પદ- ૬૫ ……………………..૧/૧
સત્સંગના મહાત્મ વિષે.
(ઉપજાતિ છંદ)
સત્સંગથી શાસ્ત્ર રૂડાં સુણાય,
સત્સંગથી શ્રીહરિ ઓળખાય;
સત્સંગથી ધર્મ પળાય ભાઇ,
ન્હૈ એહને તુલ્ય અમૂલ્ય કાંઇ. (૧)
સત્સંગથી મોક્ષ મહા મળે છે,
બહુ બહુ બંધન તો ટળે છે;
સત્સંગ તો સુરતરુ સમાન,
ઇચ્છિત આપે ફળને નિદાન. (૨)
ગંગા વિષે સ્નાન કરે જઇને,
ગંગા કરે પાવન તોજ તેને;
સત્સંગનો તો ગુણ જેહ લે છે,
તેને મહામોક્ષ અમૂલ્ય દે છે. (૩)
ત્રિવિધિના તો ટળી જાય તાપ,
ત્રિવિધિનાં તો બળી જાય પાપ;
ત્રિવિધ માયા ગુણનો ઉથાપ,
સત્સંગનો છે મહિમા અમાપ. (૪)
સુધાતણું પાન સુખી કરે છે,
ચિંતામણી ઇચ્છિત તો પૂરે છે;
મણી અડે લોહ સુવર્ણ થાય,
સત્સંગમાં તે ગુણ સૌ સમાય. (૫)
પ્રહ્લાદને ધ્રુવ વિભીષણાદિ,
પામ્યા દિસે જેહ મહત્વ ગાદી;
શશી તથા સૂરજ સુખીયા છે,
સત્સંગથી તેહ સહુ થયા છે. (૬)
જરૂર જ્યાં લાભ જરી જણાય,
વેપારી તો તુરંત ત્યાંજ જાય;
વણિક તુલ્યે સુવિવેકી જે છે,
સત્સંગનો લાભ અપૂર્વ લે છે. (૭)
ફણીંદ્રને તો મણી પ્રિય લાગે,
તજાવતાં તો કદિયે ન ત્યાગે;
તેવી રીતે સજ્જન પ્રાણી જેહ,
સત્સંગનો ત્યાગ કરે ન તેહ. (૮)
જો નાવનો આશ્રય તો કરે છે,
તો તુચ્છ ચિજો નિધિમાં તરે છે;
જો અલ્પ પ્રાણી સતસંગ ધારે,
સંસાર સિંધુ થકી તે ઉતારે. (૯)
_______________________________
પરબોધે= જ્ઞાન આપે, સુરતરુ = કલ્પવૃક્ષ.
ત્રિવિધિતાપ= અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ.
(ત્રિવિધનાં તો વળી જાય પાપ.) એટલે કાયિક
વાચિક ને માનસિક પાપ, ત્રિવિધ માયા ગુનનો
ઉથાપ. કહેતાં. રજોગુણ, સત્વગુણ ને તમોગુણ
એ ત્રણ પ્રકારની માયા.
પ્રહ્લાદજીને નારદમુનિ મળ્યા તથા ધ્રુવજીને પણ તેજ
ઋષીજીએ ઉપદેશ દીધો હતો.
ફ્ણીંદ્ર = ફણાવાળામાં શ્રેષ્ઠ, મણીધર સર્પ.