પદ – ૨૦ ………………..૪/૪
!! શ્રીજી મહારાજના વિરહના બાર માસ !!
સજની મહા વગડામાં મોહનજી મેલી ગયા રે,
દીનબંધુ સુખસિંધુ ધર્મકુમાર;
સખી શામળિયાનાં સુખડાં સરવે સાંભરે રે,
સખી પ્રાણ હરીને પ્રાણજીવનજી પધારિયા રે,
એથી ઉપજે ઉરમાં વિરહ અપાર. સજની. (ટેક)
કારતક માસ કોડામણો, અનકુટ ઉચ્છવ થાય;
શ્રીજી મુજની સાંભરે, અંતર દુઃખ ઉભરાય,
હરતાં ફરતાં કરતાં કારજ હરિ સંગ હાંસથી રે,
પ્રીતે પીરસતાં પ્રભુજીને આણી પ્યાર. સજની. (૧)
માગશર માસે મન વિષે, પ્રભુને મળવા પ્રીત;
ઘર ધંધો ગોઠે નહીં, ચોંટ્યું હરિમાં ચિત્ત,
કરતાં લાખેણી લીલા તે જ્યારે સાંભરે રે,
છૂટે આંખડલીથી આંસુડાંની ઘાર. સજની. (૨)
પોષે ઠંડ પડે ઘણી, થરથર કાયા થાય;
મળવા શ્રી મહારાજને, મન મારું મુઝાય.
અતિશે ટાઢ વડે કરી જનનાં તન ટાઢાં પડે રે,
મારું કાળજડું તપે છે વારંવાર. સજની. (૩)
માઘે બેશી મહેલમાં, ધરૂં હરિનું ધ્યાન;
ખાન પાનને ગાનનું, ભૂલી સઘળું ભાન.
લૌકિક શબ્દ હવે, મને મનમાં નથી રુચતા રે,
અંતરમાં એક ભાવે અક્ષરના આધાર. સજની. (૪)
ફાગણ કેસુ ફૂલિયા, કેસર રંગ છંટાય;
વા'લાના વિજોગની, હોળી હૈયા માંહ્ય,
સહિયર હળી મળીને રંગ રમે હરખે ભરી રે,
કોણ રંગીલા વિના મુજને રંગણહાર, સજની. (૫)
ચૈતરે ચંપો મોરિયો , ફૂલ્યા ગુલાબે ફૂલ;
રામનવમીના દિવસમાં, ઉચ્છવ થાય અમૂલ,
વા'લાના વિજોગે આઠે પહોર અંતરે રે,
લાગે ઝેર જેવો સઘળો આ સંસાર. સજની. (૬)
વૈશાખે વન વેડિયા, આંબે સાખ જણાય;
કોયલડી ટહુકા કરે, ચહુ દિશથી લૂ વાય,
ઉપર તાપ તપે ને અંતર પણ મારું તપે રે,
શ્રીજી વિના કોણ શાન્તિના દેનાર. સજની. (૭)
જેઠ માસમાં જગ વિષે, ઘણો જ ઉપજે ઘામ;
ફૂવારે જળ ઉછળે, ઠંડા ઠામોઠામ.
પાણી વિના જેમ પાણીના પ્રાણી મરે રે
તેમ જ જીવન વિના જીવ હવે જાનાર. સજની. (૮)
અષાડે ઘન ચઢી આવિયો, મધુરા બોલે મોર;
વિજલડી ચમકા કરે , ક્યાં હશે ? ધર્મકિશોર.
મનમાં ગમતાં નથી મંદિર જરૂખા માળિયા રે;
રટના લાગી છે, અલબેલાની એકતાર. સજની. (૯)
શ્રાવણ માસે શ્રીહરિ, હીંચે હિંડોળા માંહ્ય;
કૃષ્ણજન્મના દિવસમાં, આનંદ ઉચ્છવ થાય,
શિવનું પુજન કરવા, સખીયો મળીને સંચરે રે,
તે જોઇ સાંભરી આવે, શ્રીજી શિરદાર. સજની. (૧૦)
ભાદરવો ગાજે ભલો, દિલ દાઝે આ ઠામ;
દશદિશ બોલે દેડકાં, એ તો દાઝ્યા ઉપર ડામ,
સજની સુણતાં રૂડા રાગ મધુર મલ્હારના રે,
લાગે ભાલા જેવા દિલને દુઃખ દેનાર. સજની. (૧૧)
આસોમાં અવલોકતાં, નિરમળ નભ દેખાય;
નિરમળ જળ સરિતા તણાં, નિરમળ વાયુ વાય,
ભરદરિયામાં પાકે છીપ વિષે મોતી ભલાંરે,
આવી દિવાળી પણ નાવ્યા સુખ દેનાર. સજની. (૧૨)
અધિક માસે આવિયા, સજની શ્રી ઘનશામ;
સુખ આપી સર્વોપરી, કીધાં પૂરણ કામ,
મારા ઉરમાં વસિયા, વિશ્વવિહારીલાલજી રે,
પામી પામી હું તો ભવદરિયાનો પાર. સજની. (૧૩)
_________________________
૧. રંગણહાર= રંગનાર –રસથી રંગનાર, પરમેશ્વર.
૨. પાણીના પ્રાણી = જળના માછલા વગેરે.
૩. જીવન = જળ એટલે જળની પેઠે જીવાડનાર માટે જીવન.