અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ ૧/૧

અવિનાશી આવો રે, જમવા કૃષ્ણહરિ;
	શ્રીભક્તિધર્મ સુત રે, જમાડું પ્રીત કરી	...૧
શેરડીઓ વાળી રે, ફૂલડાં વેર્યાં છે;
	મળિયાગરે મંદિર રે, લીંપ્યાં લેર્યાં છે	...૨
ચાંખડીઓ પે’રી રે, પધારો ચટકંતા;
	મંદિરીએ મારે રે, પ્રભુજી લટકંતા	...૩
બાજોઠે બેસારી રે, ચરણકમળ ધોઉં;
	પાંપણીએ પ્રભુજી રે, પાવલિયા લોઉં	...૪
ફુલેલ સુંગધી રે, ચોળું હું શરીરે;
	હેતે નવરાવું રે, હરિ ઊને નીરે		...૫
પેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી;
	ઉપરણી ઓઢાડું રે, અતિ ઝીણી પોતી	...૬
કેસર ચંદનનું રે, ભાલે તિલક કરું;
	વંદન કરી વિષ્ણુ રે, ચરણે શીશ ધરું	...૭
ઉર હાર ગુલાબી રે, ગજરા બાંધીને;
	નીરખું નારાયણ રે, દૃષ્ટિ સાંધીને	...૮
શીતળ સુંગધી રે, કળશ ભર્યા જળના;
	ઉલેચ બાંધ્યા છે રે, ઉપર મખમલના	...૯
કંચન બાજોઠે રે, બિરાજો બહુનામી;
	પકવાન પીરસી રે, થાળ લાવું સ્વામી	...૧૦
મોતૈયા લાડુ રે, સેવૈયા સારા;
	તમ કાજ કર્યા છે રે, લાખણશાઈ પ્યારા	...૧૧
મગદળ ને સેવદળ રે, લાડુ દળના છે;
	ખાજા ને ખુરમા રે, ચૂરમા ગોળના છે	...૧૨
જલેબી ઘેબર રે, બરફી બહુ સારી;
	પેંડા પતાસાં રે, સાટા સુખકારી	...૧૩
મરકી ને મેસુબ રે, જમો જગવંદનજી;
	સુતરફેણી છે રે, ભક્તિનંદનજી		...૧૪
ગગન ને ગાંઠિયા રે, ગુંદવડા વાલા;
	ગુલાબપાક જમજો રે, ધર્મતણા લાલા	...૧૫
એલાયચી દાણા રે, ચણા છે સાકરિયા,
	ગુંદરપાક સુંદર રે, જમજો ઠાકરિયા	...૧૬
ટોપરાપાક ટાઢો રે, સકરપારા સારા;
	સેવો ઘી સાકર રે, તમે છો જમનારા	...૧૭
કેસરિયો બીરંજ રે, ગળ્યો ને મોળો છે;
	સાકરનો શીરો રે, હરીસો ધોળો છે	...૧૮
લાપસી કંસારમાં રે, ઘી બહુ રસબસ છે;
	ખીર ખાંડ ઘી રોટલી રે, જમો બહુ સરસ છે...૧૯
બદામ ચારોળી રે, દ્રાક્ષ તે નાંખીને;
	દૂધપાક કર્યો છે રે, જુઓ હરિ ચાખીને	...૨૦
પૂરી ને કચોરી રે, પૂરણપોળી છે;
	રોટલીઓ ઝીણી રે, ઘીમાં ઝબકોળી છે	...૨૧
પાપડ ને પૂડલાં રે, મીઠા માલપૂડા;
	માખણ ને મીસરી રે, માવો દહીંવડાં	...૨૨
ઘઉંની બાટી રે, બાજરાની પોળી;
	ઝાઝી વાર ઘીમાં રે, હરિ મેં ઝબકોળી	...૨૩
તલસાંકળી સુંદર રે, બીજી ગોળપાપડી;
	ગાંઠિયા ને કળી રે, ત્રીજી ફૂલવડી	...૨૪
ભજિયાં ને વડાં રે, સુંદર દહીંથરિયાં;
	વઘાર્યા ચણા રે, માંહી મીઠું મરિયાં	...૨૫
ગુંજા ને મઠિયા રે, ફાફડા ફરસા છે;
	અળવી આદાનાં રે, ભજિયાં સરસાં છે	...૨૬
કંચન કટોરે રે, પાણી પીજોજી;
	જે જે કાંઈ જોઈએ રે, તે માગી લેજોજી	...૨૭
રોટલી રસ સાકર રે, જમજો અલબેલા;
	રાયણ ને રોટલી રે, ખાંડ કેળાં છેલા	...૨૮
મોરબા કર્યા છે રે, કેરી દ્રાક્ષ તણા;
	સુંદરવર જમજો રે, રાખશો મા મણા	...૨૯
કટોરા પૂર્યા રે, સુંદર શાકોના;
	કેટલાક ગણાવું રે, છે ઝાઝાં વાનાં	...૩૦
સુરણ તળ્યું છે રે, સુંદર ઘી ઝાઝે;
	અળવી ને રતાળુ રે, તળ્યાં છે તમ કાજે	...૩૧
મેં પ્રીત કરીને રે, પરવળ તળિયાં છે;
	વંતાક ને વાલોળ રે, ભેળાં ભળિયાં છે	...૩૨
કંકોડા કોળાં રે, કેળાં કારેલાં;
	ગલકાં ને તુરિયાં રે, રૂડાં વઘારેલાં	...૩૩
ચોળી વાલોળો રે, પ્રીત કરી તળિયો;
	દૂધિયા ને ડોડા રે, ગુવારની ફળીઓ	...૩૪
લીલવાં વઘાર્યા રે, થયા છે બહુ સારાં;
	ભીંડાની ફળીઓ રે, તળિયો હરિ મારા	...૩૫
ટાંકો તાંદળિયો રે, મેથીની ભાજી;
	મૂળા મોગરીઓ રે, સુવાની તાજી	...૩૬
ચણેચી ને ડોડી રે, ભાજી સારી છે;
	કઢી ને વડી રે, સુંદર વઘારી છે	...૩૭
નૈયાનાં રાઈતાં રે, અતિ અનુપમ છે;
	મીઠું ને રાઈ રે, માંહી બે સમ છે	...૩૮
કેટલાક ગણાવું રે, પાર તો નહિ આવે;
	સારું સારું જમજો રે, જે તમને ભાવે	...૩૯
ખારું ને મોળું રે, હરિવર કહેજોજી;
	મીઠું મરી ચટણી રે, માગી લેજોજી	...૪૦
અથાણાં જમજો રે, સુંદર સ્વાદું છે;
	લીંબુ ને મરચાં રે, આમળાં આદું છે	...૪૧
રાયતી કેરી રે, કેરી બોળ કરી;
	ખારેક ને રાઈમાં રે, નાખ્યાં લવિંગ મરી	...૪૨
કેરાં ને કરમદાં રે, તળી છે કાચરિયો;
	બીલાં બહુ સારાં રે, વાંસ ને ગરમરિયો	...૪૩
દાળ ને ભાત જમજો રે, તમને ભાવે છે;
	ચતુરાઈ જમતાં રે, પ્રીતિ ઊપજાવે છે	...૪૪
પખાલીના ભાતમાં રે, સુંદર સુંગધ ઘણો;
	એલચીનો પીરસ્યો રે, આંબામોર તણો	...૪૫
મેં કઠણ કરી છે, દાળ હરિ તુરની;
	પાતળી પીરસી રે, કે દાળ મસુરની	...૪૬
મગ ને અડદની રે, કરી છે ધોઈને;
	ચોળા ને ચણાની રે, ઘીમાં કરમોઈને	...૪૭
દહીં ને ભાત જમજો રે, સાકર નાખી છે;
	દૂધ ને ભાત સારું રે, સાકર રાખી છે	...૪૮
દૂધની તર સાકર રે, ભાત જમજો પહેલાં;
	સાકર નાખીને રે, દૂધ પીજો છેલા	...૪૯
જે જે કાંઈ જોઈએ રે, તે કે’જોજી અમને;
	કાંઈ કસર રાખો તો રે, મારા સમ તમને	...૫૦
જીવન જમીને રે, ચળું કરો નાથ;
	ચંદન ગારેશું રે, ધોવરાવું હું હાથ	...૫૧
તજ એલચી જાયફળ રે, જાવંતરી સારી;
	કાથો ને ચૂનો રે, સરસ છે સોપારી	...૫૨
નાગરવેલીનાં રે, પાન લાવી પાકાં;
	ધોઈને લૂછયાં છે રે, અનુપમ છે આખાં	...૫૩
માંહી ચૂરણ મેલી રે, બીડી વાળી છે,
	લલિત લવિંગની રે, ખીલી રસાળી છે	...૫૪
મુખમાં હું મેલું રે, બીડી પ્રીત કરી;
	આરતી ઉતારું રે, પ્રભુજી ભાવ ભરી	...૫૫
ફૂલસેજ બિછાવી રે, પોઢો પ્રાણપતિ;
	પાવલિયા ચાંપું રે, હૈડે હરખ અતિ	...૫૬
થાળ ગાયો પ્રીતે રે, ધર્મકુલ મુગટમણિ;
	આપો પ્રેમાનંદને રે, પ્રસાદી થાળ તણી	...૫૭
 

મૂળ પદ

અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

જમોને જમાડું રે
Studio
Audio
0
0