ભૂલી’ નો પહેલો અંતરો સાંભળતા જ ચારે બાજુથી ‘ માસ્સા અલ્લાહ .... સુભાન અલ્લાહ ... ‘ ના પોકારો ઉઠવા લાગ્યા. ‘સુરત લગી કદમોં‌ સે ન ટરેં‌ગી ટારી વે ‘ છેલ્લા અંતરાને હૃદયના અટલ ઊંડાણથી ઘૂંટીને પ્રેમસખીએ એવો મધુર સ્વર આપ્યો કે મુસ્લિમ ઉસ્તાદો તેમજ નવાબ સરકાર ખૂદ ‘આફરિન આફરિન ‘ પોકારી ઉઠ્યા. પહેલી ગઝલ પૂરી થતાં પ્રેમાનંદ સ્વામીએ એના અનુસંધાનમાં જ બીજી ગઝલ ‘દીખલા દિદાર પ્યારા, મહેબૂબ હમારા ...’ ઉપાડી . ગઝલના શબ્દે શબ્દે આશક ભક્તકવિની માશૂક પરમાત્માના દિદાર માટેની તીવ્ર અભિપ્સા વક્ત થવા લાગી. એના છેલ્લા અંતરમાં કવિ સૂફીમત તરફથી પ્રેમલક્ષણા ભક્તિભાવમાં એવી સલૂકાઈથી સરકી ગયા કે સૂફીવાદી મુસ્લિમ ધર્મીઓના અંતર પણ એ પ્રેમભાવથી પ્લાવિત થઇ ગયાં. સ્વામી ગાતા ગાતા ભગવદ્‌ભાવમાં એવા તલ્લીન થઇ ગયા કે આંખોમાંથી આંસુઓની ધારા વછૂટી હતી એનું પણ એમને ભાન ન રહ્યું. એમનાં સંગીતમાં એવો જાદુ હતો કે સાંભળનાર સર્વેના પ્રાણ સંગીતની રસસમાધિમાં લીન થઇ ગયા. સ્વામીનું સંકીર્તન પૂરું થયા પછી પણ એ સંગીતની અસરમાંથી ક્યાંય સુધી કોઈ મુક્ત ન થઇ શક્યું. થોડી વારે નવાબ સાહેબ ઊભા થઇ શ્રીજીમહારાજને હાથ જોડી બોલ્યા: ‘આફરિન! ખુદા વંદે –આલમ ! હમને ઇસ દરબારમેં દેશ- પરદેશકે બહુત ગાયક સુને હૈ, મગર ઐસા રૂહાની સંગીત કભી નહિ સુના. સ્વામીજી કા સંગીત સુનકે હમકો ઐસા મહસૂસ હુઆ માનો હમ નૂરાની રૂહકા કોઈ કરિશ્મા સુન રહે હો!’ મહારાજે મોહક સ્મિત કરી નવાબને યોગ્ય પ્રતિભાવ આપ્યો . નવાબ બહાદુરખાનજી ત્યાર બાદ પ્રેમાનંદ સ્વામી તરફ જોઈ બોલ્યા : ‘સ્વામીજી ! ઐસા રૂહાની સંગીત સુનાને કી બદૌલત હમ આપકે શુક્રિયા ગુજર હૈ! ખુદા કસમ, આજકે બાદ હમ કિસી દરબારી ગવૈયા કા સંગીત નહીં સુન પાએંગે .’ સ્વામીએ વિનયપૂર્વક કહ્યું : ‘ નવાબ સાહેબ ! હું તો સાધન માત્ર છું. જેવી મારી સારંગી એવો હું ! ગાનારો કોઈ બીજો જ છે . એ દિવ્ય ગાયકના હાથનું હું સાધન બની શક્યો એટલું જ મારું સદ્‌ભાગ્ય ! ‘ નવાબે જિંદગીમાં પહેલી જ વાર આવા શબ્દો સાંભળ્યા . કેટલી નમ્રતા ! કેટલી દીનતા ! આજે પહેલી વાર એમણે એવો માણસ જોયો જે પોતે યશનો માલિક થવાને બદલે માલિકને- ખુદાને યશનો માલિક ગણી ગર્વ લે છે. પ્રેમાનંદ સ્વામીનું રૂહાની સંગીત અને તેમના નિર્માની વચનો નવાબના હ્રદયમાં હંમેશને માટે અંકાઈ ગયા.

વિવેચન

આસ્વાદ : પેમસખી પ્રેમાનંદની કવિતા એટલે હૃદયની સ્વાનુભૂત પ્રબળ પ્રેમોર્મિની પરંપરાને આવિષ્કારતી ભક્તિસંકીર્તનાત્મક પદરચના. મુસ્લિમ નવાબના મહેલમાં પ્રસંગ અને વાતાવરણને અનુરૂપ અરબી-ફારસી શબ્દોના પ્રચૂર પ્રયોગથી રેખતા રાગમાં*( ગઝલની ચાલને રેખતો કહે છે.) પ્રેમાનંદ સ્વામીએ જે બે ગઝલો ગાઈ તેમાં સૂફી પ્રેમની આશક માશૂકના સ્વાર્થરહિત વિશુદ્ધ પ્રેમની તાલાવેલી અને મસ્તી બહુ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે. સૂફી પ્રેમની અસર બતાવતી આ ગઝલો દયારામની ગઝલો કરતાં પણ ચડે એવી છે. પ્રીયાતમાભાવે પ્રિયતમ પ્રભુને પ્રેમ કરવો એ પ્રેમલક્ષણા ભક્તિનું મુખ્ય અને મહત્વનું લક્ષણ છે. જયારે સૂફિમત પ્રમાણે આશક ભાવે પરવરદિગારને માશૂક (પ્રિયતમ) માનીને મહોબ્બત કરવાની હોય છે. એમાં જેમ આશક ભક્ત માશૂક ખૂદને પ્યાર કરી મસ્તી માણે છે એમ આ ગઝલોમાં પ્રેમસખીએ આવી સૂફીભક્તિની મસ્તીની અને કુરબાનીની અનુભૂતિ વર્ણવી છે. પ્રથમ ગઝલમાં આશક ભક્ત પોતાની મશૂકને- પરવરદિગારને ‘યારી’ યા ‘મહોબ્બત’ ભૂલી નહિ જવા પ્રેમભાવે પ્રાર્થના કહે છે; આશકોં‌દી યારી વે, માશૂક ન જાના ભૂલી; સુન સાંવરે સાહેબા , મહોબત હમારી વે .’ અહીં કવિ પંજાબી ભાષાનો છઠ્ઠી વિભાક્તિનો પ્રત્યય ‘દી’ નો પ્રયોગ બહુ ખૂબીથી કરે છે. આશક મશૂકને કહે છે: ‘પ્રિયે ! તારા આ આશકની મહોબ્બતને તું ક્યારેય વિસારે ન પાડીશ. ખાવાન્દને ખુશ રાખવો એ તારે જોવાનું છે એ તારી ફરજ છે.’ સૂફી કવિઓની જેમ પ્રેમસખીએ પણ અહીં ‘ઈશ્કે મિજાજી’ (માનવીય પ્રણય)ની વાણીમાં ‘ઈશ્કે હકીકી’ (પ્રભુપ્રેમ) ગાયો છે , તેથી એ ક્યારે તો સ્વાર્પણના ભાવમાં સરી જાય છે એની ખબર પણ પડતી નથી. એક આસારા હૈ તેરા, કહે ક્યા પુકારી વે; પરવરદિગાર દિલકી, તું જાનતા સારી વે.’ છેલ્લા અંતરામાં કવિ ભક્તહૃદયની પરમાત્મા પ્રત્યેની અનન્યનિષ્ઠા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરતાં પ્રાર્થે છે; ‘પ્રભુ ! આપ તો અંતર્યામી છો, મારા દિલની બધી જ વાત સારી રીતે જાણો છો. આપનાં ચરણોમાં – આપના સ્વરૂપમાં મને દ્રઢ પ્રીતિ થઇ ગઈ છે , મને આપની લગની લાગી ગઈ છે અને એ કોઈ પણ સંજોગોમાં ટાળી ટળે તેમ નથી. માટે મહારાજ મને સાંભળી લેજો.’ ગઝલના ભાવ ને ગાંભીર્યને વિચારતાં એમ લાગ્યા વિના રહેતું નથી કે સૂફીઓની પરિભાષામાં ‘ અહીં બોલી તો રહ્યો છે પ્રેમલક્ષણા ભક્તિનો બંદો ! પ્રેમસખીનું શાસ્ત્રીય રાગરાગિ‌ણીઓ તથા એકથી વધુ ભાષાઓ ઉપરનું પ્રશસ્ય પ્રભુત્વ અહીં‌ બહુ સ્પષ્ટપણે જણાઈ આવે છે. બીજી ગઝલમાં આશક ભક્તની માશૂક પરમાત્માના દિદાર એટલે કે દર્શન માટેની તીવ્ર અભિપ્સા વ્યક્ત થાય છે. ‘દીખલા દિદાર પ્યારા મહેબુબ હમારા ; માશૂક જરા દે દેના, નેનોં‌કા નજરા ,’ માશૂકની પ્રણયભરી એક મીઠી નજર પણ આશકને મન જીવનામૃત જેવી છે. એક માત્ર નજરનું જ નજરાણું ! અને આ તો પ્રેયસીની નહિ પણ શ્રેયસ્કર પ્રભુની પ્રેમભરી નજરનું નજરાણું છે. એમની અમીભરી નજર માત્ર જ આશકની જિંદગીભારનું પાથેય બની રહે તેમ છે. ‘કુરબાન કિયા તેરે નામ પર,ઘરબાર –સંસાર ; ફકીરી લે કે ફિરતા હું , કરનેકું દીદારા ,’ આશક ભક્તે માશૂકાના દિદાર માટે જ ઘરબાર સંસાર છોડી ફકીરી લીધી છે.પરમાત્માના દર્શન માટેની ભક્તહૃદયની તીવ્ર ઉત્કંઠા અહીં અભિવ્યક્તિ પામે છે. અંતિમ અંતરામાં કવિ પ્રાર્થે છે કે મારી તકસીર- મારા અપરાધ ક્ષમા કરીને પ્રભુ મને મુલાકાત જરૂર દેજો.પ્રેમીભક્તની હરિમિલનની પ્યાસ ક્યારેક આ રીતે અનાયાસે પણ વ્યક્ત થયા વિના રહેતી નથી. આ પદનો પૂર્વાર્ધ સૂફી ઢંગનો છે તો ઉતરાર્ધ અને એમાંય ખાસ કારીને છેલ્લી પંક્તિ વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ નિદર્શિત કરે છે. આ ગઝલોમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. એમની વાણીમાં કોમળતા ને માધુર્ય સહજ પણે ઊતરી આવે છે. પ્રેમસખીનું અરબી-ફારસી ભાષા પરનું અહીં વ્યક્ત થયા વિના રહેતું નથી .

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
3
2