૫૫ ૧/૧ શ્રી ગોપીનાથજી મહારાજનો છંદ
ઉન્મત ગંગા તીરપેં, ધન્ય હૈ દુરગપુર ધામ ||
જહાં બીચરે નરદેહધરી, સુંદર શ્રી ઘનશ્યામ || ૧ ||
ધામી અક્ષર ધામકે, સ્વામી સહજાનંદ ||
નામી અનંત નામકે, નિષ્કામી વૃષનંદ || ૨ ||
સ્વામીના ગઢડા સદા, ગઢડા સ્વામી વાસ ||
ગઢડા ગોકુલસેં સરસ, અક્ષર તુલ્ય અવિનાશ || ૩ ||
ગોપીનાથ મહારાજ રૂ, દાદાનો દરબાર ||
લક્ષ્મીબાગ, ઉન્મત નદી, ચિત્ત આકર્ષત ચાર || ૪ ||
(ચર્ચરી છંદ)
આકર્ષત ચીત્ત ચાર, પૂરવ ઉત્તર દ્વાર;
દાદા ખાચર દરબાર, નીંબ વૃક્ષ નિરખો.
હરદમ સંતો હજાર, જમતા જ્યાં જમણવાર,
પોતે પ્રભુ પીરસનાર, પુરષોત્તમ પરખો.
સંતો શિર કરી પ્યાર, રેડત ઘૃત-દધી ધાર,
અદભુત લીલા અપાર, એહ સ્થાન ધારો,
જય જય જદુનાથ, હાથ મુરલી ધરી મુગટ માથ,
ગઢપુરપતિ ગોપીનાથ, આશરો તીહરો || ૧ ||
કલીયુગમાં કલ્પવૃક્ષ, નિરખો આ નીંબ વૃક્ષ,
પુરુષોત્તમજી પ્રત્યક્ષ, સંત સભા ભરતા,
દેતા બ્રહ્મજ્ઞાન દાન, પ્રેમીજન કરત પાન,
વચનામૃતથી મહાન, પ્રશ્ન ઉત્તર કરતા,
મુનિજન સહુ ધરત ધ્યાન, ગુણીજન સહુ કરત જ્ઞાન
ઉત્તમનું સ્થાન જાન, અક્ષર નીરાધારો || જય || ૨
પુરષોત્તમ ધરી પાગ, બીરાજત લક્ષ્મી બાગ,
ગાવત સંત રંગ રાગ, સાજ સમારી,
મુક્તાનંદજી મહાન, પ્રેમાનંદ કરત ગાન
સંગીત સાહિત્ય જ્ઞાન, બ્રહ્મમુનિ ભારી,
ચંપા જુઇ જાઇ ફૂલ, ડોલર મોગરા અમૂલ,
ગહેરા ગુલાબ ફૂલ, હાર હજારો, || જય || ૩
સુંદર વૈતાક શાક, પુરષોત્તમ કરત પાક,
હોવત વસુદેવ હાક, પંક્તિ કરી પીરસે,
વાડી લક્ષ્મી સ્વરૂપ, કોટીક બ્રહ્માંડ ભૂપ,
કાયમ આલય સ્વરૂપ, દેહોત્સર્ગ દર્સે,
ઇચ્છારામ અનુજ વીર, રાજત રઘુવીર ધીર,
બ્રાજત શ્રીજી મંદિર પૂર્વ દીશ પ્યારો || જય || ૪
ઉન્મત ગંગા અભંગ, યમુનાં. સરસ્વતિ, ગંગ,
તાપી, નર્મદા સંગ, નાવત તોલે,
જામેં-શ્રીજી રૂ સંત, ન્હાયે મુનિવર મહંત,
તાકો મહિમા અનંત ખળખળીએ ખોલે,
ઘેલા જળ બુંદ પાય, અગણીત પાતક જલાય,
અંતે અક્ષર અપાય, અધમકો ઉધારો || જય || ૫
ખભે જરીઆન ખેસ, બંસીધર ગોપ વેશ,
વિલસત રાધા વ્રજેસ, નંદકો દુલારો,
હીરા નંગ જડીત હાર, ગજરા તોરા અપાર,
જરીયાની વસ્ત્રધાર, પુરનચંદ્ર પ્યારો,
કાનેં કુંડળ જડીત, ભાલે, તિલક ભળીત,
મૂરતિ મનહર લલીત, સ્નેહથી સંભારો || જય || ૬
શ્રીજી કો અંગ અંગ, ભાવપૂર્ણ હૈ અભંગ,
અંતર આવત ઉમંગ , નિરખત જન નજરે,
રાજત હરિક્રષ્ણ રાજ, કરવાને પૂર્ણ કાજ,
આયો કવિરાજ આજ, માવદાન મજરે,
ચિંતન તવ ચરન ચ્હાય, અંતે અક્ષર અપાય,
સેવકની કરી સહાય, અરજી ઉર ધારો || જય || ૭
|| છપય ||
સંવત વિક્રમ સાલ, ઓગણીસસેં ચોરાશી ||
માઘ માસ તિથી પૂર્ણ, ગ્રહણકી પર્વણી ખાસી ||
ગુરુવારકી રેંન, સ્નાન ઉન્મત ગંગ કીનો ||
ગોપીનાથ કરી દર્શ, રચ્યો યહ છંદ નવીનો ||
સ્વામી અક્ષરાનંદ આદી સબ સભા સુનાયો ||
*શેઠ કલ્યાણજી સાથ, માવ કવિ દર્શન આપો || ૮
ભીમ એકાદશી રાજકવિ
સં. ૨૦૪૫ માવદાનજી.
કાલાવડ ૨૮૨
* મુંબઇના પ.ભ. શેઠ કલ્યાણજી કરમશી દામજી જે.પી.