૬૦ ૧/૧ શ્રીજીપ્રતાપ-કાવ્યાષ્ટક,
|| ઝુલાણા છંદ ||
(૧)
અખિલ સંસારમાં જીવ કૈં અવતરે,
પુર્વના કર્મ સુખ દુ:ખ પાવે ||
કોટી ઉપાય જો કરે માનવી,
કર્મના લેખ મિથ્યા ન થાવે ||
પુરાતન કાળથી એમ સહુ ભાંખતા,
કર્મ, પુરષાર્થના કરી કજીઆ ||
(પણ) ભાવથી શ્રીહરિ સદા ભજીઆ ||
(૨)
કઠણ હોય ગ્રહ દશા, કાળ પણ કઠણ હોય,
કઠણ હોય કર્મના લેખ અવળા ||
શ્રીજીના પ્રતાપે સંતના વચનથી,
સત્ય કવિ માવ કહે થાય સવળા ||
અન્ય ગાથા તજી મુજ તણી ઉચ્ચરૂં,
ત્રુટી આયુષથી કો ઉગારે ? ||
(પણ) શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૩)
જન્મ મહાપુરૂષના વચનથી જગતમાં,
કર્યો વ્હેવાર પણ સંત વચને ||
અઠાવન વર્ષના મધ્યમાં આવતાં,
ત્રુટિ આયુષ્ય જ્યોતિષ વચને ||
વાત ફાગણ સુદી પંચમી ઘટ તણી,
લખી જનમોત્તરી લેખનારે ||
શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૪)
વામ ભુજા મહીં વ્યાધી થઈ ‘વા’ તણીં,
દીવસ દસ ભોગવ્યા કષ્ટ કારી ||
સંતના વચનનું બળ બહુ દિલ વિષે,
શ્રીજી સર્વોપરી દીલ ધારી ||
*”ષડક્ષર” મંત્રનો જાપતો જીગરથી,
“ભક્ત ચિંતામણી” પાથ ભારે ||
શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૫)
સ્થાન સર્વોપરી શ્રીજીની ગાદીનું
તીર્થ ભદ્રાવતીને કીનારે ||
જેતપુર મંદીરે મહાપૂજા તણા,
અલૌકિક મંત્ર સંતો ઉચારે ||
કવિ પૂકારે ગુરૂદ્વાર જાણી કર્યો,
ગ્રાહ-ગજરાજ સમ વિપત વારે ||
હરિની કૃપા-હરિ કૃષ્નનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૬)
સંતના વચનથી શુકલ દ્વિતિયા દીનેં,
વર્ષ પ્રતિ વર્ષ, ને માસ માસે ||
મહા પૂજા કરો માવ કવિરાજ તો,
મનોરથ મન તણા સિદ્ધ થાસે ||
વચન શિર ધારીયું દેહ અવધી સુધી
જાણ્યું શ્રીજી કહે સંત દ્વારે ||
શ્રીજીની કૃપા ને સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૭)
સંતના વચનથી ભક્ત કવિ ભીમજી,
સિંહાસન કરાવી પુત્ર પામ્યા ||
તેહ કવિ માવ તો મહા પૂજા થકી,
સંતનેં વચન આયુષ પામ્યા ||
જબર મહીમા મહા પુજાનો જેતપુર,
અનુભવ કરી કવિતા ઉચારે ||
શ્રીજીની કૃપાનેં સંતનાં વચન તે,
કર્મની રેખ પર મેખ મારે ||
(૮)
નિયમ, નિશ્ચય અને પક્ષ રાખ્યા થકી,
કાળનેં કર્મ માયા ન લોપે ||
બ્રહ્મરૂપ થઈ અને રટે પરીબ્રહ્મનેં,
દેવ આચાર્ય શ્રદ્ધા સમાપે ||
દાસનો દાસ કવિ માવ થઈનેં રહે,
સંત સાચે મતિ સ્થિર સ્થાપે ||
(તો) છતે દેહેં વસે ધામ અક્ષર વિષે,
ગુરૂની કૃપા શ્રીજી પ્રતાપે ||
* સ્વામિનારાયણ—છ અક્ષરનો મંત્ર