રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે...ટેક.
રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
		એ હરિ સારુ માથું ઘોળ્યું...રે શિર૦ ૧
રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
		ત્યાં મુખ પાણી રાખીને મરીએ...રે શિર૦ ૨
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
		તે શું જીવે ભૂડું મુખ લઈને...રે શિર૦ ૩
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોરે હોરે જુદ્ધે નવ ચડીએ;
		જો ચડીએ તો કટકા થઈને પડીએ...રે શિર૦ ૪
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
		બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ...રે શિર૦ ૫
 

મૂળ પદ

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

રે શિર સાટે નટવરને વરીએ ...............(૩૦-૧૬)

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ઉપરોક્ત કીર્તનાત્મક ચર્ચા આગળ ચાલતાં તાજી તીક્ષણ ધારની જેમ બ્રહ્માનંદના બ્રહ્મનાદથી સગાં સંબંધીઓની આશાના દોર ઢીલા થયા પરંતુ વળી માતા-પિતાએ લાડુની વૈરાગ્યમય લગનમાં એક અંજલી નાખતાં કહ્યું કે ‘લાડુદાન ! તમને આ ચટકીનો વૈરાગ્ય ચડ્યો છે. એટલે આ બધી વાતો કરો છો. પરંતુ એ જ્યારે ઊતરી જશે ત્યારે ધોબીના કૂતરાની માફક નહીં રહો વાટના કે નહીં રહો ઘાટના. શિવ, બ્રહ્મા, સૌભરિ અને એકલશૃંગી જેવાના વૈરાગ્યમાં પણ વિઘ્નો આવ્યાં છે. માટે અમારું માનો લાડુદાન ! અમારું માનો ! સાંસારિક સુખનું સ્થાપન કરતું માત-પિતાનું મેણું સાંભળીને સ્વામીએ હવે ખરેખર, બ્રહ્મમસ્તીના વીરરસમાં આવી જઈને વીરાસન વાળી વીરહાંક સાથે કીર્તનને આગળ વધાર્યું.

વિવેચન

ભાવાર્થઃ- સો માથાં જાતાં રે સોંઘા છોગાળા, એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમારા. એ ન્યાયે સ્વામી આ પદમાં હરિનો મારગ શૂરાનો છે. એમ બતાવી માથા સાટે મોહનવરને વરવાનું કહે છે. વર્યા પછી શું ? તો ગમે તેવું દુઃખ આવે તો પણ પીછે હઠ ન કરવાની બાબત ખાસ બતાવે છે. ઉત્કૃષ્ટ પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ ત્યાગ જરૂર હોવો જોઈએ. જે માથું આપી શકે, એ જ ભગવાન પામી શકે. IIટેકII સ્વામી કહે છે કે મેં તો અંતરાભિમુખ થઈ આત્મનિરિક્ષણ કરી જોયું તો જણાયું કે આ પ્રગટ પ્રભુના નિશ્ચય માટે ઝાઝું ડહાપણ ડોળવાની જરૂર નથી. હે શંભુદાનજી ! આપણા ડહાપણે તો આજ દિન સુધી ડાટ જ વાળ્યો છે માટે હવે તો જરૂર છે ફક્ત આ હરિવરને ચરણે માથું ધરી દેવાની. આ હરિવરને માટે એક નહીં પણ સો માથા પણ દેવા તૈયાર છું. II૧II પિતાજી! હું સમજ્યા વિના આ સહજાનંદને શરણે નથી થયો. આ સત્સંગ રણમાં સંત સંગ્રામે શહીદ થઈ જવા સમજીને જ નીકળ્યો છું. હવે કોઈથી ડરીશ નહીં. આ મહારાજ પાસે તો મુખનું પાણી રાખીને જ મરીશ. તમારે પણ લોકલાજથી ડરવું નહીં. હિંમત વિનાનું વેણ બોલવું નહીં. જો આપણે પ્રભુપ્રસન્નતા પ્રાપ્ત કરવા રણમેદાનમાં ઊતર્યા હોઈએ, તો જેમ વીરપુરુષો રણમેદાનમાં ઊતર્યા પછી પાછી પાની કરતા નથી, તેમ હરિને મળવામાં પણ હારવું નહીં. II૨II જેમ કોઈ પ્રથમ શૂરવીર થઈને રણમાં ઉતરી પડે, ને પછી તીર, તલવાર ને તોપોની તડામારી જોઈને મૂઠીઓ વાળે, તો એ જગતમાં કેવું મુખ લઈ જીવે? માટે આપણે પહેલું જ મનમાં નક્કી કરવું જોઈએ કે મારામાં કેટલી શક્તિ છે? ને પછી જ દેશ યા ધર્મના યુદ્ધે ચડવું એ બરાબર છે. પણ હોરે –હોરે યુદ્ધે ન ચડાય. ચડ્યા પછી તો કટકા થઈને જ પડવું ઉત્તમ છે. માટે હે પિતાજી ! મેં આ કેસરિયા કર્યાં છે એ કાંઈ લોલે લોલ નથી કર્યાં. મનમાં બરાબર નક્કી કરીને પછી જ આ નારાયણને નમ્યો છું. હવે, ‘अर्थं साधयामि वा देहं पातयामि I’ દેહ જીવો કે મરો, દેહે સુખ થાઓ કે દુઃખ થાઓ પરંતુ હવે તો મારું શેષજીવન આ સહજાનંદના સાન્નિધ્યમાં જ વિતાવીશ. નિત-નિત નવીન રંગ સાથે જ આ હરિને રટીશ. ગમે તેવા આકરા નિયમની હાંક વાગશે તો પણ પાછો હટીશ નહીં. સ્વામી કહે છે આ મહારાજને મળવા માટે જ હું મરી મટીશ. અને રોજ નવીન શ્રદ્ધારૂપી રંગથી આ સહજાનંદને જ સેવીશ. II૩ થી ૫II રહસ્યઃ- બ્રહ્માનંદસ્વામીએ આ પદોમાં માત-પિતાનાં વચનોને ઉદ્દેશી નટવરને વરવાની વાત રણમેદાનમાં જંગ જીતવા જેવી છે એમ સૂચવ્યું છે. અહીં ભક્તિની વાત લડાઈના ધોરણે એનાં રૂપકોમાં રજૂ થઈ છે. આ બંને પદોમાં સ્વામીની શ્રદ્ધાનું બળ છે, ઓજસ છે અને કવિના ચારણી સાહિત્યનું તેજ ઝળકે છે. શબ્દે-શબ્દે મોહનવરને મળવાની મર્દાનગી તળપદી ભાષામાં પ્રયોજેલી છે. આ કીર્તનમાં સંસારની અસારતાએ સમર્પણના ભાવો સચ્ચાઈ અને મર્મવેધકતાથી બતાવ્યા છે. ભક્તિનો પંથ પ્રભુ પ્રત્યે પહોંચવાનો પ્રેમશૌર્યનો પંથ છે. પરંતુ તે પ્રેમશૂરવીરતા વિના ટક્તો નથી. એવું ભક્તિનુ રણક્ષેત્ર બતાવ્યું છે. આ પદો નિત-નિત ગાવાથી સંસારના સુખ ત્યાગવાનો તરવરાટ અને પ્રગટ પ્રભુને પામ્યાનો પમરાટ આપણા જીવનમાં સાકાર થશે. વળી, આ પિતા-પુત્રની રકઝક કોઈ એક દિવસની જ નહોતી. ’બ્રહ્મસંહિતા’ માં માવદાન કવિ નોંધે છે કે લાડુદાનને સંસારમાં પાછા લઈ જવા માટે પિતા શંભુદાનજી સહિત બધાં કુટુંબીજનોએ આઠ દિવસની છાવણીઓ ગઢપુરમાં નાખી હતી. કુટુંબીજનોના આગ્રહભર્યાં વચનોને પાછી ઠેલતા પ્રત્યુત્તરરૂપે સ્વામી રોજ એક ચોસર નવું બનાવી તેઓને સંભળાવતા. તો નિમ્નલિખિત બન્ને પદો પણ ઉપરોક્ત પ્રસંગે જ બનેલા છે. માટે અહીં તેમની ઉત્પત્તિ ફરી વાર નહીં લખતાં કેવળ ભાવાર્થ જ દર્શાવીએ છીએ.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શિવરંજની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0