પદ- ૯૧ ……………………૧/૧
છપૈયાપુરમાં શ્રીહરિના જન્મ વિષે. (વધામણાની ગરબી)
“ માણકીએ ચડ્યા રે મોહન વનમાળી,
શોભે રૂડી કરમાં લગામ રૂપાળી;” એ રાગ
અવતારી શ્રી હરિ અલબેલો,
છપૈયામાં પ્રગટ્યા તે છેલછબીલો; અવતારી.(ટેક)
ચૈત્રમાસ રામનવમી સુખધામ,
રાત્રી દશ ઘડી જાતાં ઘનશામ;
પ્રગટ્યા પ્રેમવતીથી પૂરણકામ. અવતારી. (૧)
આનંદ વાપ્યો ચૌદ ભુવનમાં અતિશે,
શોક નહીં કોઇના દિલમાં દિસે;
વિશ્વપતિ પ્રગટ્યા પ્રુથ્વીને વિષે. અવતારી. (૨)
કરે સુર ગગનથી પુષ્પની વૃષ્ટિ,
જાણે કરે હરિ સુરપર કાંઇ દ્રષ્ટિ;
સુખી થઇ શ્રીહરિથી સહુ સૃષ્ટિ. અવતારી. (૩)
રુમઝુમ અપ્સરા નાચ કરે છે;
તનનનન તાન આણી ઉચરે છે;
ફરરરર ફેર ફુદડીએ ફરે છે. અવતારી. (૪)
ધેં ધેં ધેં ધેં દુંદુભીના ધ્વનિ થાય,
ચેં ચેં ચેં ચેં શરણાઇઓ સંભળાય,
ગગન વિષે ગાંધર્વ હરિગુણ ગાય, અવતારી. (૫)
પુરવાસી માનુની મંગળ ગાતી,
ધર્મ ઘેર આવી મગન મન થાતી;
હરિમુખ હેરી હૈડે હરખાતી. અવતારી. (૬)
શશી જેમ સોળ કળાથી પ્રકાશે,
ભલું રૂપ બાળ પ્રભુ કેરું ભાસે;
કોટી કામ નામ સુણી લાજી નાસે. અવતારી. (૭)
ધર્મ ભક્તિ લાડ લડાવે અપાર,
પૂરણ રાખે પુત્ર ઉપર નિત્ય પ્યાર.
ગણે વિશ્વવિહારી હૈડાના હાર અવતારી. (૮)