પદ – ૩૭ ૧/૧
ગોમતીજી વિષે.
(પદ રાગ ગરબી)
“ઉદ્ધવ નંદનો છોરો તે નમેરો થયો જો.” એ રાગ પ્રમાણે.
તીરથરાજ આજ ગુણવંત ગોમતી જો,
અક્ષરપતિ નાહ્યા, મહિમા એથી અતિ જો.
તીરથરાજ. (ટેક)
લાવ્યા દ્વારિકા થકી સચ્ચિદાનંદજી જો,
સ્થાપ્યા વૃત્તપરે વૃષકુળચંદજી જો.
તીરથરાજ. (૧)
ગુણવંતીને પ્રભુજીએ ગળાવિયાં જો;
તીરથ માત્ર ભેળાં એ વિશે મેળાવિયાં જો.
તીરથરાજ. (૨)
કર્યું સ્થાપન હરિએ નિજ હાથથી જો,
થયાં વિશ્વમાં વિખ્યાત, દીનાનાથથી જો.
તીરથરાજ. (૩)
કહ્યો શ્રીમુખેથી મહિમા ઘણો ઘણો જો,
ગુણવંતે ગુણ જાણી ગોમતી તણો જો.
તીરથરાજ. (૪)
સંત પ્રગટના અનંત નાહ્યા એ વિષે જો,
એથી સર્વોપરિ દિવ્ય તીર્થ તો દીસે જો.
તીરથરાજ. (૫)
અક્ષરધામથી અનેક મુક્ત આવીને જો,
નાહ્ય છે ત્રિકાળ એમાં સ્નેહ લાવીને જો.
તીરથરાજ. (૬)
ઇંદ્ર ચંદ્ર ને યોગીંદ્ર સ્નેહ આણીને જો,
એમા સ્નાન કરે દિવ્ય તીર્થ જાણીને જો.
તીરથરાજ. (૭)
શંભુ ગંગાને ઠેકાણે શિશમાં ધરે જો,
વિનય આણીને વિશેષ વંદના કરે જો.
તીરથરાજ. (૮)
શેષ શારદ નારદ હારદ જાણી ન્હાય છે જો,
ગણી ગણી ગુણ ગોમતીના ગાય છે જો.
તીરથરાજ. (૯)
જન જાત્રાએ જરૂર ત્યાં જે જાય છે જો,
અમાપ પાપનો ઉથાપ તો ત્યાં થાય છે જો.
તીરથરાજ. (૧૦)
જેનું નિરમળ જળ તો અપાર છે જો,
દર્શનથી ખરા દોષને ખોનાર છે જો.
તીરથરાજ. (૧૧)
વા'લા છે ઘણાંક શ્રીવિહારીલાલને જો,
પ્રાણને સમાન પ્રણત પ્રતિપાળને જો.
તીરથરાજ. (૧૨)
૧. વૃષકુળચંદ= ધર્મ કુલના ચંદ્રમા. ૨. હારદ= મર્મ , તત્વ.