આવો પ્રાણથી પ્યારા, ધર્મદુલારા, મેહેરે કરી મહારાજ. ૧/૧

 પદ-૮ …………………..૧/૧

રાગ મ્હાડ , તાલ દાદરા.
આવો પ્રાણથી પ્યારા, ધર્મદુલારા, મેહેરે કરી મહારાજ.
સેવું ચરણ તમારા, સુખ દેનારા, સ્વામી અમારા, મેહેર કરી મહારાજ.(ટેક)
જોઇ તમારી મૂર્તિ જીવન, અંતર ટાઢું થાય;
અંગોઅંગ જોઇ શોભા અલૌકિક , કેમ કરી વર્ણવાય રે.                     આવો પ્રાણથી. (૧)
પાઘ પેચાળી શિર પર શોભે , સુંદર છોગા સહિત;
ફૂલના તોરાની ફોરમાં વાલા, ભ્રમર ભમે અગણિત રે.                      આવો પ્રાણથી. (૨)
વદન તમારું જોઇ રવિ શશી, આપે ગયા આકાશ;
પ્યારા તમારા પાસથી પોતે, પામ્યા જાણીને પ્રકાશ રે.                      આવો પ્રાણથી (૩)
ગંભીર રાગ તમારો સુણીને , મધુરા બોલે મોર;
મનમાં જાણે મેઘ ગાજે છે, તેથી નાચે હારા નોરરે.                            આવો પ્રાણથી. (૪)
ભુજ તમારા અભય દેનારા, જોઇને તેને જરૂર;
હસ્તી પોતાની સુંઢ સંતાડે, ચિત્તમાં ચેતી ચતુર રે.                            આવો પ્રાણથી. (૫)
ઉદરમાં જે ત્રિવળી પડે છે, ત્રિવેણીને તૂલ્ય;
ધ્યાન રહે એનું અંતરે તો, મળે અક્ષરધામ અમૂલ્ય રે.                     આવો પ્રાણથી. (૬)
જોઇ કટીલંકને જગજીવન, કેસરી પામ્યો લાજ;
પોતે ફરે નિજ કેડ સંતાડી, ઝાડી વિષે વનરાજ રે.                             આવો પ્રાણથી. (૭)
કોમળ ચરણ તમારા નિરખી, કમળ જુઓ કરમાય;
તપ કરે છે જળમાં જઇને , પૂરી રીતે પસ્તાય રે.                               આવો પ્રાણથી. (૮)
ગતિ તમારી નિરખી ગોવિંદ, હંસ અને ગજરાજ;
જન્મ ધરે જઇને મહા વનમાં, પૂરણ પામીને લાજ રે.                        આવો પ્રાણથી. (૯)
વસ્ત્ર અને આભૂષણ શોભે , અંગો અંગ અનૂપ;
તે જોઇ સોનુ વિજળી લાજે, સંતાડે નિજ સ્વરૂપ રે.                            આવો પ્રાણથી. (૧૦)
માયિક ઉપમા હું કેમ આપું, આપને પ્રાણ આધાર;
આપ અમાયિક છો અવિનાશી, ધારું શ્રી ધર્મકુમારરે.                         આવો પ્રાણથી. (૧૧)
ચાખડીઓ ચારુ પહેરી ચરણમાં, ચટકતી ચાલતા ચાલ;
દાસના દિલમાં સુખ દેવા, આવો વિશ્વવિહારીજીલાલ રે.                   આવો પ્રાણથી. (૧૨)
 

મૂળ પદ

આવો પ્રાણથી પ્યારા, ધર્મદુલારા, મેહેરે કરી મહારાજ.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી