છપૈયાપુરની સુંદરી, ગાય મંગળ ગીત; ૧/૧

પદ- ૧૬૯ …………………….૧/૧
શ્રીજી મહારાજને જનોઇ આપ્યાનું ધોળ.
“સુરત શહેરેની ગુજરી, સમી સાંજે ભરાય રેઃ ‘ અથવા
“પાટણ ટોપી અવનવી, જુનાગઢના છે મોતીઃ “ એ રાગ પ્રમાણે.
( રાગ બડવાની ટોપીનો)
 
છપૈયાપુરની સુંદરી, ગાય મંગળ ગીત;ઉત્સવ જોવા ટોળે મળી , થઇ મનમાં મુદિતઃ
ધરી ફૂલ માળા , લાગે છે રૂપળા;હરિજીને જોઇ, પહેરાવે જનોઇ
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (ટેક)
ધર્મદેવને આંગણે, રચી વેદી રૂપાળી;મોતીડે ચોક પૂરાવિયા, જન હરખે નિહાળી;
વાજા ઘણા વાજે, જાણે મેઘ ગાજે;આનંદ વધાઇ, ચહુ દિશે છાઇ;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૧)
વિપ્ર ઉચ્ચારે વેદને, લઇ મંત્રોનાં નામ;બાજઠપર બેસારિયા, પ્રભુ પૂરણ કામ;
આવ્યા ભક્તિમાતા. થઇ રળિયાતા;પિતા ધર્મદેવ આવ્યા તતખેવ;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૨)
ધર્મ વચન વદે માનુની, જગજીવન જોઇ;પે'રો પે'રો બ્રહ્મચારી પાતળા, આપે પિતા જનોઇ;
ભાભી ભેટ લાવી, ઉભા જુઓ આવી;જાણો જેષ્ટ ભ્રાતા , ઉભા હરખાતા;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૩)
મામો પે'રાવે પ્રેમશું, પે'રો ટોપી રૂપાળી;ફરકે રૂડાં ઘણાં ફુમતાં, મામી હરખે છે ભાળી;
મોતી લે'રો લટકે , જોઇ મન અટકે;વિચિત્ર છે ચિત્ર, ટોપીમાં પવિત્ર;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૪)
પે'રી જનોઇ ઉભા થયા, પુરુષોત્તમ પોતે;તેજ દેખાડિયું તનમાં, સહુ જનને જોતે;
કોટી રવિચંદ્ર , જોઇ વર્ણીંદ્ર;લાજે કોટી કામ, એવા ઘનશામ;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૫)
મુગટ માથે ઝળહળે, કાને કુંડળ લળકે;કૌસ્તુભ માળા કંઠમાં, ચારે આયુધ ચળકે;
એવું વિષ્ણુરૂપ, દેખાડ્યું અનૂપઃપછી તેજ પોતે, કર્યું લીન જોતે;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૬)
ભિક્ષા માતા પાસે માગીને, આપી ગુરુને આવી;ગુરુની આજ્ઞાથી આરોગિયા, ભાવ અંતરે લાવી;
પછી બટુ વેશે, ચાલ્યા પરદેશે;મામો પછવાડે , ઘણુ ઘણું દોડે;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૭)
મામો થાક્યા પછી તે સમે, લાગ્યા સ્તુતિ ઉચરવા;પાછા વળો પ્રભુ આ સમે, સહુને સુખ કરવા;
પિતા અને માતા તેને જગત્રાતા;તમારા વિયોગે , થશે દુઃખ અંગે;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૮)
આણી દયા પછી અંતરે, ઉભા અંતરજામી;મામે તેડ્યા મહારાજને, આવ્યા ઘેર અકામી;
કરી લીલા લે'ર , પ્રભુ રૂડી પેર;જનો હરખાવ્યાં ઐશ્વર્ય જણાવ્યાં;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૯)
અક્ષરના વાસી આવિયા, આ સમે સુખકારી;વિશ્વવિહારીલાલજી, જગમાં જયકારી.;
શીખે સુણે ગાય, હરિ મહિમાય;થઇ નિષ્કામ, પામે પ્રભુ ધામ;
જુઓ જુઓ ટોપી ઝગમગે , ધરી ધર્મકુમાર રે.જુઓ જુઓ. (૧૦) 

મૂળ પદ

છપૈયાપુરની સુંદરી, ગાય મંગળ ગીત;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી