પદ – ૩૨ …………………૨/૨
શ્રીકૃષ્ણ નારાયણ વિષે
જશોદાજી જીવનને પોતે, કરાવતા સ્તનપાન;ચૂલા ઉપર પય ઉભરાતું, જોયું થાતું જાન. જસોદાજી. (ટેક)
અલબેલાને અધુરા મૂકી, ઉઠી ગયા એ સ્થાન;માતા ઉપર કોપ કરીને, બોલ્યા શ્રીભગવાન. જસોદાજી. (૧)
મુજ કરતાં માતાએ જાણ્યો, દૂધ વિષે બહુ માલ;અધુરો મૂકી મુજને ઉઠી, ત્યાં ગઇ છે તતકાળ. જસોદાજી. (૨)
દૂધ કરતાં માખણ છે મોંઘુ, છે આ ગોળીમાંય;એમ કહીને પત્થર ઝાલ્યો, ત્રિકમજીએ ત્યાંય. જસોદાજી. (૩)
મહિની ગોળી ફોડી ઢોળી, બહુધા કરી બિગાડ;સમીપના મંદિરનું જઇને, કૃષ્ણે ઠેલ્યું કમાડ; જસોદાજી. (૪)
તરકટ કરીને મરકટ ભેળાં, બહુ કીધાં તતકાળ;ઉંચે શીકે માખણ મટુકી, દીઠી દીનદયાળ. જસોદાજી. (૫)
બાજટના ઉપર ખાંડણિયો, મૂકીને બળવંત;તે ઉપર ત્રિકમજી ચઢિયા, ધીરે રહી ધીમંત. જસોદાજી. (૬)
લાકડી લઇને ઠોકર મારી, મટુકી ફોડી માવ;માખણ લઇને જમવા લાગ્યા, ભૂધર આણી ભાવ. જસોદાજી. (૭)
જમીને તૃપ્ત થયા છે જ્યારે, ત્યારે કીધી સાન;દધિ માખણને દેવા લાગ્યા, મરકટને દઇ માન. જસોદાજી. (૮)
કોઇના મુખમાં માખણ મૂકે, મૂકે કોઇને માથ;કોઇને દહિંની છોળે છાંટે, ઝાલે કોઇનો હાથ. જસોદાજી. (૯)
માતાજી દૂધ નિચું ઉતારી, જોયું મંદિરમાંહિ;લીલા જોઇને લાડકડાની, હસવા લાગ્યા ત્યાંહિ. જસોદાજી. (૧૦)
ખાંતીલાની ખોળ જ કરવા, ચાલ્યાં જ્યારે માત;પાસેના મંદિરમાં દીઠા, જમતા મરકટ સાથ. જસોદાજી. (૧૧)
ધીરે ધીરે લાકડી લઇને, આવતા દીઠા માંય;ભય આણીને ભૂધર નાઠા, થર થર કંપે કાય. જસોદાજી. (૧૨)
કાળતણા જે કાળ કૃપાલુ, સ્વતંત્ર સર્વાધાર;તે નટવરજી નર તન ધરીને , કરે લીલા વિસ્તાર. જસોદાજી. (૧૩)
કૃષ્ણ અગાડી પાછળ માતા, દોડે દઇને દોટ;પ્રભુજી કેમ કરી પકડાએ, ચંચળ જેની ચોટ. જસોદાજી. (૧૪)
મન વાણી જેને નહીં પહોંચે, એવું જેનું સ્વરૂપ;એ માજી પર મહેર કરીને, ઉભા રહ્યા જગભૂપ. જસોદાજી. (૧૫)
દીનપણું તો ઘણું દેખાડ્યું, રડવા લાગ્યા રાજ;નિચું મુખ કરીને ઉભા, મનમોહન મહારાજ. જસોદાજી. (૧૬)
માતાજીએ તેડી લીધા, વિશ્વવિહારીલાલ;ખાંતેથી ખોળે બેસાડ્યા, બહુ સુંદર નિજબાળ. જસોદાજી. (૧૭)