ધન્ય ધન્ય છે દુરગપુર ધામને રે, ૨/૪

પદ – ૧૮ ………….૨/૪

!! ગઢપુરના મહાત્મ વિષે વર્ણન !!

ધન્ય ધન્ય છે દુરગપુર ધામને રે,

સ્નેહે વસિયા જ્યાં શ્રી ઘનશામ;

અક્ષરવાસી અવિનાશી અલબેલડો રે.

ધન્ય ધન્ય છે ઉત્તમનૃપ ધીરને રે

જેણે પ્રેમ વડે રાખ્યા પૂરણકામ;

અક્ષરવાસી અવિનાશી અલબેલડો રે. (ટેક)

પ્રગટ્યા પૂરવ દેશમાં, ફરિયા ચારે ધામ;

પણ ગઢપુરમાં શ્રીહરિ, વસિયા કરી મુકામ.

અક્ષર તુલ્ય એ અમૂલ્ય સ્થાન અનૂપ છે રે,

કરે નરનારીને નિરમળ લેતાં નામ.

અક્ષરવાસી. (૧)

ઉત્તમના દરબારમાં સકળ સંત સંગાત,

રાસ રમ્યા બહુ રંગથી, મગન થઇ મુનિનાથ,

લિંબવૃક્ષની સમક્ષ સ્નેહ આણીને રે,

શુભ લીલા એમ કરી સુખધામ.

અક્ષરવાસી. (૨)

માણકીએ ચઢી માવજી, હૈડામાં હરખાય,

ફર ફર ફેરવે ફૂદડી, ધમ ધમ ધરણી થાય,

રુમક ઝુમક ઠમકો કરે ઠેકતીરે,

જોઇ રેહે જન જેહને તમામ.

અક્ષરવાસી. (૩)

ઉન્મત્તગંગામાં જઇ, સ્નાન કરે બળવીર,

જળમાં જળક્રીડા કરે, ઉછાળે લઇ નીર,

ઇન્દ્ર ચંદ્ર ફણીંદ્ર આવે દેખવારે,

ધારે હરિ છબી ઉર આઠે જામ,

અક્ષરવાસી. (૪)

લક્ષ્મી બાગમાં લાડિલો સભા કરે સુખકંદ,

મુનિજન તારાગણ વિષે , શોભે વૃષકુળચંદ,

અવતારી અવિકારી સુખકારી છે રે,

ધારે કંઠે ઘણી ફૂલતણી દામ.

અક્ષરવાસી. (૫)

ઘેલા સમ તીરથ નહીં, ગઢપુર સમ નહીં ધામ,

ગોપીનાથ સમ દેવ નહીં, શ્રીહરિ સમ નહીં નામ,

ગંગા કાશી ને વળી ગયા ગોદાવરી રે,

એથી અધિક છે મહિમા આ ઠામ.

અક્ષરવાસી. (૬)

તીરથ સર્વનું તત્વ છે, ગુણિયલ શ્રી ગઢપુર;

ત્રીસ વરસ પર્યંત જ્યાં , જીવન વસ્યા જરૂર,

કહે વિશ્વવિહારી જે જન ત્યાં જાત્રા કરે રે,

એ તો અક્ષર વિષે કરશે આરામ.

અક્ષરવાસી. (૭)

________________________________

૧. ઉત્તમનૃપ = ગઢપુરના રાજા – દાદાખાચર.

૨. દામ= માળા- ફૂલના હાર. (૩) ઘેલો = ગઢપુરની દક્ષિણ દિશામાં નદી છે.

જેનુ નામ ઉત્તમ ગંગા કહે છે તે (૪) શ્રીહરિ= પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ

મૂળ પદ

આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી