પદ ૯૩૮ મું.૨/૨
જમોને જીવન, રસોઇ કરી છે રૂડી રીતસું;જમોને જીવન, પીરસી લાવી છું થાળ પ્રીતસું. ૧
જમોને જીવન, મોતીયા સેવૈયા લાખણસાઇ છે.;જમોને જીવન, સાકર ને દ્રાખ ઝાઝી માંહી છે. ૨
જમોને જીવન, દળના લાડુને ખાજાં ખુરમાં ;જમોને જીવન, મગદળ ને સેવદળ ચૂરમા. ૩
જમોને જીવન, જલેબી પેંડા ને બરફી હરિ;જમોને જીવન, ઘેબર સાટા તે પ્રીતી કરી. ૪
જમોને જીવન, પતાસાંને મેસુબ પછે;જમોને જીવન, સુતરફેણી તે અનુપ છે. ૫
જમોને જીવન, ગુંદવડાં ગગનગાંઠીયા ઘણાં;જમોને જીવન, એલચીદાણા ને સાકરીયા ચણા. ૬
જમોને જીવન, ગુલાબપાક ને ગુંદરપાક છે;જમોને જીવન, ટોપરાપાકમાં સાકર દ્રાખ છે. ૭
જમોને જીવન, સકરપારા તે સાકરતણા;જમોને જીવન, લાપસી કંસાર માંહી ઘી ઘણા. ૮
જમોને જીવન, શિરો પૂરી ને સેવ સાકર;જમોને જીવન, હરીસો બીરંજ મારા ઠાકર. ૯
જમોને જીવન, દૂધપાક શ્રીખંડ બાસુદી;જમોને જીવન, ખીર ખાંડ ઘી વડાં ને દધી. ૧૦
જમોને જીવન, માલપૂવા ને પૂરણપોળીયું;જમોને જીવન, ખાંડ ને રોટલી ઘીમાં બોળીયું. ૧૧
જમોને જીવન, પૂરી ને કચોરી પાપડ પુડલા;જમોને જીવન, બાજરાની પોળી બાટી બે ભલા. ૧૨
જમોને જીવન, તલસાંકળી ને ગલપાપડી;જમોને જીવન, તળીયા ચણા તળી ફૂલવડી. ૧૩
જમોને જીવન, ગાંઠીયા કળી ને ભજીયાં વડાં;જમોને જીવન, મઠીયાં ગુંજા ને તીખા ફાફડા. ૧૪
જમોને જીવન, કનક કટોરે પાણી પીજીયે;જમોને જીવન, જે જે જોઇયે તે માંગી લીજીયે. ૧૫
જમોને જીવન, રસ રોટલીમાં સાકર પીરસું;જમોને જીવન, ખાંડને કેલાં તે જમો ધીરસું ૧૬
જમોને જીવન, મુરબા કર્યા છે કેરી દ્રાખના;જમોને જીવન, કટોરા પુર્યા છે ઝાઝા શાકના. ૧૭
જમોને જીવન, સુરણ તળ્યા છે તમ કારણે;જમોને જીવન, અળવી રતાળું જાઉં વારણે. ૧૮
જમોને જીવન, વાળોલ વંત્યાક તળ્યાં પરવર;જમોને જીવન, કારેલાં કંકોડાં કોલાં સુંદર. ૧૯
જમોને જીવન, ગલકાં તુરિયાં ભીંડાની ફળી;જમોને જીવન, ચોળા વાલોળ તે સુંદર તળી. ૨૦
જમોને જીવન, ગુવારફળી ડોડાં દુધીયાં;જમોને જીવન, લીલવા વઘાર્યા તે સુંદર થીયા. ૨૧
જમોને જીવન, નૈયાના રાયતાં અમોલ છે;જમોને જીવન, રાઇ ને મીઠું તે સમતોલ છે. ૨૨
જમોને જીવન, કડી વડી તે સુંદર વઘારી છે;જમોને જીવન, તાંદલીયા મેથીની ભાજી સારી છે. ૨૩
જમોને જીવન, સુવાની ભાજી ને મૂળાં મોગરી;જમોને જીવન, ચણેચી ડોડી ને લૂણી કરી. ૨૪
જમોને જીવન, પાર નથી શાક પાકના;જમોને જીવન, અચાર છે ખારેક દ્રાખના. ૨૫
જમોને જીવન, આદાં બીલાનાં અથાણાં કર્યા;જમોને જીવન, લીંબુ મરચાંમાં મસાલા ભર્યા. ૨૬
જમોને જીવન, કેરાં કરમદા ને તળી કાચલી;જમોને જીવન, વાંસના અથાણાં સુંદર ગરમરી. ૨૭
જમોને જીવન, પંખાલીનો ભાત બહુ ફોરનો;જમોને જીવન, એલાયચી અનુપ આંબામોરનો. ૨૮
જમોને જીવન, લચકો કરી છે દાલ તુરની;જમોને જીવન, ફરસી લાગે છે તે મસુરની. ૨૯
જમોને જીવન, ધોઇ દાળ મગ અડદાં તણી;જમોને જીવન, ચણા ને ચોળાની તે સુંદર બણી. ૩૦
જમોને જીવન, ધોયેલ સાકર દહી ઘોળીને ;જમોને જીવન, સાકર ને દૂધ ભાત ચોળીને. ૩૧
જમોને જીવન, સારી પેઠે પ્રાણઆધારજી;જમોને જીવન, કસર ન રાખશો લગારજી. ૩૨
જમોને જીવન, આચમન કરોને મારા નાથજી;જમોને જીવન, ચંદનગારે ધોવારું હાથજી. ૩૩
જમોને જીવન, જાયફલ જાવંત્રી ને તજ છે;જમોને જીવન, એલચી લવીંગ સુધજ છે. ૩૪
જમોને જીવન, કાથો ચુનો સોપારી વાંકડી;જમોને જીવન, સુંદર વાળી છે પાનની બીડી. ૩૫
જમોને જીવન, પાન બીડી લ્યોને સુંદર શામળા;જમોને જીવન, નાથજી ન થાશો ઉતાવળા. ૩૬
જમોને જીવન, પ્રેમાનંદ પ્રીતે થાળ ગાય છે;જમોને જીવન, થાળની પ્રસાદી બહુ ચ્હાય છે. ૩૭