પદ – ૯૯ …………………૧/૧
શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરતાં અનન્ય ભક્તોએભગવાનમાં કેવો પ્રેમ ધારણ કરવો તે વિષે.
( રાગ ગરબી )
“નારાયણ નામ લેને તું પ્રાણી રે” એ રાગ
ઘડી ધન્ય આજની સુખકારી રે,મળ્યા અવતારના અવતારી; ઘડી ધન્ય. (ટેક)
જેનું સ્વામિનારાયન નામ રે,અક્ષરાતીત પૂરણકામરે;વા'લો પધાર્યા તે મુજ ધામ. ઘડી ધન્ય. (૧)
ગણી મુજને એકાંતિક દાસી રે,આવ્યાં મહેર આણી અવિનાશી રે;જે છે વિશ્વ સકળના વિલાસી. ઘડી ધન્ય. (૨)
સખી સન્માન મેં સારું કીધું રે,પગ ધોઇ પાદોદક પીધું રે;મારું ધન્ય ભાગ્ય કરી લીધું. ઘડી ધન્ય. (૩)
પછી મેં હરિનો ગ્રહી હાથ રે,આણ્યાં મંદિરમાં મુનિનાથ રે.હસ્યા મોહન મુજ સંગાથ રે. ઘડી ધન્ય. (૪)
એક બાજઠ રત્નજડિત રે;બેસાર્યા તે ઉપર શુભ રીત રે;પછી થાલ પૂર્યો કરી પ્રીત. ઘડી ધન્ય. (૫)
પકવાન છપન પ્રકાર રે;વળી વ્યંજન છત્રીશ સાર રે.કરી કંચન થાળમાં હાર. ઘડી ધન્ય. (૬)
ભાત ભાતના જેહ અથાણાં રે;ભર્યાં ભારે મોરબાનાં ભાણા રે;વડી પાપડ જે વખણાણાં. ઘડી ધન્ય. (૭)
ગંગાજળિયા કૂવા તણું પાણી રે,ભર્યાં કળશ તે ઉત્તમ આણી રે;રીઝે પીતામાં સારંગપાણી.. ઘડી ધન્ય. (૮)
પંખો એક તે ભરત ભરેલ રે,ઘણી કારીગરીથી કરેલ રે;રીઝાવા લીધો મેં રંગરેલ. ઘડી ધન્ય. (૯)
ધીરે ધીરે તે જમે જીવન રે,ઢોળું વાયુ હું કરી જતન રે;બોલું મધુર હસાવા વચન. ઘડી ધન્ય. (૧૦)
પછી જમી રહ્યાં હરિ જ્યારે રે,મુખ કર ધોવરાવ્યા મેં ત્યારે રે;વા”લો ઉભા થયા તેહવારે. ઘડી ધન્ય. (૧૧)
હતો સુંદર એક પલંગ રે,સાવ સોનાનો જડિયલ નંગ રે;નહીં નીચો ને નહીં ઉત્તંગ . ઘડી ધન્ય. (૧૨)
તેના ઉપર રૂની ભરેલી રે,ગાદી મોહન સારું મેં મેલી રે;કાજુ શ્વેત ઓછાડ કરેલી. ઘડી ધન્ય. (૧૩)
રૂડાં ઓશિકાં તકિયાની સાથરે ,પધરાવ્યા હરિ ગ્રહી હાથ રે;જે છે રાધા રમાજીના નાથ. ઘડી ધન્ય. (૧૪)
પછી પાનની બીડી મેં વાળી રે,કાથા ચૂના સહિત રૂપાળી રે;બહુ હેતે જમ્યા વનમાળી. ઘડી ધન્ય. (૧૫)
થયા સેજમાં શામ સુખાળા રે,દાબ્યા ચરણ મેં સરસ સુંવાળા રે;સુખ દીધા તે દીનદયાળા. ઘડી ધન્ય. (૧૬)
મળે જે સુખ અક્ષરધામ રે,પામી દેહ છતાં તે તમામ રે;વસ્યા ઉરમાં શ્રીઘનશામ. ઘડી ધન્ય. (૧૭)
મારા જનમો જનમના એ સાથી રે,પામું સુખ સદા હું એનાથીરે;થાય અળગા એ કેમ? મારાથી. ઘડી ધન્ય. (૧૮)
સેવી શ્રીભક્તિધર્મકુમાર રે,કર્યો સુફલ આ અવતાર રે;કશી ખામી ન રાખી લગાર. ઘડી ધન્ય. (૧૯)
રઘુવીર સુત સુતના સ્વામી રે,અખિલેશ્વર અક્ષરધામી રે;પ્રેમે આજ હું એ વર પામી. ઘડી ધન્ય. (૨૦)
_______________________________________________
પાદોદક- ચરણારવિંદનું પ્રસાદી જળ , ગંગાજળિયો કૂવો= ગઢપુરમાં