સાવરો હરિ ખેલત હોરી હોરી રે ૧/૪

૯૭ પદ-૧/૪ રાગ કાફી હોરી.

(રંગકી ધૂમ મચાઇ રે રંગભીને સાંવરે-એ રાગ).

સાવરો હરિ ખેલત હોરી હોરી રે સા. ટેક.

રચ્યો અખાડો શ્રી બોટાદપુરમે, ભકત ભીર ચહુકોરી,

કર કંચન પિચકારી સોહાવે, છીરકે રંગ બરજોરી,

લેત હરિજન ચિત ચોરી. સાવરો. ૧

રંગ ઉડાત મુખ મુસકાવત, ભીંજી ભકત જન ટોરી,

રંગમે રસબસ રાજત ધરની, મેઘ જ્યું અતિ બરસોરી,

બજત બાજે ઘનઘોરી. સાવરો. ર

સુરકે ગાયક મગન ગગનમેં, ગાવત તાનન તોરી,

ખેલ બિલોકત દેવ મુદીત મન, નમત પાની જુગ જોરી,

દેખી છબી મેન લજયોરી. સાવરો. ૩

નાચત નભ સુર નારી મનોહર, હેરત ચંદ જ્યું ચકોરી,

કૃષ્ણાનંદ ચતુર મનમોહન, રહો ઇનમે રતિ મોરી,

શામ મેરી જીવન દોરી. સાવરો. ૪

મૂળ પદ

સાવરો હરિ ખેલત હોરી હોરી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ઉત્પત્તિ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી સમકાલીન નંદ સંતો પૈકી કૃષ્ણાનંદ નામે ત્રણ સંતો થઇ ગયા. સંત કવિ શ્રી મંજુકેશાનંદ સ્વામી ‘નંદનામમાળા’ માં નોંધે છે; “કૃષ્ણાનંદ મોટા સમાધિવાન, અહોનિશ રાખે અંતર હરિ ધ્યાન; કૃષ્ણાનંદ બીજા ગુરુ થઇ ફરે , કૃષ્ણાનંદ ત્રીજા વાતું રૂડી કરે .” જો કે સ. ગુ. આધારાનંદ સ્વામી કૃત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’માં ત્રણ કરતા વધારે કૃષ્ણાનંદ બતાવેલા છે. જયારે વૈરાગ્યમૂર્તી સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્ત ચિંતામણિ‌ ‘ નાં પ્રકરણ ૫૨/૧૩ માં પરમહંસોમાં એક અને પ્ર. ૫૨/૨૩ માં એક સન્યાસી કૃષ્ણાનંદનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ બધાયમાં ‘શ્રીહરિચરિત્રામૃત’ ગ્રંથના રચયિતા સંત કવિ સ્વામી કૃષ્ણાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનાં ભક્તિરસથી ભરપૂર કાવ્યોને કારણે અતિ પ્રસિદ્ધ થયા છે. સ્વયં જ પોતાનો પરિચય આપતા કવિ ‘શ્રીહરિચરિત્રામૃત’ નાં ૬૫મા અધ્યાયમાં લખે છે; “કૃષ્ણાનંદ આનંદી કૃપાળ, ગ્રંથકર્તા બુદ્ધિ વિશાળ” આજે સંપ્રદાયમાં કેટલાક સ. ગુ. બ્રહ્મચારી શ્રી અચિં‌ત્યાનંદ વર્ણીને જ કૃષ્ણાનંદ સ્વામી તરીકે ઠરાવે છે, પણ સ.ગુ. આધારાનંદ સ્વામી કૃત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’માં શ્રીજી સમકાલીન સંતોની જે નામાવલિ આપેલ છે એમાં અચિં‌ત્યાનંદ અને કૃષ્ણાનંદ એમ બંને સંતોનો અલગ અલગ .. સાંવરો હરી ખેલત હોરી ઉલ્લેખ થયેલો છે. સંભવ છે, અચિં‌ત્યાનંદ સ્વામીને જ કૃષ્ણાનંદ સ્વામી માનવા પાછળ કદાચ સંપ્રદાયમાં પ્રચલિત એક કિં‌વદંતી કારણભૂત હોઈ શકે . એમ કહેવાય છે કે સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામી અને બ્રહ્મચારી અચિં‌ત્યાનંદજી બન્ને વડતાલ મંદિરમાં રહેતા હતા અને બન્ને વચ્ચે ખૂબ સ્નેહ હતો. કૃષ્ણાનંદ ઠર્યા એક કવિ અને અચિં‌ત્યાનંદ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ! જ્ઞાનીસે જ્ઞાની મિલે , કરે જ્ઞાનકી બાત ! બન્ને સંતો એકબીજાના નિત્ય સમાગમમાં પ્રભુ ભજનમાં મગ્ન રહેતા હતા. ત્યાં અચાનક એક દિવસ બ્રહ્મચારી અચિં‌ત્યાનંદ વર્ણીને ધ. ધૂ. આચાર્યશ્રીએ જૂનાગઢ સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલ્યા . વર્ણીને ઘણો વખત જૂનાગઢ રોકાવું પડ્યું . બન્ને સંતોને આ કારણે ઘણો લાંબો વિયોગ સહેવો પડ્યો. અચિં‌ત્યાનંદ વર્ણી પોતે મહા વિદ્વાન તો હતા જ, એમાં વળી કૃષ્ણાનંદ જેવા રસ-કવિનો સંગ સેવેલો; એટલે જૂનાગઢના વસવાટ દરમ્યાન તેમને જે કાવ્યો સ્ફૂર્યા એ તેમણે કૃષ્ણાનંદના નામે રચ્યા. એ જ પ્રમાણે વડતાલમાં કૃષ્ણાનંદ સ્વામીએ અચિં‌ત્યાનંદના નામે સંસ્કૃતમાં સ્તોત્રો/ગ્રંથ રચ્યા અને આમ બન્ને સંતોએ એકબીજાને યાદ કારી, એકબીજાને નામે રચના રચી. જો કે આ વાતને કોઈ ગ્રંથસમર્થન નથીં મળતું એટલે અત્રે એનો ઉલ્લેખ માત્ર જ પૂરતો છે. કૃષ્ણાનંદ સ્વામીના પૂર્વાશ્રમ વિષે જે થોડી ઘણી માહિતી મળે છે એ પ્રમાણે તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા રાણપુર ગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી પરમાનંદ વ્યા‌સને ત્યાં થયો હતો. એમની માતાના નામનો કોઈ ઉલ્લેખ મળતો નથી. બાળપણથી જ પૂર્વના સંસ્કારને કારણે સહજ સ્વભાવે પ્રગટેલા વૈરાગ્યથી પ્રેરિત થઈને તેમણે ક્યારે દીક્ષા ગ્રહણ કરી તેનો કોઈ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. પરંતુ તેમણે પોતે જ ‘શ્રીહરિચરિત્રામૃત’માં લખ્યું છે તે પ્રમાણે : “પરમહંસની દીક્ષા આપી , પાડ્યું કૃષ્ણાનંદ વળી નામ . પાસે રાખી ગુરુ પ્રીતથી , કરી આજ્ઞા સુંદર ઘનશ્યામ.” શ્રીજીએ સ્વયં તેમને દીક્ષા આપી ‘કૃષ્ણાનંદ ‘ નામ પાડ્યું હતું એ વાત તો અહીં‌ નિર્વિવાદ પુરવાર થાય છે. સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામીએ એમનાં શ્રીજી સાથેના ઘણા પ્રસંગ ‘શ્રીહરિચરિત્રામૃત’ માં આલેખ્યા છે. એમાંથી કેટલાક પ્રસંગો આપણે અહીં જોઈએ. કૃષ્ણાનંદ માત્ર કવિ જ નહોતા , સારા ગવૈયા પણ હતા . સં. ૧૮૮૩માં ગઢડામાં પ.પૂ. શ્રી ઇચ્છારામભાઈ ધામમાં ગયા ત્યારે દાદા ખાચરના દરબારમાં ભરાયેલી સંત-હરિભક્તોની સભામાં શ્રીજીમહારાજે કૃષ્ણાનંદ સ્વામીને બ્રહ્મમુનિ રચિત ‘લગાડી તે પ્રીતિ લાલ’ એ કીર્તન ગાવાનું કહ્યું અને પ્રભુઆજ્ઞાશિરોમાન્ય ગણીને કૃષ્ણાનંદે‌ એ કીર્તન સભામાં ગાઈને મહારાજને પ્રસસન્ન કર્યા . શ્રીજીએ રાજી થઈને સ્વામીને પોતાનો પ્રસાદીનો પોષક આપ્યો. કવિ આ પ્રસંગને યાદ કરતાં લખે છે;‘સાંભળી પદ રાજી થયા, મુને આપ્યો અંગપોશાગ સભાસદને દેખતે , કરી વાલમ અતિ અનુરાગ. આ પ્રસંગ સ.ગુ. કૃ્ષણાનંદ સ્વામીની ગાયન –વિશદ્‌તા પુરવાર કરે છે . વ્યવહારદક્ષતા પણ કૃષ્ણાનંદમાં એટલી બધી હતી કે શ્રીહરિએ સં. ૧૮૮૬નાં શ્રાવણ માસમાં એક દિવસ કૃષ્ણાનંદ સ્વામીને બોલાવીને આજ્ઞા કરી કે ‘સ્વામી! તમે થાન જાઓ ને ત્યાં મંદિર માટે યોગ્ય જગ્યા પસંદ કરી ત્યાંના દરબારને મળો ને જગ્યા આપવા સમજાવો . જો એ જગ્યા આપવા રાજી થાય તો તેનો પાકો લેખ કરાવીને લેતા આવો.’ સ્વામી તત્કાળ થાન ગયા ને ત્યાંના દરબાર બાપુસિંહજીને મળી મંદિર માટે જગ્યા મેળવી તેનો પાકો લેખ લખવી ગઢડા લેતા આવ્યા ને મહારાજને બતાવ્યો. શ્રીહરિ લેખ વાંચીને કૃષ્ણાનંદ ઉપર અત્યંત પ્રસન્ન થયા. સ્વામી કૃષ્ણાનંદ શૂરવીર સંત હતા. મહારાજને શૂરવીરતાનું અંગ બહુ ગમતું. એકવાર વડતાલમાં શ્રીજીમહારાજ સભા કરીને બેઠા હતા, તેમાં મહારાજે વાત કરી કે “ભગવાનનું ધ્યાન કરવા તથા સભામાં જેટલી વાર બેસવું તેટલી‌ વાર સંતોએ નાસિ‌કાગ્ર વૃતિ રાખી બેસવું. માખ, મચ્છર કરડે તો થડકવું નહિ . એવા શૂરવીર સંત હોય તે સભામાં ઊભા થાઓ.” ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’માં આ પ્રસંગ ટાંકી સ. ગુ. આધારાનંદ સ્વામી આગળ લખે છે કે ત્યારે કૃષ્ણાનંદ સ્વામી સભામાં ઊભા થયા હતા . *(‘શ્રીહરિચરિત્રામૃત સાગર (પૃ ૧૭, તરંગ -૧૦ )) સત્તરમાં પૂર્ણ તરંગ ૮૪ માં વળી કવિ આધારાનંદ સ્વામી ફરી આ જ કથનની પુનરુક્તિ કરતા લખે છે: ‘સાધુમાં સમાધિનિષ્ઠ કૃષ્ણાનંદ , કૃપાનંદ વગેરે હતા; તેમાં ભણતા કૃષ્ણાનંદ શૂરવીર હતા.’ શ્રીજીમહારાજે કવિ કૃષ્ણાનંદ સ્વામીને પોતાની પાસે રાખી કાવ્ય કોષાદિક ગ્રંથ ભણાવીને ગ્રંથ રચવા માટે પ્રેર્યા હતા. એવો ઉલ્લેખ સ્વામીએ પોતાના ગ્રંથમાં કરતા લખ્યું છે: “પાસે રાખી ગુરુ પ્રીતથી , કરી આજ્ઞા સુંદર ઘનશ્યામ, દીધી કવિ સવિતાની સ્વામીને , શુભગ્રંથ કરવા કાજ .” ................. કાવ્ય કોષાદિક ગ્રંથને શિખવી શ્રી સુખકંદ; ગ્રંથ કર્યો નિજ સ્વામીએ , સુખકારી આનંદકંદ .” એકવાર શ્રીજીમહારાજ સંતો સાથે ગઢડાથી નીકળી વિચરણ કરતા કરતા લીંબડી, શિયાણી, દેવળિયા. ગામ વડલે , ઘોડા, માછિયાવ, કુંવાર્ય , સાણંદ વગેરે ગામડાઓમાં હરિભક્તોના પ્રેમભર્યા આગ્રહથી રોકાતા રોકાતા મનીપાર ગામ આવ્યા. ત્યાના ભક્તો રામદાસજી, જીવનદાસ, મનોહરદાસ , રૂપાબાઈ વગેરેએ મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું. શ્રીજી સંતો સાથે ત્યાં રાત ��ોકાયા. રાત્રે શ્રીહરિ તથા સંતોને ત્યાંના હરિભક્તોએ ખૂબ ભક્તિભાવપૂર્વક જમાડ્યા. પછી ધૂન કરી મહારાજ પોઢી ગયા. સંત-હરિભક્તો રાત્રે કીર્તન ગાતા હતા . સંતોમાં મુખ્યત્વે કવિ કૃષ્ણાનંદ અને ત્યાગાનંદ સ્વામી હતા. કૃષ્ણાનંદ તથા ત્યાગાનંદ સ્વામીએ ત્યાં આખી રાત કીર્તન ગાઈ હરિભક્તોને ખૂબ સમાસ કરાવ્યો. “કૃષ્ણાનંદ ત્યાગાનંદ નામ , ગાયા કીર્તન ત્યાં સારી યામ.” શ્રીહરિચરિત્રામૃત : અ. ૫૯/શ્લોક ૫૭) આવા તો કેટલાય પ્રસંગો કવિએ શ્રીજીની સ્મૃતિ સાથે આલેખ્યા છે. સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામીએ ઘણા ભક્તિરસ સભર કાવ્ય-કીર્તન રચ્યા છે. સ.ગુ. પ્રેમાનંદ સ્વામી રચિત ‘વંદુ સહજાનંદ રસરૂપ’ ઇત્યાદિ ધ્યાનમાળાના પદોની જેમ સ.ગુ. કૃષ્ણાનંદ સ્વામીએ પણ શ્રીજીમહારાજની મૂર્તિના અંગોઅંગની શોભાનું ચિંતવન કરતુ કાવ્ય ગરબીના ચાર પદોમાં – ‘આવો મારે મંદિર સહજાનંદ, મનોહર શ્રીહરિ રે લોલ .....’ તથા ‘શીર પાઘલડી સોનેરી રે, ઝળકે સુરજ્સમ ભારી’ વગેરે પદોમાં રચ્યું છે. સં. ૧૮૭૫માં મહા સુદ વસંતપંચમીએ શ્રીજીમહારાજે ગઢપુરમાં વસંતોત્સવ બહુ ધામધૂમથી કર્યો. સૌને રંગે રમાડ્યા. આ પ્રસંગે ગઢપુરમાં ગામેગામથી ભક્તોનો માનવ મહેરામણ ઊમટ્યો હતો. બોટાદના હરિભક્તો પણ આવ્યા હતા. જતી વખતે તેમણે મહારાજને વિનંતી કરી ‘પ્રભુ ! હવે ફાગણ સુદ પૂનમે ફૂલડોલનો ઉત્સવ બોટાદમાં કરવા પધારો તો બહુ કૃપા થશે. આપ અનુમતિ આપો તો અહી જ સૌને આમંત્રણ આપી દઈએ.’ મહારાજે ભક્તોનો ભાવ જોઇને પ્રસન્ન થઇ તત્કાળ અનુમતિ આપી દીધી. ફાગણ સુદ ચૌદશે મહારાજ ગઢપુરથી સંત હરિભક્તો સાથે બોટાદ પધાર્યા. બોટાદના હરિભક્તો હમીર ખાચર , તેમના પુત્ર દાહા ખાચર, સોમલા ખાચર, માતરા ધાધલ, ભગા દોશી વગેરેએ મહારાજનું ભાવભીનું સામૈયું કર્યું. ગામ બહાર પશ્ચિમ બાજુ એક વિરાટ વટવૃક્ષ હેઠળ હરિભક્તોના ઉતારા હતા,ત્યાં એક મોટો મંચ બાંધવામાં આવ્યો હતો. રંગના ભરેલા ચરુ તથા અબીલ ગુલાલ ગાડાઓ ભરીને ત્યાં લાવવામાં આવ્યા. મહારાજ સંતહરિભક્તો સાથે ત્યાં ખૂબ રંગે રમ્યા. પછી ત્યાંથી રંગભર્યા વસ્ત્રોમાં જ મહારાજ માણકીએ ચડી સંત-હરિભક્તોના સંઘ સાથે બોટાદની બજારમાં નીકળ્યા. મહારાજ ઘડીક હાથમાં સોનાની પિચકારી લઈ સંતહરિભક્તો પર રંગની છોળ છોડતા તો ઘડીક અબીલ ગુલાલ ઉડાડતા . સૌ સંત હરિભક્તો મહારાજના રંગમાં રસબસ થઈને હર્ષોલ્લાસથી નાચી ઉઠ્યા હતા. બોટાદની બજાર ને શેરીઓ રંગમાં રોળાઈ ગયા. આ રંગોત્સવની વિશેષતા એ હતી કે એ કોઈ એક સ્થળે જ ન ઉજવાતા, આખાય બોટાદમાં સહભાગી થઈને ભાવવિભોર બની સંત કવિ કૃષ્ણાનંદ શ્રીજીની આ રંગલીલાને માધુર્યસભર માહાત્મ્ય સહિત કાવ્યમાં વર્ણવીને ત્યાં ગાયું હતું: “સાંવરો હરી ખેલત હોરી.... સાંવરો . રચ્યો અખાડો શ્રી બોટાદપુરમે ભક્ત્ભીર ચહુકોરી, કર કંચન પિચકારી સોહાવે છીરકે રંગ બરજોરી: લેત હરીજન ચિત્ત ચોરી.......”

વિવેચન

આસ્વાદ : ગઢડામાં એકવાર આત્મદર્શી સંત સ.ગુ. સ્વરૂપાનંદ સ્વામી બહુ માંદા થયા. ઘણા ઔષધ , ઘણા ઈલાજ કર્યા, પણ સ્વામીને દેહમાં જે કારમી દાહ થતી તેમાં કાંઈ રાહત ન થઇ. નિષ્કુળાનંદ તથા પરમહંસાનંદ સ્વામી તેમના શરીરે ઠંડા પાણીના પોતા મુક્તા‌ , દ્રાક્ષ તથા સાકરના પાણી પાતા , આખા શરીરે ચંદન ચર્ચતા, એમ ઠંડકના બધાં ઉપાયો કરવા છતાં ફેર પડતો નહિ. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું: “ તમે તો સમર્થ છો. ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર વર્તો એવા મહાન સિદ્ધ છો. તે વાત ક્યાં ગઈ ? “ત્યારે સ્વરૂપનાનદજી હાથ જોડી દીનભાવે બોલ્યા: “પ્રભુ આપે આ પીડા આપી મને સિદ્ધપણાનાં અભિમાનરૂપી વિઘ્નથી બચાવ્યો છે. આપે જ કૃપા કરી આ દર્દ મૂક્યું છે તો આપ જ ઉપાય બતાવો !” આ સાંભળી મહારાજ મરક્યા , પછી સ્વામીને શરીરે હાથ ફેરવતા બોલ્યા : “ સ્વામી ! અમે દાદા ખાચરના તથા જીવા ખાચરના દરબારમાં વારંવાર રંગ રમ્યા છીએ અને સંતહરિભક્તોની સભા કરી છે. તે બધું તમે જોયું છે, તેનું ચિંતવન કરો.” સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજની રંગલીલાનું ચિંતવન કરવા માંડયું અને તેમ કરતાં તેમની દેહ્પીડા ટળી ગઈ અને અંતરમાં પ્રગાઢ શાંતિ વ્યાપી. આધારાનંદ સ્વામીએ ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’માં આ પ્રસંગ નોંધતા લખ્યું છે કે શ્રીહરિની રંગોત્સવ લીલાનું ચિંતવન ત્રિવિધ તાપથી મૂકતી અપાવનાર છે. શ્રીજીની આવી દુઃખનાશક ને આનંદ પ્રેરક રંગ‌લીલાનું રોચક વર્ણન હોળીના પ્રસ્તુત પદમાં કવિ કૃષ્ણાનંદ સ્વામીએ કર્યું છે. બોટાદનો આ ઐતિહાસિક રંગોત્સવ સંપ્રદાયના ઈતિહાસમાં અદ્વિતીય છે. આખુંય ગામ આ રંગોત્સવમાં જોડાયું હતું. ચારેબાજુ ભક્ત સમુદાયોની ભારે ભીડ જામી હતી. મહારાજ હાથમાં સોનાની પિચકારી લઈને રંગ છાંટે છે. સંતહરિભક્તો પણ એ રંગ ઝીલતા જ શ્રીજી પ્રત્યે આકર્ષાય છે. મહારાજના રંગભીના સ્વરૂપમાં સર્વની વૃતિ ચોંટી જાય છે. પ્રભુ તો આનંદનું ઘનસ્વરૂપ છે,એ તો રંગ છાંટતા હસે છે, એમની હર્ષોલ્લાસથી ઓપતી મૂર્તિ જોઈ ભક્તો પણ ભાવાવેશમાં ભીંજાઈ જાય છે. સૌ રંગમાં રસબસ થઇ અનરાધાર વરસાદથી ભીંજાયેલી ધરતીની જેમ શોભે છે. કવિની કલ્પનાનો ઉજ્જવળ કલાઉન્મેષ અહીં વ્યક્ત થાય છે. વાદળ ગડગડે એ રીતે વાદ્યો પણ વાગે છે. ઉપમાનો સુંદર વિનિયોગ કવિ કરી જાણે છે. ‘સુર કે ગાયક મગન ગગન મેં ગાવત તાનન તોરી’ શ્રીહરિની રંગલીલા નીરખીને સમગ્ર સૃષ્ટિ મગ્ન બને છે.ગાંધર્વાદિ દેવ –ગાયકો પણ આકાશમાં રહી આ ગાનતાનમાં જોડાય છે. દેવો પ્રસન્ન ચિત્તે હાથ જોડીને આ લીલાનો દર્શનરસ માણે છે. પ્રેમવિવશ મન સહજભાવે શ્રીજીનું દર્શન કરતાં આનંદ અનુભવે છે. કવિ અહીં પ્રેમની પરાકાષ્ઠાએ અનુભવતી પ્રેમીની મન-સ્થિતિનું આલેખન કરે છે. આકાશમાં દેવાંગનાઓ પણ આનંદ મગ્ન બની નાચી ઉઠે છે અને ચકોરી જેમ ચંદ્રને જોઈ રહે તેમ શ્રીજીને જોઈ રહે છે. કવિ કૃષ્ણાનંદને મન તો સ્વામી સહજાનંદજી મહારાજ જીવનદોરી છે. તેઓ તો ઈચ્છે છે કે જે સ્નેહ્ભાવને પોતે પામ્યા છે એ સ્નેહભાવ પ્રભુકૃપાથી સર્વમાં વિલસી રહો. પદ સુગેય છે. કાફી હોરી રાગ પરંપરાગત હોળીપદનો રાગ છે. એમાં એના બંદિશ ભાવને સુસંગત છે . ‘નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ’ એ એકાંતિક ભક્તના અંતરની અહોનિશ યાચના છે. ભક્ત-હૃદયની જે પ્રામાણિક માંગણી હોય છે તેની સામે પ્રભુ સદાય વરદ્‌ હસ્તે અભય વરદાન જ બક્ષતા હોય છે !

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી