આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;૧/૩

પદ-૩ ………….૧/૩

!! શ્રી મહારાજને મહાકષ્ટમાં સંભારવા વિષે !!
( રાગ – મહાડ તાલ –- દાદરા)
આવો અક્ષરધામી , અંતર જામી, પ્રીતમ મારા પ્રાણ . એ રાગ…
આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;
હરિવર હિતકારી , લેજો ઉગારી , હે ! દુઃખહારી , પ્રી. (ટેક)
ભક્તિ ધર્મના પુત્ર તમારી, વિનતિ કરું આ વાર;
નેણાં થકી ક્ષણું દૂર ને મેલું , પધારો પ્રાણ આધાર રે,આવોજી અવતારી…   (૧)
દિન બંધુ મુને દર્શન આપો, કાપો કષ્ટ આ ક્રુર ,
હેતથી મુજ શિર હાથને થાપો, જીવન આવી જરૂર રે. આવોજી અવતારી….. (૨)
સમે સમે કોટી કષ્ટમાં કીધી કરુણા નિધિ સહાય,
એવી જ રીતે આજ પધારો , જેથી બધા દુઃખ જાય રે. આવોજી અવતારી… (૩)
સૃષ્ટિ૧ સમે માયામાંથી કાઢ્યો, ગુણિયલ ગરીબ નિવાજ;
જ્ઞાન દઇ આચારજ પદ આપ્યું, મહેર કરી મહારાજ રે. આવોજી અવતારી. (૪)
તપ તિરથથી આ પદ પામ્યો, એમ ન જાણું લગાર;
કેવળ આપની અનુકંપાથી૨, આવો પામ્યો અધિકારરે. આવોજી અવતારી. (૫)
અક્ષર૩ મૂર્તિ ગુણાતિત સ્વામી, તેણે આપ્યા વર્તમાન;
પોતે પાળીને પછી પળાવું, જનને દઇ ઘણું જ્ઞાન રે. આવોજી અવતારી. (૬)
મુજ દાદાને આપ્યુ હતું તમે , વાલા રૂડુ વરદાન;
પુત્રનો પુત્ર તમારો થાશે, આ જગમાં વડો જશવાન રે ,આવોજી અવતારી. (૭)
મોટા મોટા સદ્‌ગુરુએ મારે, માથે મુક્યા છે હાથ;
બેઉ આચારજ તો રૂડી રીતે, રાખતા સદા સંગાથ રે,આવોજી અવતારી. (૮)
પ્રભુ તમારી બાંધેલ પ્રથામાં, રહું છું આઠે જામ;
માયાનું બંધન કાપીને મોહન, ભક્તિ આપો નિષ્કામ રે.આવોજી અવતારી. (૯)
આટલું સાધનનું બળ મારે, બીજુ નથી રે લગાર;
અનંત કોટી બ્રહ્માંડમાં મારે, એક તમારો આધાર રે.આવોજી અવતારી. (૧૦)
અક્ષરધામ વિષે દિવ્ય દેહે, કરવા તમારી સેવ,
શાસ્ત્ર પ્રમાણે સાધન કરું છું, ત્રિકમજી તતખેવ રે.આવોજી અવતારી. (૧૧)
અક્ષરનાં સુખનાં બદલામાં, સાધન કરું અનેક;
પણ તેના કોટીમા ભાગે ન આવે, અહીનાં સાધન એક રે.આવોજી અવતારી. (૧૨)
તે માટે જેવા અનુગ્રહથી પ્રભુ , આ પદ૪ આપ્યુ અનુપ;
તેમ જ અક્ષરમાં તવ સેવા, કરૂ ધરી દિવ્ય રૂપ રે. આવોજી અવતારી. (૧૩)
એવી કરો કરુણા મુજ ઉપર, દિન બંધુ દિનાનાથ;
સ્નેહથી રાખો ચરણ સમીપે , આશ્રિત જાણી અનાથ રે .આવોજી અવતારી. (૧૪)
જીવની કરણી સામું ન જોશો, કમળાનાથ કૃપાળ;
બિરદ તમારું શામ સંભારી, સ્નેહથી લેજો સંભાળ રે. આવોજી અવતારી. (૧૫)
છોરુ કછોરુ થાય કદાપિ, બાળક બુદ્ધિ બાળ
પણ જનુની તેનુ જતન કરીને, પ્રેમે કરે પ્રતિપાળ રે આવોજી અવતારી. (૧૬)
મોટા તણાં દિલ હોય છે મોટાં, ગુણીયલ બહુ ગંભીર;
ગુન્હા કરો બક્ષીસ અમારા, હો ઇચ્છારામના વીરરે. આવોજી અવતારી. (૧૭)
પ્રેમનાં પાશમાં નાખીને પહેલા, પછે તજો તત ખેવ,
કઠણ થયા શું ? છેક કૃપાળુ, ટાળો હવે એ ટેવ રે આવોજી અવતારી. (૧૮)
સ્થાવર જંગમ પ્રાણી તમારાં, તે માંહિ હું પણ એક;
વા'લાજી મુને વિસારી ન દેશો , છતમાં જાણીને છેકરે. આવોજી અવતારી. (૧૯)
મહી૫ નદીમાં બૂડતા તાર્યા, તમે જઇ રઘુવીર,
તેમ પધારી કાજ સુધારો સુંદર શામ શરીર રે. આવોજી અવતારી. (૨૦)
નાજા૬ ભક્તની ઉપર કોપ્યો, ભોંયરાનો ભૂપાળ;
તેનું જેવી રીતે કાજ કર્યું, કરો એવી રીતે રખવાળ રે. આવોજી અવતારી. (૨૧)
મહાસાગરમાં બૂડતા ભકતના, નાથજી તાર્યાં નાવ;
તેમ આવે સમયે મુને ઉગારો, ભૂધર જાણીને ભાવ રે. આવોજી અવતારી. (૨૨)
વડતાલમાં દક્ષિણાદા મંદિરમાં, મૂર્તિ તમારી અનૂપ;
તેમા રહો મુજ મનની વૃત્તિ માગું એ વૃષકુળ૭ ભૂપ રે આવોજી અવતારી (૨૩)
…………………………………………………………………………………………..
૧. સ ઇક્ષત !! ઇતિ શ્રુતિઃ !! એ શ્રુતિ આધારે પરમેશ્વર માયા
સામું જુએ છે. તે માયાનાં ઉદરમાં પ્રલયને અંતે જે જીવ રહેલા છે,
તે સૃષ્ટિ સમે કર્મફળના દેનારા પુરુષોત્તમ ભગવાનની ઇચ્છાએ કરીને
પોત પોતાની ક્રિયાને વિષે જોડાય છે.
૨. અનુકંપા= દયા.
૩. આદિ અક્ષરરૂપ સદ્‌ગુરુ સ્વામી શ્રી ગુણાતિતાનંદજી.
૪. આ પદ = આચાર્યની પદવી.
૫ મહીનદીમાં= એક સમયે સરવાર દેશથી આચાર્યવર્ય શ્રીરઘુવીરજી મહારાજ
શ્રીજી મહારાજના દર્શનાર્થે વરતાલ આવતા હતા.ત્યાં રસ્તામાં મહીસાગર
નદીમાં ઉતરતાં સમુદ્રનો ઝાર આવી પહોંચ્યો, તેથી પોતે તથા તેમના
મામા બેઉ બૂડવા લાગ્યા. તે સમયે શ્રીહરિએ અકસ્માત્ નાવ લાવીને બેઉને બેસારીને
સામે કાંઠે મૂક્યા , ને શ્રીહરિ પોતે તરત અંતર્ધ્યાન થઇ ગયા , એવી મહારક્ષા
કરેલી છે.
૬. નાજા= નાજા જોગીયા જે મહા ભક્તરાજ સત્સંગમાં વિખ્યાત હતા. તેમને
કાઠીઆવાડમાં આવેલા જસદણ ભોંયરાના રાજાએ એક સમયે એમ કહ્યું
કે- “ જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલે ગમે ત્યા હોય
ત્યાંથી મને દર્શન આપે નહિ તો કાલે તમારા ઢીંચણ લોઢાના
મુદગળથી ભાંગી નાખીશ” ત્યારે ભક્તરાજે કહ્યું કે- પરમેશ્વર તો સ્વતંત્ર છે.
કોઇના ડરાવ્યા કે તેડ્યા આવતા નથી; પણ પોતે કરુણા કરે તો જ આવે ?
રાજાધિરાજ , મારા ભગવાન તો હાલ વડનગર વીશનગરમાં છે.અને તાર
કે ટપાલ નથી કે જેથી તેમને સમાચર પહોંચે કે તુરત અહીંયાં આપને
દરશન આપવાને આવે.” ત્યારે રાજાએ કહ્યું કે –“પરમેશ્વર તો અંતર્યામી છે,
અને પોતે ભક્ત વત્સલ છે, માટે પધારશે. જુઓ પ્રહ્લાદને જ્યારે મહાકષ્ટ
પડ્યું, ત્યારે સ્તંભમાંથી પ્રગટ થઇને રક્ષા કરી, તેમ જો તમારા ભગવાન
હશે તો કાલે મને દર્શન દેશે.
રાજાનાં આવા હઠીલા વચન સાંભળીને નાજે ભક્તે શ્રીહરિની પ્રાર્થના કરવાં
માંડી. એથી દયા કરી બીજે દિવસે સવારમાં અકસ્માત શ્રીહરિ પધારીને
રાજાને દર્શન દીધા, અને ભક્તરાજને મહાકષ્ટથી ઉગાર્યા.
આ વાત સત્સંગ પ્રસિદ્ધ અનેક ગ્રંથોમાં લખાણી છે, માટે અહીં વિસ્તાર
નથી કરતો.
૭ વૃષકુળ = ધર્મકુળના રાજાધિરાજ.

મૂળ પદ

આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;

મળતા રાગ

આવો અક્ષરધામી , અંતર જામી, પ્રીતમ મારા પ્રાણ ઢાળ : આવો પ્રીતમ પ્યારા (રાગ-માઢ)

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી