પદ – ૨૧ …………૧/૨
!! માણકી ઘોડી વિશે. !!
“જમુના કિનારે કૃષ્ણ ખડો બંશી વજાવે, ” એ રાગ પ્રમાણે
માણકીના ઉપર આજ, નિરખ્યા હરિ;
અલબેલાને જોઇને , મારી આંખડી ઠરી, માણકી (ટેક)
માણકીની ચાલ જોઇ, લાજ પામિયો;
ઇન્દ્રતણો ઉચ્ચૈઃશ્રવા, સ્વર્ગમાં ગયો, માણકી. (૧)
સુરજ સાથ સપ્તમુખી, નિત્ય સંચરે;
માણકીને જોઇ નક્કી, નાશતો ફરે. માણકી. (૨)
વાયુ વેગ મનનો વેગ, જે પ્રમાણીએ;
પણ માણકીનો વેગ, એથી અધિક જાણીએ. માણકી. (૩)
આકાશમાંથી અકસ્માત, તારો જેમ ખરે;
અશ્વિની આ હરિને લઇને, એમ સંચરે. માણકી. (૪)
ચપળ છે હરિણ જેવી, ફાળ તો ભરે;
ધરણીધર ધરણી શિર, ધારતાં ડરે. માણકી. (૫)
અક્ષરપતિ અવનિ ઉપર, આવ્યા જાણીને;
ગરૂડ કન્યા ઘોડી રૂપે, પ્રેમ આણીને. માણકી. (૬)
જડીત્રછે પલાણ પાયે ઝાંઝર ઝણઝણે;
હરિવર જ્યારે હાથ ફેરવે, ત્યારે હણહણે . માણકી. (૭)
લિંબ વૃક્ષ સમીપ, હરિ ઘોડી ફેરવે;
જનના જુથ જીવન તણી, મૂરતિ જુએ. માણકી. (૮)
હાથમાં ગ્રહી લગામ, હરિએ હીરની;
મરમાળી કાંઇ દીસે મૂરતિ, શામ શરીરની. માણકી. (૯)
ચતુર ચલવે ચાલ ચપળ, રૂડી રેવાલમાં;
કેસરની અરચા શોભે, ભાલ વિશાલમાં. માણકી. (૧૦)
શેષને સુરેશ દેવ મહેશ આવિયા;
રસિયાને રીઝાવવા, ભલી ભેટ લાવિયા. માણકી. (૧૧)
વિશ્વવિહારીલાલજીનું , નિરખીને સ્વરૂપ;
આરતિ ઉતારે આવી, દેવતા અનૂપ. માણકી. (૧૨)
_________________________________________________
૧. માણકી= ઘોડીઓની જાતમાં એક અતિ ઉત્તમ કાઠિયાવાડી ઘોડી
જે ઘણી જાતવાન હોય છે. ૨. ઉચ્ચૈઃશ્રવા=ઇન્દ્રનાં ઘોડાનું નામ
૩. અશ્વિની = માણકી ઘોડી, શ્રીજી મહારાજને ચઢવાની કાઠિયાવાડી
જાતવાન ઘોડીયોમાંની ઉતમમાં ઉત્તમ જાત.
૪. ધરણીધર= ધરણી=પૃથ્વી, ધર=ધરનાર, =પૃથ્વીને ધરનાર;= શેષ
૫. સુરેશ = દેવનો રાજા = ઇંદ્ર.