આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે, ૧/૪

 પદ – ૧૭ ………૧/૪

!! શ્રીજી મહારાજની મૂર્તિ વિષે વર્ણન !!
રાગ – “ પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે, “ એ રાગ
આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે,
સુખકંદ સહજાનંદજી સુજાણ;
આવો ધર્મકુંવરને નિરખીએ ધીમે રહી રે,
જુઓ સાથે એને અક્ષર મુક્ત અપાર છે રે,
દિસે અંગો અંગમાં ઉગ્યા અગણિત ભાણ૧;
આવો ધર્મકુંવરને નિરખીએ ધીમે રહી રે.              (ટેક)
શ્રુતિયો જેના તત્વને , ખોળે કરી વિચાર;
એ અલબેલો આવિયા, થઇને મનુષાકાર,
અક્ષરધામી બહુનામી આજ પધારિયા રે ,
જે છે પ્રભુજી પૂરા પ્રેમી જનના પ્રાણ.                         આવો ધરમ. (૧)
વા'લાજી ના વદનને , નિરખું વારંવાર,
વારૂ લઇને વારણે , શારદ૨ ચંદ્ર હજાર.
અણિયાળી છે, મરમાળી એની આંખડી રે,
મારા જીવડલાની જુક્તિના છે જાણ,                           આવો ધરમ. (૨)
શિશ મુગટ સોહામણો , નૌતમ નંગ જડાવ;
કુંડળ ઝળકે કાનમાં, ભાળી ઉપજે ભાવ.
અમૃતવાણી સુણી શું ? વખાણીને કહું રે ,
સુખડા આપે છે પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ,                 આવો ધરમ. (૩)
કંઠે હાર હીરા તણા, દિવ્ય રૂડા દેખાય;
કડાં સાંકળા કર વિષે, હેરી મન હરખાય.
જુઓ બાંહ્યે કાજુ બાંધ્યા બાજુ બેરખા રે,
શોભે કરમાં છડી રૂડી સુખની ખાણ.                            આવો ધરમ. (૪)
જામો છે કીનખાબનો, જેની ઉમદા જાત;
શેલું બુરાનપુરનું, ભારે જેમા ભાત,
ઘમકે ઘુઘરાળી કેડે તે કટી મેખલા રે,
મારું મન ઠરવાનું જાણે એ રે'ઠાણ.                             આવો ધરમ. (૫)
પીતાંબર પીળું ધર્યું , જોવા જોગ જરૂર;
હરિના પગમાં હેમનાં, નૌતમ છે નેપૂર,
ચરણે ચાખડલી જોઇ, આંખડલી મારી ઠરે રે,
ભારે ભવદરિયાનું નક્કી વદુ એ વા'ણ                      આવો ધરમ. (૬)
જોઇ મૂરતિ મહારાજની , કંદર્પી કોટી લજાય;
અદભૂત છબી બની આજની, આપુ શી ? ઉપમાય.
જે છે સર્વેશ્વર પરમેશ્વર તે અહીં આવિયા રે,
કરવા કોટીક જનનું માયાથી મૂકાણ,                          આવો ધરમ. (૭)
મનવાણી પહોંચે નહી, એવું જેનુ સ્વરૂપ;
એ અવિનાશી આવિયા, કોટી ભુવનનાં ભૂપ,
શેષ સુરેશ મહેશ અને શારદા રે,
વડાં કરે જેના ગુણનાં વખાણ.      આવો ધરમ. (૮)
સો કરોડ દિવાળીને , દશરા ક્રોડ હજાર,
એહ થકી પણ આ સમે , આનંદ અપરંપાર,
અમૃતવૃષ્ટિ આ સૃષ્ટિમાં મેઘે કરી રે,
વા'લે કીધી આજે કોટિધા કલ્યાણ.                   આવો ધરમ. (૯)
વિશ્વવિહારીલાલજી , વસો સદા મુજ ઉર;
જાણી દાસ હજુરનો , આપો સુખ ભરપુર.
આણી આનંદ મનમાં મન કર્મ વચને આપણે રે
થઇને રહીયે સદા વા'લાના વેચાણ.                           આવો ધરમ. (૧૦)
 
૧, ભાણ =(સં.) ભાનુ - સૂર્ય (૨) શારદ= શરદ ઋતુનો ચઁદ્ર
૩. બાંહ્યે = હાથે, ૪. કાજુ = હાથે પહેરવાનું ઘરેણુ.
 

મૂળ પદ

આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી