બોલ્યા ગોપ મળીને ગુણવંત રે, સુણો સ્નેહ આણી આણી;૨/૨

પદ- ૭૨ ……………………૨/૨

ગોપની અરજી- (રાગ ઉપર પ્રમાણે)

બોલ્યા ગોપ મળીને ગુણવંત રે, સુણો સ્નેહ આણી આણી;

થઇ દિલગીર દિલમાં અત્યંત રે,

સુણો સ્નેહ આણી આણી.

પ્રેમ સહિત પ્રભુ સાંભળો રે, મિત્ર વચન મહારાજ;

અરજી કરવા આપને, એક આવ્યા છીએ અમે આજ રે. સુણો. (૧)

હે! શ્રીકૃષ્ન તમે ઘણા રે, છોજી ચતુર સુજાણ;

આપ અમારા છો સદા, પ્રીતમ જીવન પ્રાન રે. સુણો. (૨)

બાળાપણમાંથી અમે રે , સ્નેહ કીધો તમ સાથ;

અંતર સોંપ્યું આપને, નવલવિહારી નાથરે. સુણો. (૩)

નિશદિન તમ સાથ ફર્યા રે, કરવું મૂકી ઘરકામ;

જેમ કહો તેમ કરતા અમે, કામ તમારાં તમામ રે. સુણો. (૪)

રમતા જમતા સાથમાં રે, ક્ષણ નહીં રહેતા દૂર;

ઘણાં દિવસનો સ્નેહ તે, તમે જીવન તોડ્યો જરૂર રે. સુણો. (૫)

મથુરાં નગરમાં નાથજી રે, પામ્યા રૂડું રાજપાટ;

એ કારણ અમને તજ્યા, એથી થાય ઘણા ઉચાટ રે. સુણો. (૬)

આવું કરવું હતું તો હરિ રે, પહેલાં બાંધી કેમ ? પ્રીત;

મરજી અમારી સાચવીને, ચોરી લીધું તમે ચિત્તરે. સુણો. (૭)

મન અમારું આપમાં રે, જ્યારે થયું એકતાર

હવે ગરજ નથી રાખતાં, ભલો ભજાવ્યો મિત્રાચાર રે. સુણો. (૮)

કપટ વચન કહેતા હતા રે, સ્નેહથી રાખીશ સંગ;

મથુરાં નગરમાં પેસતાં, તમે જુદો ધરી લીધો રંગ રે. સુણો. (૯)

અરજી કરી એ માગીએ રે, સ્નેહ રાખો ભરપૂર;

રાજ પાટ સુખ સાજની, અવર ન ઇચ્છા ઉર રે. સુણો. (૧૦)

હશી બોલાવો હેતમાં રે, વહાલપથી કરો વાત;

મુખ નિરખીને આપનું, અમે રાજી રહેશુ દિન રાત રે. સુણો. (૧૧)

અમ ઉપર કદી આપનો રે, સ્નેહ ગયો હોય શામ;

પણ સ્નેહે બોલાવતાં, કાંઇ દેવા પડે નહીં દામ રે. સુણો. (૧૨)

નેહ વડે નથી નિરખતા રે, જ્યારે નંદકુમાર;

ત્યારે અમારા ઉરમાં, ઉપજે અનેક વિચાર રે. સુણો. (૧૩)

ચરચર દાઝે ચિત્તડું રે, ખરખર આંસું ધાર;

પ્યારા પ્રીતિ સંભારતાં, દુઃખનો વાર ન પાર રે. સુણો. (૧૪)

ગુણવંત ગોપના ઉપરે રે, દિન દિન રહેજો દયાળ;

વિશ્વવિહારીલાલજી, સમે સમે તે લેજો સંભાળ રે. સુણો. (૧૫)

મૂળ પદ

વૃજવાસીઓનો પ્રેમ અપાર રે, સુણો સ્નેહ ધારી ધારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી