પદ-૧૦ ……………………૨/૨
!! શ્રીકૃષ્ણ નારાયણ વિષે. !!
સખી રાધા માધવ બેઉ બિરાજે, બહુ શોભિત બાગે. - (ટેક)
રાધાને શિર સુમન કલંગી, પાઘ પ્રીતમને શિશ;
હસી તાળી દે રૂપાળી, વનમાળી રીઝું ભાળી,
સખી છોગા ખોસ્યા છે છેલાએ પેચાળી પાઘે. સખીરાધા (૧)
બાગ વિષે બેઠક બહુ સારી, ફૂલ્યા જ્યાં ફૂલઝાડ,
બડી વેલી, ઘણી ફેલી, જોઇ ઘેલી, થઇ હેલી;
સખી ભ્રમર ભમે સઘળા ફૂલ ઉપર, જોઇ ચિત્ત અનુરાગે. સખીરાધા. (૨)
રાધાને કર કંકણ ખળકે , પોં'ચી પ્રભુને હાથ;
કંઠે હાર, છે અપાર, દેખી પ્યાર, વધે સાર,
સખી બંસીધરની મધુરી વાણી, સુણીને ભય ભાગે. સખીરાધા. (૩)
પ્રભુ પ્યારીના સામું નિહાળે, કરુણા ભરી કટાક્ષ;
પ્રિય તનમાં, નિજ મનમાં, થઇ મગનમાં, રમે વનમાં.
સખી તનનન તનનન તાન સુનાવે અલબેલા આગે સખીરાધા. (૪)
વિશ્વવિહારીલાલ રીઝાવા, વિકસ્યો ઋતુ વસંત ;
શું વખાણું ? ઉર જાણું, સુખ માણું, ભલું ટાણું,
સખી કોકિલ મધુરા રાગ કરીને, મનવાંછિત માગે. સખીરાધા. (૫)