પદ – ૧૪ -------------------૨/૨
!! શ્રીકૃષ્ણનારાયણ વિષે !!
સખી વૃંદાવનમાં વા'લો નિરખ્યા, વાંસલડી વા'તા. (ટેક)
મધુરસ્વર મોરલીમાં આણી, લીધા મન ગોપીના તાણી;
રીઝાવે વાલો જનને રસરાતા. સખી વૃંદાવનમાં. (૧)
બ્રહ્માજી મોરલીને સુણતા, ભૂલ્યા મુખ વેદ રૂડા ભણતા;
સાંભળવા સ્થિર મને થાતા, સખી વૃંદાવનમાં. (૨)
સુણી ધૂન્ય ધ્યાન છૂટ્યુ શિવનું, રહ્યું ઠેકાણું નહીં જીવનું૧;
પ્રભુને મળવા અકળાતા. સખી વૃંદાવનમાં. (૩)
રવિ શશી સ્થિર થઇ આકાશે, ઉભા સાંભળવાની આશે;
હરિ દરશનથી હરખાતા. સખી વૃંદાવનમાં. (૪)
ભૂલી ગાયો ચારો સઘળી, જુએ મોહનને ટોળે મળી
મોરલા સુણીને મલકાતા, સખી વૃંદાવનમાં. (૫)
ગાન સુણી મધુરૂ ગિરધરનું , રહ્યું નહીં સ્થિર મન મણીધરનું;
ડોલવા લાગ્યા મુદમાતા. સખી વૃંદાવનમાં. (૬)
મોહની મંત્ર ભણી માવે, જાણી એ સ્નેહે સંભળાવે;
પ્રેમરસ પ્રેમીને પાતા. સખી વૃંદાવનમાં. (૭)
થયું સ્થિર જમુનાનું વારી, ગગનમાં નિરખે સુરનારી;
શોભે સખી જોને સુખદાતા, સખી વૃંદાવનમાં. (૮)
અલૌકિક છબી નિરખી આજે, કોટી કંદર્પ જોઇને લાજે;
રઘુવીર સુત સુત ગુણ ગાતા, સખી વૃંદાવનમાં. (૯)
૧.રહ્યું ઠેકાણું નહીં જીવનું = હરિની મોરલીના તાનમાં શિવ ગાંડા ઘેલા થઇ ગયા.