મથુરાંમાં રે, બોલ્યા વિહારીજી વાણ, ૧/૨

પદ -૨૮ ……………..૧/૨

!! શ્રી કૃષ્ણનારાયાણ , ભક્તરાજ ઉદ્ધવજીને વ્રજવાસિયો

પ્રત્યે પ્રેમવિરહનો સંદેશો મોકલે છે તે વિષે.”

“દ્વીઅર્થી ગિરધારીની ગરબી”

મથુરાંમાં રે, બોલ્યા વિહારીજી વાણ,

સુણો ઉદ્ધવ પરમ સુજાણ. (ટેક)

તમે જઇને રે વૃજવાસીને રીઝાવો,

મારો સંદેશો સંભળાવો.

વ્રજવાસીનો જે સ્નેહ,

ઉર સાલે મુજને એહ;

વિરહે વ્યાકુળ મુજ દેહ,

મારા મનમાં રે મળવાની ઘણી તાણ. સુણો ઉદ્ધવ. (૧)

ગોકુળમાં રે ઘણો કરીને વાસ,

સુખ લીધામાં ન રહી કચાસ;

ગોકુળના રે , ઘણાક દાસીદાસ,

મને પમાડતા ઉલ્હાસ.

પ્રેમી બેસતા મારી પાસ,

કરતા વિનોદમાં ઉપહાસ;

તે સંભારી થાઉ ઉદાસ,

શું ? કીજે રે, વ્રજનાં વિશેષ વખાણ. સુણો ઉદ્ધવ. (૨)

વહાલી વસ્તુ રે, આણી મુજને દેતા,

વળી કોમળ વચનો કહેતા;

મુજ આજ્ઞા રે સ્નેહે શિરધરી લેતા,

હું રાખું તેમજ રહેતા.

ફૂલહાર મુને પહેરાવી,

ફળ દેતા વિધ વિધ લાવી;

રાજી રહેતા મુજને રીઝાવી;

કેમ વિસરે રે, પડી જે પ્રેમ પીછાણ. સુણો ઉદ્ધવ. (૩)

ગોકુળમાં રે એક રૂડા બ્રહ્મચારી,

હરિ મંદિરના અધિકારી;

તેણે સહુને રે સેવાની રીતિ સારી,

શીખવાડી સ્નેહ વધારી.

સાચવવા મરજી મારી,

શીખવી જુક્તિ સુખકારી;

એની સમજણની બલિહારી,

કરી લીધો રે સેવાથી મુજને વેચાણ. સુણો ઉદ્ધવ. (૪)

ક્યારે જઇને રે ફરતા જમુના કિનારે,

જોતા નિરમળ જળ મળી ભારે;

એ સુખડા રે સાંભરી આવે અત્યારે,

વધે વ્યાધિ વિરહનો વધારે.

લઇ સંગ ગોપ ગુણવાન,

વૃંદાવનમાં નિરખતા સ્થાન;

જ્યાં કરતા અમે ખાનપાન,

સાંભરે છે રે, એ જગ્યાનાં એધાણ. સુણો ઉદ્ધવ. (૫)

વૃંદાવનમાં રે એક બગીચો એવો,

નક્કી નંદનવન જેવો;

કહી કહીને રે , કહીએ એને કેવો,

આ ભૂતળમાં નથી એવો.

જેમાં ફૂલના ઝાડ અપાર,

કઈંક લચી પડ્યાં ફળભાર;

બને સ્થિર જરૂર જોનાર,

છે એમાં રે, એક કદંબ સુખ ખાણ. સુણો ઉદ્ધવ. (૬)

કદંબની રે શિતળ છાયા કેવી,

જાણે ઘાટી પીપરના જેવી;

ઉર ઉપમારે, બદરીતરુની લેવી,

સુખ પામ્યો એ સ્થળ સેવી.

જાણે તાપ નિવારણ માટે,

ઘડ્યું બ્રહ્માએ છત્ર આ ઘાટે;

ધર્યું બાગ વિષે સુરરાટે.

નહી વિસરે રે એ રસિક રહેઠાણ. સુણો ઉદ્ધવ. (૭)

ત્યાં બેસી રે સાંભળતો કવિતાય,

રચી જેહ વડા કવિરાય;

ક્યારે ધરતો રે , મૂળસ્વરૂપનું ધ્યાન,

ગાતા ગોપ હરિ ગુણગાન.

શિતલ ત્યાં વાયુ વાય,

ઉઠવાનો ભાવ ન થાય;

મન શોભાથી મલકાય,

બોલે પંખી રે, અહીં વાસો કરે એમ જાણ. સુણો ઉદ્ધવ. (૮)

વૃજવાસી રે , નિજ મંદિર પધરાવે,

પોશાક રૂડા પહેરાવે;

કર જોડી રે, આરતિ મારી ઉતારે,

આનંદથી સ્તુતિ ઉચ્ચારે.

આપે ક્યારેક માખણ મેવા,

જેમાં સ્વાદ અમૃતના જેવા;

કરે મારી શુભ એમ સેવા,

કેમ વિસરે રે, અહો નિશની ઓળખાણ. સુણો ઉદ્ધવ. (૯)

એવું સુણીને રે , બોલ્યા ઉદ્ધવ તતકાળ,

સુણો વિશ્વવિહારીજી લાલ, ;

આપે જણાવ્યું રે, જે જન ઉપર વહાલ,

છે એવા એ પુરા પ્રેમાળ.

ધન્ય ધન્ય એ ગોકુલવાસી,

જેની કીર્તિ આ જગમાં પ્રકાશી;

સેવ્યા તમને જન સુખરાશી,

હું જાઇશ રે, કાલે ઉગતે ભાણ. સુણો ઉદ્ધવ. (૧૦)

____________________________________________________

૧. શ્રી વિહારીલાલજી મહારાજ , ભક્તરાજ ( વિઠ્ઠલ ) ખંભાતવાસી

હરિજનો પ્રત્યે વાત્સલ્યતા દર્શાવે છે તે વિષે; અને ગરબીમાં જ્યાં

જમુનાજીનુ વર્ણન છે, ત્યાં સમુદ્ર કિનારો સમજવો.તથા જ્યાં મહારાજશ્રીનો

મુકામ હતો તેને વૃંદાવન સમજવું, વળી બગીચામાં જ્યાં પીપર કૃક્ષ છે, તેને

કદંબનુ વૃક્ષ જાણવું, ત્યાંના વાસી હરિજનોને ગોકુળના ગોપ ગોપી સમજવાં,

અને ત્યાંના મંદિરના અધિકારી મહાંત બ્રહ્મચારી હરિસેવાનંદજીને ગોકુળના

બ્રહ્મચારી સમજવા, એ વિગેરે પ્રસંગોપાત વર્ણન છે તેમ સમજી લેવું.

૨. નંદન = ઇન્દ્રનો બગીચો. ૩. બદરીતરુ= બદરીકાશ્રમનું વૃક્ષ.

૪. સુરરાટ્ = બ્રહ્મા. ૫. મૂળસ્વરૂપ = શ્રીકૃષ્ણનુ પોતાનુ, અને આચાર્યશ્રીનું,

અક્ષરધામનુ મૂળ સ્વરૂપ.

મૂળ પદ

મથુરાંમાં રે, બોલ્યા વિહારીજી વાણ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી