નવલવિહારીનાથની, છબી, અજબ બની છે આજ, ૧/૨

પદ- ૩૧ ………………….૧/૨

( રાગ ગજલ ઇંદ્રસભાની )

(“રાજાહુંમેં કામકા, ઓર ઇન્દ્ર મેરા નામ' એ રાગ પ્રમાણે.)

નવલવિહારીનાથની, છબી, અજબ બની છે આજ,

નિરખી હરખે નેહથી કંઇ, સરવે સંત સમાજ,

નવલવિહારી નાથની -(ટેક)

અંગોઅંગની ઉપમા કહેતાં, શારદ શેષ લજાય;

સ્વરૂપ તણી સુંદરતા કહેતાં, કોટી જન્મ વહી જાય.

નવલ. (૧)

મસ્તક પર મોળીયું મનોહર, સુંદર છોગા સહિત;

ફૂલતોરા શિરપેચ કલંગી, ચોરે સહુના ચિત્ત.

નવલ. (૨)

કાને કુંડળ ઝળમળ ઝળકે, કાજુ મકરાકાર;

હીરા મોતી મણી માણેકના, હૈડા ઉપર હાર.

નવલ. (૩)

વદન હરિનુ સુખસદન છે, મદનનો મદ હરનાર;

મુખના ઉપર કોટીક શશિયર, વારૂ વાર હજાર.

નવલ. (૪)

ખભા ઉપર શેલું સોનેરી, ભારે બુટ્ટાદાર;

જરકશી જામો હરિએ પહેર્યો, પેખી ઉપજે પ્યાર.

નવલ. (૫)

સોનેરી સુરવાળ ને નાડી, હીરની ફૂમતાદાર;

ઝણણણ ઝણણણ ઝણકે ચરણે, ઝાંઝરનો ઝણકાર.

નવલ. (૬)

વિશ્વવિહારી જન સુખકારી, અવતારી અલબેલ.

અશરણ શરણ હરણ છે દુઃખના, છોગાળો રંગછેલ.

નવલ. (૭)

મૂળ પદ

નવલવિહારીનાથની, છબી, અજબ બની છે આજ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી