મથુરામાં વસ્યા જઇને મોરારી, અરજી ઉર ધરે કોણ અમારી. ૧/૧

પદ- ૪૦ …………….૧/૧

રાગ પીલુ.

લોજની વાવ ઉપર અવતારી,

બેઠા આવી બટુક બ્રહ્મચારી—એ રાગ

મથુરામાં વસ્યા જઇને મોરારી,

અરજી ઉર ધરે કોણ અમારી. મથુરામાં. (ટેક)

દીનબંધુના દરશન વિના,

વિરહ વ્યાકુળ સહુ નરનારી. મથુરામાં. (૧)

પ્રથમ અલૌકિક સુખડાં આપ્યાં,

ગુણાસાગર નટવર ગિરધારી. મથુરામાં. (૨)

કેશી૧ દ્વેષી અનળ એ જેવાં,

અગણિત દુઃખથી લીધા ઉગારી. મથુરામાં. (૩)

વ્રજવાસીનુ રક્ષણ કીધું,

વાયુ વૃષ્ટિનું કષ્ટ નિવારી. મથુરામાં. (૪)

હેતે બોલાવ્યાં હેતે રમાડ્યાં,

વળતા મૂક્યાં વા'લે વિસારી. મથુરામાં. (૫)

નંદકુંવર છે નિર્દય નક્કી,

કપટી નટખટની ગતિ ન્યારી. મથુરામાં. (૬)

હરિ સાથે કોઇ હેત ન કરશો,

વ્રજવાસીનું દુઃખ વિચારી. મથુરામાં. (૭)

જાનકીએ જો જીવન કીધા,

તે રણવગડામાં મૂકી મોરારી. મથુરામાં. (૮)

સુરપણખા આવી સ્નેહથી વરવા,

નાક છેદી તેને કીધી નકારી. મથુરામાં. (૯)

એ કપટીનો વિશ્વાસ કરીને,

કમળા ભોળી ઠગાણી વિચારી. મથુરામાં. (૧૦)

કુબજાને ઘેર કૃષ્ણ જઇને ,

ભલા રહ્યાં છે પોતે બ્રહ્મચારી. મથુરામાં. (૧૧)

મથુરાની રાજધાની રૂડી પામી,

અંતરથી મૂક્યાં અમને ઉતારી. મથુરામાં. (૧૨)

મથુરા નગરની નારી ઠગારી,

વશ કરશે વ્રજરાજ વિહારી. મથુરામાં. (૧૩)

ઘટની ઘાત કરી ઘનશામે,

મોત વિનાની અમને મારી. મથુરામાં. (૧૪)

અંતર દુઃખ પણ અહોનિશ એને,

જીવીએ અને સદૈવ સંભારી. મથુરામાં. (૧૫)

મોહનને કોઇ લાવી મેળાવે,

વારવાર એના પર વારી. મથુરામાં. (૧૬)

વાસ કરે અમ પાસ પ્રભુ તો,

પીડા કહીએ સર્વ પોકારી. મથુરામાં. (૧૭)

નિદ્રા ન આવે અન્ન ન ભાવે,

દિન દિન દુઃખથી વહે દ્રગવારી. મથુરામાં. (૧૮)

દુઃખ ટળશે આવી જો મળશે,

શ્યામસુંદર હરિવર સુખકારી. મથુરામાં. (૧૯)

વિશ્વવિહારીલાલને કહેજો,

આપો સુખ પ્યારા વહેલા પધારી. મથુરામાં. (૨૦)

૧. કેશી, દ્વેષી, અનળ= ઘોડારૂપ અસુર, સાંઢરૂપ અસુર દાવાનળ.

મૂળ પદ

મથુરામાં વસ્યા જઇને મોરારી, અરજી ઉર ધરે કોણ અમારી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી