મરમાળા મનમાન્યા માવા, રહો આંખડલી આગે આવા ૨/૪

મરમાળા મનમાન્યા માવા, રહો આંખડલી આગે આવા	...ટેક.
તારાં મનમોહન મીઠાં વેણાં, આવો શ્યામ તમે મને સંભળાવા	...૧
નિત્ય વાલમ આવો મારે મંદિરીએ, રૂડી ચાલ ચતુરાઈ શિખાવા	...૨
તમે નાવો તો હું નંદજીને ફળીએ, બહુ હેત કરીને આવું બોલાવા...૩
બ્રહ્માનંદના બાળ સનેહીડા, રાખું જોર કરીને નહીં દઉં જાવા	...૪
 

મૂળ પદ

ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- ઉપરોક્ત પ્રસ્તુત કીર્તનનું આ બીજું પદ છે. સ્વામી બીજા પદમાં કહે છે કે, હે મોહનવર મરમાળા ! અમે તો તમને જ અમારા માન્યા છે. હંમેશને માટે અમારી આંખડલી આગળ આવા ને આવા રહેજો અને એટલું જ નહીં, પણ તમારાં મીઠાં વેણાં તમે પ્રીતથી અમને સંભળાવજો. II૧II હે નવલ સનેહી નાથજી ! તમે મારે મંદિરિયે રોજ રોજ આવી આ પિંડબ્રહ્માંડરૂપી જંજાળી સંસારમાં અસંગી રહી કેમ ચાલવું એ શીખવાડજો. તમારા દર્શ-સ્પર્શનું સુખ આપવા જો તમે નહીં આવો તો હું તમને અતિ હેતથી બોલાવવા આવીશ. સ્વામી કહે છે કે પછી તો તમને ભાવાત્મક ભક્તિથી જોર કરીને રાખીશ. ક્યારેય જાવા નહીં દઉં. કારણ અમે તો એક આપનાં જ સુખે સુખી છીએ. આપ તો અનેક વેશપરિધાન કરો છો. સ્નેહથી ભર્યા-ભર્યા છો. માટે જ તમને અમારા અંતઃપુરમાં આવવાનું આમંત્રણ આપીએ છીએ. II૨ થી ૪II રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનમાં મહારાજની વાસ્તવિક છબી કવિના હૃદયમાં પ્રગાઢપણે અંકિત થયેલી દેખાય છે. તેથી જ રુચિકર શૈલીમાં વર્ણન કર્યું છે. પદમાં પ્રાસાદિક્તાનો અને મધુરતાનો ગુણ ધ્યાન ખેંચે છે. પદ સુગેય છે. પદનો ઉપાડ અદ્ભુત છે. એટલે વધુ આકર્ષક અને આનંદાત્મક લય જણાય છે. પદનો ઢાળ લોકઢાળ છે. તાલ કેરવા છે. પદના લયમાં તાલની માત્રાઓના વજનમાં સમ-વિસમ લાગ્યા કરે છે. જે ભક્ત અને ભગવાન વચ્ચે થયેલ મીઠી રકઝકની અનુભૂતિ કરાવે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
6
11