૬૫ ૧/૧ શ્રીજી થયા સારથી
શ્રી પૂરણ પુરુષોત્તમ નારાયણ મહા મુક્તરાજ દાદા
ખાચર ને પરણાવવા ભટવદર ગામે પધાર્યા, ત્યારે જેમ
શ્રીકૃષ્ણે અર્જુનનો રથ હાંક્યો તેમ શ્રીજીએ દાદાનો રથ
હાંકી ભક્તવત્સલતા બતાવી. એ રથના સારથીનું ચીત્ર
શ્રી રાજકોટ મંદિરમાં જોતાં આ કીર્તન રચાયું છે.
તા. ૨૯-૧૧-૫૮ મું રાજકોટ સ્વામી મંદિર.
(હેલી જોને આનંદ કુમાર—એ રાગ)
હેલી જોને આ ધર્મ કુમાર, શ્રીજી થયા સારાથી
રથમાં બેઠા ઉત્તમ વરરાય, શોભે શણગારથી (ટેક)
ધોરી ધવળા ગળે ઘુઘર માળ, રાસ ગ્રહી હીરની
જોઇ મોઇ દેવત્રીયા રૂપ, પનિહારી ઘેલા નીરની
હેલી જોને (૧)
હાથે મીંઢોળ ખાંડુ છે ખંભે, ઉપરણી ઓપતી
શ્રીજી કૃષ્ણ, દાદો પારથ રૂપ, બેઉ બેઠા સોબતી
હેલી જોને (૨)
મંદ મંદ હસે મહારાજ, સખા સામું જોઇને
સખા સરવે થયા ગુલતાન મૂર્તિમાં મન પ્રોઇને
હેલી જોને (૩)
પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, નીગમ નેતિ કહે
થયા સારથીરૂપ ઘનશામ ભક્ત વત્સલતા લહે
હેલી જોને (૪)
બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી, સોળા ગીત ગાય છે
ભટ્ટવદરે શ્રી ભગવાન, જાન જોડી જાય છે
હેલી જોને (૫)
ઇન્દ્ર, બ્રહ્મા, વિશ્નું ને મહાદેવ, દર્શન કરે દૂરથી
કાળ, માયા, પ્રકૃતિ, પુરુષ, નીગમ નેતિ કથી
હેલી જોને (૬)
ઉત્તમ ભૂપ ઉત્તમ ભગવાન, ઉત્તમ રથ હાંકીઓ
ઉત્તમ અવની ઉપર આ અવતાર, ઉત્તમ કારજ કીઓ
હેલી જોને (૭)
અંબરીષ, અર્જુન ને પ્રહલાદ, ભક્તે દુ:ખ બહુ સહ્યાં
ભક્ત ઉત્તમ ભુપ કહે માવ, ઉત્તમ લ્હાવો લઇ ગયા
હેલી જોને (૮)