વૃજવાસીઓનો પ્રેમ અપાર રે, સુણો સ્નેહ ધારી ધારી;૧/૨

પદ – ૭૧ ……………………૧/૨

શ્રીકૃષ્ણ ભગવાન મથુરાં ગયા,

ત્યાર પછી ગોપના વિલાપ વિષે.

(રાગ કહેરવા)

“મોરા બલવા ગવન લહે જાયરે, કરવદાંકી છૈયા છૈયા” એ રાગ પ્રમાણે.

વૃજવાસીઓનો પ્રેમ અપાર રે, સુણો સ્નેહ ધારી ધારી;

અવિનાશી વિષે એક તાર રે, સુણો સ્નેહ ધારી ધારી. (ટેક)

ક્રૂર અક્રૂર શ્રીકૃષ્ણને રે, લઇ ચાલ્યા જે કાળ;

વા'લો વળાવીને સહુ વળ્યા, જેને નથી શરીરની સંભાળ રે. સુણો. (૧)

મૂકે નિશાસા મુખથી રે, આંખે આંસુડાની ધાર;

પ્રેમ વડે પરવશ થયા, જાતાં મથુરાં શ્રીજગદાધાર રે. સુણો. (૨)

વૃદ્ધ ને બાળક સહુ મળી રે, બેઠા ગોકુળ મોઝાર;

વા'લો ગયા એ વારતાનો, કરવા લાગ્યા વિચાર રે. સુણો. (૩)

વૃદ્ધ ગોપ કહે આપણે રે, હતી શ્રીકૃષ્ણની સહાય;

ઓચિંતુ દુઃખ જ્યારે આવતું, ત્યારે અલબેલો રચતા ઉપાય રે. સુણો. (૪)

બહુ બહુ બાળક મારતી રે, પૂતના આવી પ્રચંડ;

પયસાથે પ્રાણ કાઢીને , દીધો દામોદરે ખૂબ દંડ રે. સુણો. (૫)

વૃજ ઘેર્યું વંટોળિયે રે, તેને હણ્યો મહારાજ;

પ્રૌઢ શિલામાં પછાડિયો, જેમ તેતરને મારે બાજ રે. સુણો. (૬)

અજગરના ઉદર વિષે રે, બાળક વચ્છ વળી જાત;

ચીરી નાખ્યો તેને ચપટીમાં, થઇ સહાય શ્રી બળભદ્ર ભ્રાત રે. સુણો. (૭)

ગોકુળ બોળી નાંખવા રે, ઇંદ્રે કર્યો ઘણો કોપ;

કર પર ગિરિવરને ધર્યો, સાથે લઇ સખા ગોપ રે. સુણો. (૮)

જમુના જળનાં ઝેરથી રે, આપણ હતાં સહુ અધીર;

કાળીનાગને કાઢીને, કર્યું નિરમલ જમુનાનું નીર રે. સુણો. (૯)

વાર્ષિક કર લેતો ઘણો રે, કંસ અતિશે ક્રૂર;

વા'લે એ દુઃખ વિચારીને , તેને મારી કર્યો ચકચૂર રે. સુણો. (૧૦)

એવાં અગણિત કષ્ટમાં રે, આંસું લો'તાં અલબેલ;

તે આપણને આ સમે, છેક છોડી ગયા જુઓ છેલ રે. સુણો. (૧૧)

વચન સુણી વૃદ્ધના રે, બાળક ઉચર્યા બોલ;

કૃષ્ણ વિના આનંદમાં, અમે ક્યાં જઇ કરશું ટોળ રે. સુણો. (૧૨)

ચકરડી ને ભમરડી લઇ રે, સઘળા રમતા સાથ;

બાપચી કુંડામાં અમે બળથી ભરતા બાથ રે. સુણો. (૧૩)

વાઘ બકરીની રમતમાં રે, મારતો હું કૃષ્ણને માર;

દાવ આવે મુજ ઉપરે, એ પણ થતા અસવાર રે. સુણો. (૧૪)

એક કહે હું કૃષ્ણની રે, સાથે ચરાવતો ઢોર;

બીજો કહે હું બોરડીનાં, વીણીને આપતો બોર રે. સુણો. (૧૫)

ગોવાળ મંડળીમાં અમે રે, જમાડતા રૂડી પેર;

ખાતા પીતા ખૂબ ખેલતા, હતી લાખેણી ઘણી લહેર રે. સુણો. (૧૬)

ગમતું નથી ઘરમાં હવે રે, રાત દિવસ કેમ જાય;

વહાલો ગયા એ વિરહનો, અગ્નિ કેમ ઓલાય રે. સુણો. (૧૭)

હરિ ચરિત્ર સંભારતાં રે, કેટલોક ગયો એમ કાળ;

શામનો સંદેશો આવ્યો નહીં, તેથી મનમાં મુંઝાયા ગોવાળ રે. સુણો. (૧૮)

ગોપ મળી મથુરાં ગયા રે, શ્રીમહાપ્રભુજીની પાસ;

અરજી મન મરજી તણી, કાંઇ કરવા પૂરણ પ્રકાશ રે. સુણો. (૧૯)

જઇને નમ્યા જગદીશને રે, કરીને ડંડ પ્રણામ;

ઉરનો આશય ઉચર્યા, પછી અલબેલો સુણતાં આમ રે. સુણો. (૨૦)

વિશ્વવિહારીલાલજી રે, છોજી ગરીબ નિવાજ;

સ્નેહ વચન સંભળાવવા, અમે આવ્યા છિએ પ્રભુ આજ રે. સુણો. (૨૧)

_____________________________________________________

પય= દૂધ., બાજ= સિંચાણો એક પક્ષિ.

મૂળ પદ

વૃજવાસીઓનો પ્રેમ અપાર રે, સુણો સ્નેહ ધારી ધારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી