૨૫૮ પદ-પ/ પ
(મારે સોના સમો રે સુરજ ઉગિયો.એ ઢાલ.)
આજ સુરનર રાજ વરરાજ,
પ્યારા શ્રી હરિ સુંદર આવિયા. ટેક.
વરને નિરખે હરખે ઉરમે,
શોભે જાનૈયા કેરો સમાજ. પ્યારા. ૧
પાગ બંકી સોનેરી શિર શોભતી,
તેમાં છોગું મુગટ અનુસાર, પ્યારા.
સોહે નવલ કલંગી લટકંતિ
શિરપેચ મોતી તોરા સાર. પ્યારા. ર
સુરવાલ જરીનો અતિ ઓપતો,
નાડી હિરની સોનેરી તાર, પ્યારા.
જામો જરકશી કેરો અતિ રાજતો,
ખભે શેલુ ગુલાબી છબીદાર. પ્યારા. ૩
સોના કડાં સાંકલાં અતિ ઝલકતાં,
ઉર સોનેરી ઉતરી ઉદાર, પ્યારા.
પોંચી રતન જડિત બાજુ રાજતા,
રાજે મોહન માલા મોતી હાર. પ્યારા. ૪
સોહે કૌસ્તુભમણિ કંઠ ભૂષણ,
કાંને કુંડલ મકરાકાર, પ્યારા.
સોના કંદોરો મણિમય શોભતો,
ચરણે ઝાંઝરનો ઝણકાર. પ્યારા. પ
મંદહાસ વદન છબી જોઇને,
લાજે કોટિ કમલ ઉડુરાજ, પ્યારા.
મૃગ લાજે નેણ છબી જોઇને,
પામે ખંજન મીન અતિ લાજ, પ્યારા. ૬
દંત કુંદ કલિ સમ ઓપતા,
અધર પ્રવાલ બિંબ અનુસાર, પ્યારા.
નાસા તિલ કુસુમ સમ શોભતી,
શોભે ભ્રકુટિ ધનુષઆકાર. પ્યારા.૭
છેલો અમૃત નજરે રે હેરતા,
હરે જન કેરા તાપ અપાર, પ્યારા.
કર લટકાં હસિત છબી જોઇને,
મોહ પામે અનેક નરનાર. પ્યારા. ૮
માથે ફૂલ ખુપ અતિ શોભતો,
ફૂલ ગજરા કાજુ બાજુ હાર, પ્યારા.
શોભા સાગર અંગ અંગ ઉલટ્યો,
વાલા લાગે છે પ્રાણ આધાર. પ્યારા. ૯
જેના એક અંગની શોભા જોઇને,
સરવે લોક શોભા જાંખી થાય, પ્યારા.
કૃષ્ણાનંદ જોઇ વ્રજરાજને,
કોટી કોટી મનોજ લજાય. પ્યારા. ૧૦